કોઇ વ્યક્તિને પેટમાં દુઃખાવો થાય અને તબીબ પરિક્ષણ કરે ત્યારે નાની મોટી ગાંઠ કે પછી પથરી જેવી બાબતોનું નિદાન થતું હોય છે. ક્યારેક કોઇ વ્યક્તિ એક સિક્કો, પથ્થર કે લોખંડની પીન જેવી કોઇ વસ્તુ ગળી ગઇ હોય તો તબીબો તેને ઓપરેશન કરી કાઢી નાંખે છે. જો કે તુર્કીના ઇપેકિયોલુના એક વ્યક્તિએ ડોકટરોની ટીમને આશ્ચર્યચકિત કરી દીધી. ડૉક્ટરોની ટીમે તેના પેટમાંથી 233 એવી વસ્તુઓ કાઢી છે, જેના વિશે સાંભળીને તમે દંગ રહી જશો. તેમાં સિક્કા, બેટરી અને સ્ક્રૂ સહિત અન્ય ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.

વાત કંઇક એવી છે કે, બુરહાન ડેમિર નામનો તુર્કી વ્યક્તિ તેના નાના ભાઈને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ ગયો. પરંતુ જ્યારે ડોકટરોએ અલ્ટ્રાસાઉન્ડ અને એક્સ-રે સ્કેન સાથે એન્ડોસ્કોપી કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે 35 વર્ષીય વ્યક્તિના પેટમાં 233 વસ્તુઓ હતી. તેમાં લીરા (તુર્કી ચલણ) સિક્કા, બેટરી, ચુંબક, નખ, કાચના ટુકડા, પથ્થરો અને સ્ક્રૂનો સમાવેશ થાય છે. સર્જનોની ટીમે આ વ્યક્તિના પેટમાંથી સફળતાપૂર્વક આ તમામ વસ્તુઓ કાઢી નાખી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડૉ.બિનીસી નામના સર્જને કહ્યું કે સર્જરી દરમિયાન તેમને જણાયું કે પેટની દિવાલમાંથી એક કે બે નખ પણ નીકળ્યા છે. તેઓએ જોયું કે મોટા આંતરડામાં ધાતુના બે ટુકડા છે અને વિવિધ કદના બે પથ્થર પણ છે. સર્જન કહે છે કે ‘અમને [વ્યક્તિના પેટમાં] બેટરી, ચુંબક, નખ, સિક્કા, કાચના ટુકડા અને સ્ક્રૂ જોવા મળ્યા. અમે તેનું પેટ સંપૂર્ણપણે સાફ કર્યું છે.

ડૉક્ટરની ટીમનું માનવું છે કે માનસિક દર્દીઓ, કેદીઓ અથવા દુર્વ્યવહારથી પીડિત લોકો સાથે પુખ્ત વયના લોકોમાં આ પ્રકારની ઘટના વધુ જોવા મળે છે. આ વ્યક્તિના ભાઈએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે ‘તેને આ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અહીં તપાસ કર્યા બાદ દર્દીનું ઓપરેશન કરીને તેના પેટમાંથી આ વસ્તુઓ કાઢી નાખવામાં આવી હતી. ઓપરેશન ક્યારે થયું તે સ્પષ્ટ નથી, પરંતુ સ્થાનિક મીડિયાએ 15 જૂને આ ઘટનાની જાણ કરી હતી. બુરહાને કહ્યું: ‘હું ડોકટરોના ધ્યાન અને સમર્થન માટે આભાર માનું છું.’ (મૂળ ફોટો ન્યૂઝફ્લેશ દ્વારા)