જામનગર : વાઇરસ શબ્દ કાને પડતાં જ વ્યક્તિના કપાળે ચિંતાની લકીર ઉપસી આવે છે. કોરોના કાળ બાદ આ સ્થિતિ સર્જાય છે. એવામાં હવે જામનગરમાં લમ્પી વાઇરસથી 18 ગાયનાં મોતનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. મહાનગરપાલિકાએ જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામકને મોકલેલા હકીકતલક્ષી અહેવાલમાં મોતનો સતાવાર સ્વીકાર કરવામાં આવ્યો છે. શહેરભરમાં ગાયમાં લમ્પી વાઇરસના રોગચાળાએ માઝા મૂક્યા બાદ મૃત્યુ થતાં સફાળી જાગેલી મહાનગરપાલિકા દ્વારા ત્રણ દિવસથી યુદ્ધના ધોરણે રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાય રહ્યું છે.
જામનગરમાં મે મહિનાની શરૂઆતમાં ગાંધીનગર, નવાગામ ઘેડ, રામેશ્વરનગર સહિતના વિસ્તારોમાં ગાયમાં શરીરે ગાંઠા થવાનો રોગચાળો જોવા મળ્યો હતો, આથી પશુપાલન વિભાગ હરકતમાં આવ્યો હતો અને ગાયની તપાસ કરી હતી, જેમાં ગાયમાં લમ્પી વાઇરસનો રોગચાળો ફેલાયો હોવાનું બહાર આવ્યું હતું. શહેરમાં ગાયમાં લમ્પી વાઇરસનો પ્રથમ કેસ ગત તા.2 મે ના રોજ નોંધાયો હતો. આથી પશુપાલન વિભાગ દ્વારા રસીના 5000 ડોઝ મગાવી ગાંધીનગર સહિતના વિસ્તારોમાં અસરગ્રસ્ત ગાયને રસી આપવાનું શરૂ કરાયું હતુ, પરંતુ માખી અને મચ્છરથી ફેલાતા લમ્પી વાઇરસના કેસ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળ્યા હતા. આમ છતાં મનપા દ્રારા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી, જેને કારણે ગાયના મોતની ફરિયાદ ઊઠી હતી.
ગાયના મોતનો વિવાદ વકરવા માંડતાં જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના નિયામકે મનપા પાસે હકીકતલક્ષી અહેવાલ માગ્યો હતો. આથી મનપાની સોલિડ વેસ્ટ શાખાએ ગતા 27 મેના નાયબ પશુપાલન વિભાગને મોકલેલા અહેવાલમાં લમ્પી વાઇરસથી શહેરમાં 18 ગાયનાં સતાવાર મોત થયાંનો અને એનો યોગ્ય રીતે નિકાલ કર્યાનો સ્વીકાર કરતાં ખળભળાટ મચી ગયો છે. ગાયના મોત થતાં યુદ્ધના ધોરણે મનપા દ્રારા ગાયનું રસીકરણ શરૂ કરાયું છે.
જામનગરમાં ગાયમાં લમ્પી વાઇરસના રોગચાળાને કારણે પશુપાલન વિભાગ બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી છે. અત્યાર સુધીમાં પશુપાલન વિભાગ દ્રારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં 4019 ગાયનું રસીકરણ અને 230 ગાયની સારવાર કરવામાં આવી છે. જ્યારે મનપા દ્વારા શનિવારથી સોમવાર સુધીમાં 950 ગાયનું રસીકરણ કરાયું છે. શહેરમાં ગાયમાં લમ્પી વાઇરસનો રોગચાળો જોવા મળ્યો છે, જેના કારણે 18 ગાયનાં મૃત્યુ નીપજયાં છે. આથી ગાયના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો છે. બીજી બાજુ શહેરમાં ત્રણ દિવસથી જુદા-જુદા વિસ્તારોમાં ત્રણ ટીમ દ્વારા ગાયને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જો કે એ વાત પણ વિવાદનો મુદ્દો બની છે કે જામનગરમાં લમ્પી વાઇરસનો રોગચાળો એક મહિનાથી વધુ સમયથી ગાયમાં જોવા મળ્યો છે. ગત તા.2 મેના લમ્પી વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યાર બાદ ગાયમાં લમ્પીના કેસ દિન-પ્રતિદિન વધ્યા હતા. આમ છતાં મનપા દ્વારા વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી, પરંતુ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાની જેમ ગાયનાં મોત બાદ ત્રણ દિવસથી મનપા દ્રારા શહેરમાં ગાયને રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે.