બોલીવુડ હસીનાઓને પૈસા અને ખોટી ઓળખના જોરે નચાવનાર મહાઠગ સુકેશ ચંદ્રશેખર જેલમાં પણ રાજાશાહી ઠાઠમાઠ ભોગવી રહ્યો છે. આ માટે જે જેલના અધિકારી, કર્મચારીઓને દર મહિને 1.5 કરોડ રૂપિયા હપ્તો ચૂકવતો હતો. આ મામલે દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) એ રોહિણી જેલના લગભગ 81 અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ FIR નોંધી છે. આરોપ છે કે સુકેશ આ રકમ જેલ સ્ટાફને અલગ બેરેક અને જેલમાં મોબાઈલનો ઉપયોગ કરવા ઉપરાંત વિવિધ સુવિધાઓ મેળવવા માટે આપતો હતો.
સુકેશ ચંદ્રશેખર બેંગ્લોરનો રહેવાસી છે. નાની ઉંમરમાં તે વસૂલી, ખંડણીના રેકેટમાં સામેલ થઈ ગયો હતો. સુકેશે પોતાના કાવતરામાં રાજકારણીઓ અને મોટા અધિકારીઓના નામોનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. તે એવા કામો માટે પણ પૈસા લેતો કે એ કામ મળવાની સહેજ પણ શક્યતા નહોતી. તે વિવિધ સ્પુફિંગ એપ દ્વારા લોકોને છેતરતો હતો. તે વર્ચ્યુઅલ નંબર દ્વારા પોતાને મોટા અધિકારી કે પીઢ નેતાના સેક્રેટરી તરીકે રજૂ કરતો હતો. EDએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે સુકેશ પોતાને ફોન ટ્રેકિંગથી બચાવતો હતો, જેના કારણે તે જેલમાંથી જ ખંડણીનું રેકેટ ચલાવતો હતો.

સુકેશ ચંદ્રશેખર જ્યારે જામીન પર જેલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે ચાર્ટર્ડ ફ્લાઈટ બુક કરાવી હતી. ચેન્નાઈમાં તેની મુલાકાત જેકલીન સાથે થઈ હતી. જેક્લિને EDને જણાવ્યું હતું કે સુકેશ ચંદ્રશેખરે પોતાને સન ટીવીનો ઓનર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તે જયલલિતાના પરિવારમાંથી આવે છે. સુકેશ ચંદ્રશેખર પાસે ડઝનબંધ લક્ઝરી કાર છે જે ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. સુકેશ ચંદ્રશેખરે જેકલીનને મોંઘો ઘોડો, ગુચી અને ચેનલની 3 ડિઝાઈનર બેગ, ગુચીના 2 જિમ આઉટફિટ, લૂઈ વિટન શૂઝ, 2 જોડી હીરાની બુટ્ટી, બ્રેસલેટ, બહુ રંગીન પથ્થરો, 2 હર્મિસ બ્રેસલેટ જેવી વસ્તુઓ પણ ભેટમાં આપી હતી. જેક્લિને EDને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે સુકેશે તેને મિની કૂપર કાર પણ ગિફ્ટ કરી હતી, જે તેણે પરત કરી હતી.

દિલ્હીની તિહાર જેલમાં બંધ હોવા છતાં સુકેશ બહારના લોકોના સંપર્કમાં રહે છે. તે જેલની અંદરથી પત્રો મોકલતો પણ પકડાયો છે. ડીજી (જેલ) સંદીપ ગોયલના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા સીસીટીવી રેકોર્ડિંગમાં એક નર્સિંગ સ્ટાફ સુકેશ ચંદ્રશેખર પાસેથી કેટલાક કાગળો લેતો જોવા મળ્યો હતો. સ્ટાફની પૂછપરછ દરમિયાન ખબર પડી કે તેને આ લેટર બહારના કોઈને આપવા માટે કહેવામાં આવ્યું હતું. જેલમાં સુખ, સાહ્યબી, સગવડ ભોગવવા તે પાણીની માફક પૈસા વેરતો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી જેલના કેટલાક કર્મચારી, અધિકારીઓની ધરપકડ પણ કરી છે.