અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે, ત્યારે આજે નેત્રોત્સવ વિધિ બાદ બપોરે ભગવાનને કાળી રોટી, ધોળી દાળનો ભોગ લગાવવામાં આવશે. તેની સાથે માલપુવા અને દૂધપાકનો ભગવાન જગન્નાથજીને ભોગ લગાવાશે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાને લાડકોરથી મહાપ્રસાદીનો ભોગ લગાવવાની વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે. રથયાત્રા પહેલા ભગવાનને દર વર્ષે મહાપ્રસાદીનો ભોગ લગાવાય છે. ભોગ લગાવ્યા બાદ 1000થી વધુ સાધુ સંતો માટે ભંડારાનું પણ આયોજન કરાયું છે.
આજે અમાસના દિવસે પ્રભુને કાળી રોટી ધોળી, દાળ એટલે કે માલપુવા અને દૂધપાકનો ભોગ લગાવવામાં આવશે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રા સાથે મોસાડેથી પરત ફર્યા છે. ત્યારે નેત્રોત્સવ વિધિ બાદ મંદિરમાં આજે ભગવાનને લાડકોરથી મહાપ્રસાદીની ભોગ લગાવવામાં આવશે. ત્યારબાદ જગતના નાથને ભોગ લગાવ્યા બાદ 1000થી વધુ સાધુસંતો માટે ભંડારો શરુ કરાશે. ગઈ કાલ રાતેથી ભંડારાની તૈયારીઓમાં સૌ કોઈ જોડાયા છે. જેમાં માલપુવા, દૂધપાક, ચાર પ્રકારના ભજીયા, પુરી અને શાક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

દેશભરમાંથી 145મી રથયાત્રાને લઈને 1000થી વધુ સાધુ-સંતો આવ્યા છે, આજે નેત્રોત્સવ વિધિ બાદ ભંડારો થશે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બળદેવજી મામાનાં ઘરેથી એટલે કે સરસપુરથી નિજ મંદિરે પરત ફરવાની વિધિને અનુલક્ષીને જગન્નાથજી મંદિર ખાતે ખાસ ‘કાળી રોટી-ધોળી દાળ’નો ભંડારો યોજાશે. આ પ્રસંગે સમગ્ર દેશમાંથી વિશાળ સંખ્યામાં સાધુ-સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે. જેઠ વદ અમાસના દિવસે ભગવાન મામાનાં ઘરેથી નિજ મંદિરે આવે છે, તેની ખુશાલીમાં ભંડારો કરવામાં આવે છે. જેમાં વિશિષ્ટ ‘કાળી રોટી-ધોળી દાળ’નો ભંડારો યોજાય છે. અહીં માલપૂઆને કાળી રોટી કહેવાય છે અને દૂધપાકને ધોળી દાળ કહેવામાં આવે છે. ભંડારા અને વસ્ત્રદાનનો કાર્યક્રમ સવારે 11.30 વાગ્યાથી યોજાશે. રથયાત્રાનાં બે દિવસ પૂર્વે થતા આ ભંડારા સહિત રથયાત્રામાં જોડાવા માટે દેશભરના વિવિધ સ્થળોએથી 1000થી વધુ સાધુ-સંતો આવે છે. જેમાં હરિદ્વાર, વારાણસી, ઋષિકેશ, અયોધ્યા, મથુરા, વૃંદાવન, જૂનાગઢ વગેરેનો સમાવેશ થાય છે.

**કાળી રોટી ધોળી દાળનુ પણ પણ વિશેષ મહત્વ
ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે કાળી રોટી ધોળી દાળનુ પણ પણ વિશેષ મહત્વ છે. મહંત નરસિંહદાસજી સેવા ભાવી હતા, અને લોકો ભુખ્યા ન રહે તેનુ પણ ધ્યાન રાખતા. અમદાવાદ શહેરના જગન્નાથ મંદિરની આજુ બાજુ વર્ષો પહેલા મીલો આવેલી હતી અને આસપાસના વિસ્તારમાં મજુર અને ગરીબ લોકો રહેતા હતા. જેણા કારણે ગરીબ લોકોને મહંત નરસિંહદાસજી મહારાજ દ્વારા ભોજન કરાવતા. ભોજનમાં માલપુવા અને દુધપાક આપવામાં આવતો હતો. ત્યારથી લઈ આજ સુધી આ પરંપરાને ચાલુ રાખવામાં આવી છે. જેને કાળી રોટી ધોળી દાળ કહેવામાં આવે છે. ભગવાન જગન્નાથના મંદિરે આવતા તમામ ભક્તોને માલપુવા, ગુંદી,અને ગાઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે. તેમજ જગન્નાથ મંદિરે ભંડારામાં ભક્તોને માલપુવા અને દુધપાક આપવામાં આવે છે.
**શું છે નેત્રોત્સવ વિધિ
રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ 15 દિવસ પહેલા પોતાના મોસાળમાં જતા હોય છે, અને ત્યારબાદ ત્યાંથી પરત નિજ મંદિરે પરત ફરે છે. મોસાળમાં ભાણેજોની ભારે આગતાસ્વાગતા કરવામાં આવે છે. તેમણે અનેક મિષ્ટાનો અને જાંબુ ખવડાવવામાં આવે છે. જેના કારણે તેમની આંખો આવી ગઇ હોય છે. જેથી આજે ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આ આખી વિધિને નેત્રોત્સવ કહેવામાં આવે છે. હવે ભગવાનના આંખેથી પાટા અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજા રોહણની વિધિ કરવામાં આવશે અને પછી મંગળા આરતી થશે. આજે મંદિરમાં ધોળી દાળ(ખીર) અને કાળી રોટી(માલપુડા)નો ભંડારો થશે. લાખો ભાવિકો આ ભંડારાનો લાભ લેશે.
સવારે 9.30 કલાકે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવે છે. તેના બાદ વિશિષ્ટ પૂજા અને આરતી કરવામાં આવશે. બાદમાં સાધુ-સંતો માટે 11.30 કલાકે ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર.પાટીલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. હાલ સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે અને ભક્તોમાં શ્રદ્ધા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે.