નવી દિલ્હીઃ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અસાધારણ ફોર્મમાં ચાલી રહ્યો છે. તેની બેટમાંથી જે ગતિએ રન નીકળી રહ્યા છે એ જોતા તે વાસ્તવમાં આધુનિક ક્રિકેટનું રન મશીન બની ગયો છે. રમતનું ફોર્મેટ ગમે તે હોય, તાજેતરના સમયમાં ભાગ્યે જ કોઈ એવી મેચ પસાર થઈ હોય જેમાં બાબર આઝમના બેટ નિયમિત અંતરે સદી ન ફટકારી હોય. હાલ શ્રીલંકા સામે રમાઇ રહેલીની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે, બાબરે તેના બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શન વચ્ચે 119 રન બનાવ્યા હતા. આ ઇનીંગમાં તે છેલ્લા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો. ઇનિંગ્સ દરમિયાન, બાબરે ટેસ્ટ કારકિર્દીની સાતમી સદી જ નથી ફટકારી, તેણે એક મેગા રેકોર્ડ પણ બનાવ્યો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝડપી 10 હજાર રન ફટકારવાના મુશ્કેલ રેકર્ડમાં તેણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. આ સાથે બાબર આઝમના આ રેકર્ડે એવી લક્ષ્મણરેખા ખેંચી છે, જે આવનારા સમયમાં કોઈપણ બેટ્સમેન માટે પાર કરવી ખૂબ મુશ્કેલ હશે.

બાબર આઝમે રવિવારે રમતના ત્રણેય ફોર્મેટમાં પોતાના દસ હજાર રન પૂરા કર્યા. સૌથી ઝડપી ગતિએ આ માઇલ સ્ટોન સુધી પોંચનાર કરનાર તે એશિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અને આ એક એવી સિદ્ધિ હતી કે તે કોહલી કરતા આગળ નીકળી ગયો. વાત એ છે કે વિરાટે આ જ સિદ્ધિ મેળવવા માટે તેની કારકિર્દીમાં 232 ઇનિંગ્સ રમી હતી, તો બાબરે આ સિદ્ધિ કોહલી કરતાં માત્ર ચાર ઇનિંગ્સ ઓછી રમીને મેળવી હતી.

બાબરે ક્રિકેટના ત્રણે ફોર્મેટની 228 ઈનિંગમાં 10000 રન પૂરા કર્યા હતા. આ પહેલા પાકિસ્તાનના પ્લેયર જાવેદ મિંયાદાદે 248 ઈનિંગમાં 10000 રન ફટકારવાની સિધ્ધિ મેળવી હતી. જ્યારે સઈદ અનવરને આ સિધ્ધિ મેળવતા 255 ઈનિંગ રમવી પડી હતી. આ સિદ્ધિ સાથે બાબર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દસ હજાર રન બનાવનાર પાકિસ્તાનનો 11મો બેટ્સમેન બન્યો. હાલમાં વિરાટ કોહલી આઉટ ઓફ ફોર્મ છે ત્યારે બાબર આઝમનુ બેટ રનના ઢગલા કરી રહ્યુ છે. બાબરની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ બેટસમેનોમાં થવા માંડી છે.
ઉલ્લેખનીય છે કે ફાસ્ટેસ્ટ 10 હજાર રન ફટકારવાનો વિશ્વ વિક્રમ વેસ્ટ ઇન્ડીઝના વિવિયન રિચાર્ડના નામે છે. તેણે આ કારનામું માત્ર 206 ઇનીંગમાં કરી બતાવ્યું હતું. જ્યારે બીજા સ્થાને 217 ઇંનીંગ સાથે સાઉથ આફ્રિકાનો હાસીમ આમલા છે. 220 ઇનીંગમાં આ વિક્રમી માઇલસ્ટોન પાર કરી ત્રીજા સ્થાને બ્રાયન લારા અને 222 ઇનીંગ સાથે જો રૂટ ચોથા સ્થાને છે. જ્યારે બાબર આઝમે પાંચમો ક્રમ પોતાના નામે કર્યો છે.