** ડ્રગ્સની જેમ ઇ-સિગારેટમાં પણ અડાજણ, રાંદેર અને ભાગાતળાવ એપી સેન્ટર, સુરત એસઓજીએ બે મહિનામાં 20 લાખનો માલ પકડ્યો
સુરત, તા.07 ફેબ્રૂઆરી….
દેશના નાણામંત્રી નિર્મલા સીતારામન ની અધ્યક્ષતાવાળી સમિતિએ વર્ષ 2019માં ભારતમાં ઈ-સિગારેટનું વેચાણ, સંગ્રહ અને નિર્માણ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. ઇ સિગારેટ ઉપયોગ પર લગામના ઇરાદે આ પગલું ભરવામાં આવ્યું પરંતુ તેની અપેક્ષિત અસર જોવા મળી નથી. તાજેતરમાં એક નવા અધ્યયનમા ચોંકાવનારો ખુલાસો થયો છે કે હજુ પણ 23 ટકા યુવાઓ ઈ-સિગારેટનો ઉપયોગ કરી રહી છે. રીપોર્ટમાં એવો પણ સનસનીખેજ ખુલાસો થયો છે કે ઉચ્ચ શિક્ષિત લોકો સૌથી વધુ ઈ-સિગારેટનુ સેવન કરે છે. પ્રતિબંધ છતાં શહેરમાં છડેચોક ઇ સિગારેટનું વેચાણ થઈ રહ્યું છે. સુરત એસઓજીએ બે મહિનામાં છ ઠેકાણે દરોડા પાડી 20 લાખની ઇ-સિગારેટ પકડી એના પરથી તેના વેચાણ અને ઉપયોગની માત્રાનો અંદાજ લગાવી શકાય એમ છે.

સિગારેટના ઉપયોગ અંગે કરાયેલા સર્વે કહો કે અધ્યયનનો નિષ્કર્ષ જર્નલ પ્રિવેન્ટીવ મેડીસીન રિપોર્ટ્સમાં પ્રકાશિત થયો છે. આ રિપોર્ટમાં જે આંકડાકીય સ્થિતિ જણાવવામાં આવી એ ચિંતાજનક છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર લગભગ 27 ટકા ભારતની વસ્તી તમાકુનુ સેવન કરે છે. દેશમાં પૂર્ણ પ્રતિબંધ હોવા છતાં યુવાનો હજુ પણ તમાકુ તથા સિગારેટની ચુંગાલમાં ફસાઈ રહ્યા છે. સંશોધકોએ જણાવ્યુ હતુ કે આઠ ટકા યુવાનોએ ઈ-સિગારેટ અને તમાકુ એમ બંનેનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાપનના સંપર્કમાં આવવાના આધારે 240 યુવાનોનુ સર્વેક્ષણ કરાયુ હતુ. જેમા 70 ટકાએ તમાકુના સેવનની કબુલાત કરી હતી. જયારે 23 ટકાએ ઈ-સિગારેટનો ઉપયોગ કર્યાના બારામાં જણાવ્યુ હતુ. જયારે 8 ટકા એ સ્વીકાર્યું હતુ કે તેઓ બંનેનો ઉપયોગ કરે છે.

દેશની આ સ્થિતિથી સુરત શહેર અલિપ્ત રહ્યું નથી. શહેરમાં પણ ઇ સિગારેટનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પાનના ગલ્લાઓ પર ખુલ્લેઆમ ઇ-સિગારેટ વેચાય છે. સુરત પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગૃપે છેલ્લા બે મહિનામાં જ છ ઠેકાણે દરોડા પાડી બે લાખથી વધું કિંમતની ઇ સિગારેટ કબજે લીધી છે. ઇ સિગારેટ સાથે સાથે ઇ હુક્કા પણ ગલ્લે વેચાઇ રહ્યા છે. આ ચાર્જેબલ ડિવાઇસ હેન્ડી હોવા સાથે તેની ડ્યૂરેબિલીટી વધારે હોય છે. એક સિગારેટના આઠથી દસ કસ ખેંચી શકાય છે, જ્યારે ઇ સિગારેટ થી 5000 સુધીના કસ ખેંચી શકાતા હોય છે. આ બધા કારણોને લઇ યુવાઓમાં તેનું ચલણ વધારે જોવા મળી રહ્યું છે.

**શું છે ઈ-સિગારેટ, યુવાઓમાં વધી રહ્યું છે ચલણ
ઈ-સિગારેટ અર્થાત ઇલેક્ટ્રોનિક સિગારેટ બેટરીથી ચાલતું એક ડીવાઈસ છે. જેમા નિકોટીનની સાથે કેમિકલ ભરેલા હોય છે. જયારે ઉપયોગ કરનાર ઈ-સિગારેટનો કશ ખેંચે છે તો ડિવાઈસ માં રહેલુ દ્રવ્ય વરાળમાં બદલાય છે અને ઈ-સિગારેટમા ધુમાડાની જગ્યાએ વરાળ નીકળે છે. અહીં નિકોટીન સાથે જુદી જુદી ફ્લેવરના કેમિકલ નું મિશ્રણ હોય છે. આ કેમિકલ નિકોટીનની દુર્ગંધ દૂર કરી દે છે. સામાન્ય સિગારેટ પીધા બાદ મોં માંથી તમાકુની ગંધ આવે છે, જ્યારે ઇ સાગિરેટમાં તે થતું ન હોવાથી ટીનએજર્સમાં તેનો વધું ચસ્કો જોવા મળી રહ્યો છે.

ઇ સિગારેટની બંધાણી હોય એવી યુવતીઓની સંખ્યા પણ ખૂબ મોટી છે. વીડ એટલે કે ગાંજાના અલ્ટરનેટિવ તરીકે ઇ સિગારેટનો ઉપયોગ યુવાઓ કરતાં જોવા મળે છે. ઇ-સિગારેટના કસ ખેંચ્યા બાદ નીકળતો ધુમાડો સામાન્ય સિગારેટથી વધારે હોય છે. આ ધુમાડો મોં થી બહાર કાઢી તેની રિંગ બનાવવા સહિતના અખતરાઓ અને દેખાદેખીમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે.
**ઇ-સિગારેટથી ફેફસાના રોગોનું જોખમ 29% વધે
નિકોટીનની સાથે કેમીકલ્સ અંદર જવાથી ફેફસાના કેન્સરની આશંકા વધી જાય છે. ઈ-સિગારેટની વરાળ ગર્ભમાં વિકસી રહેલા બાળક પર ખરાબ અસર પડે છે. ફલેવરીંગથી રકત સંચાર થાય છે, જેથી હૃદયની બીમારી નો ખતરો વધે છે. ઇ-સિગારેટને લઈને એક નવું સંશોધન થયું છે. જેમાં જાણવા મળ્યું છે કે ઇ-સિગારેટ પીવાથી ફેફસાંના રોગો થવાનું જોખમ 29% વધે છે.

આ સંશોધનનું કહેવું છે કે, જે લોકો ઈ-સિગારેટ નું સેવન કરતા હોય તેમને તમાકુ ન ખાતા લોકોની તુલનામાં અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ફેફસાંના ચેપનું જોખમ વધી જાય છે. આ રિસર્ચ માટે વૈજ્ઞાનિકોએ છેલ્લાં ત્રણ વર્ષમાં 32,000 લોકોનું વિશ્લેષણ કર્યું. આ રિસર્ચ અમેરિકન જર્નલ ઓફ પ્રિવેન્ટિવ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ સંશોધન સાથે સંકળાયેલા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર સ્ટેન્ટન ગ્લેન્ટ્ઝનું કહેવું છે કે, ઈ-સિગારેટ ખૂબ નુકસાનકારક હોય છે. તેની અસર પરંપરાગત તમાકુના વપરાશ અને ધૂમ્રપાન કરતા લોકો પર અલગ પડે છે.
આ સંશોધન માટે સંશોધકોએ અમેરિકન લોકોનો ડેટા એકત્રિત કર્યો હતો. આ સંશોધનમાં એવા લોકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમણે ક્યારેય ઇ-સિગારેટ પીધી નથી અને જેઓ ઇ-સિગારેટ પીવે છે. રિસર્ચ બાદ એવું તારણ નીકળ્યું કે, ઇ-સિગારેટ પીતા લોકોમાં ફેફસાંના રોગ થવાનું જોખમ 29% વધારે રહે છે.