*** રોકડા ૧૫.૬૦ લાખ, દાગીના તેમજ મિલકતના દસ્તાવેજાની ફાઈલ લૂંટી લીધી
સુરત,તા.૧૨
વેસુ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીને સ્પા ચલાવતી મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું છે. સ્પા સંચાલિકા વેપારી એકલો રહેતો હોવાનો ફાયદો ઉઠાવી તેના બે દિકરી સાથે મળી વેપારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. ગુરુવારે વેપારીને પોતાના ઘરે બોલાવ્યા બાદ મહિલાએ તેની બે દીકરી અને ત્રણ અજાણ્યા સાથે મળી ઢીક મુક્કીનો માર મારી રૂમમાં ગોંધી દીધો હતો. વેપારી પાસેતેના ઘરની ચાવી પડાવી ઘરના કબાટમાંથી રોકડા ૧૫.૬૦ લાખ અને દાગીના મળી કુલ રૂપિયા ૨૫.૪૩ લાખ અને મિલકતના દસ્તાવેજા લૂંટી લીધા હતા. આ સાથે જ પોલીસમાં ફરિયાદ કરી તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

અમરોલી પોલીસ મથકના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વેસુ કેનાલ રોડ પર એલ.પી.સવાણી સ્કૂલ પાસે સૂર્યા ગ્રીન વ્યુ એપાર્ટમેન્ટમાં નરેશ માંગીલાલ ભણશાલી રહે છે. કાપડનો વેપાર કરતાં ભણશાલી રાજસ્થાનના બાડમેરના ગઢસિવાણ ગામના વતની છે. 47 વર્ષીય નરેશ દોઢેક વર્ષ અગાઉ તેના મિત્ર સાથે વેસુ વીઆઈપી રોડ ખાતે આવેલા સ્પામાં જતો હતો. સ્પામાં મોજ મસ્તી અને મસાજ કરાવી હળવા થતા નરેશને અહીં સ્પા સંચાલિકા અમનદીપકૌર ઉર્ફે પૂજા ઉર્ફે કોમલ સિંકદર સિંહ (રહે,ગણેશ રેસીડેન્સી અમરોલી) સાથે પરિચય થયો હતો. આ પરિચય મિત્રતા અને પછી અંગત સંબંધમાં પરિણમ્યો હતો.

નરેશ અને અમનદીપકૌર એકબીજા સાથે મોબાઈલ ઉપર વાતો કરવાની સાથે એકબીજાના ઘરે જતા હતા. તેમની વચ્ચેનો સંબંધ એવા ગાઢ બન્યો કે અમનદીપ પાસે નરેશના ઘરની ચાવી પણ રહેતી હતી. દોઢ વર્ષના સંબંધ દરમિયાન અમનદિપકૌરએ જાણી લીધું હતું કે નરેશ એકલો જ રહે છે. પત્ની અને માતાનું અવસાન થયા બાદ તેના પરિવારમાં કોઈ નથી. આ એકલવાયાપણું દૂર કરવા તેણે અમનદીપકૌર સાથે સંબંધ રાખ્યો હતો.

નરેશ સુખ શોધતો હતો જ્યારે અમનદીપકૌરને સંપતિની ભૂખ હતી. તેને નરેશમાં તગડો બકરો દેખાયો હતો. તેણે તેની બે દિકરી મહેક ઉર્ફે પ્રાચી અને અનમોલ સાથે મળી નરેશ ભણશાલીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ ગત તા ૯મીના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે નરેશ તેને મળવા માટે તેના અમરોલી ગણેશ રેસીડેન્સીમાં આવ્યો ત્યારે અમનદિપકૌર, તેની બે દિકરી તેમજ ત્રણ અજાણ્યાઓઍ તેને રૂમમાં ગોંધી ઢીક મુક્કીનો માર માર્યો હતો.

વેપારીની એક્સેસ મોપેટ અને ફ્લેટની ચાવી પડાવી લીધી હતી. આ ટોળકી આટલેથી અટકી ન હતી. તે નરેશના ઘરે ગઇ. ફ્લેટમાં કબાટમાંથી રોકડા ૧૫.૬૦ લાખ અને રૂપિયા ૯.૬૦ લાખના દાગીના મળી કુલ રૂપિયા ૨૫.૪૩ લાખ તેમજ મિલ્કતના દસ્તાવેજાની લૂંટી લીધા હતા.કિંમતી માલ મતા લૂંટી ઘર લગભગ સાફ કરી નંખાયું હતું.
સાથે જ અમનદીપકૌર ટોળકીઍ નરેશને બનાવ અંગે કોઈને કે પોલીસમાં જાણ કરી તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જાકે નરેશ ભણશાલીએ પોતાની સાથે જે કંઇ થયું એ અંગે મિત્રો અને વકીલ સાથે વાત કર્યા બાદ શનિવારે ફરિયાદ નોંધાવતા અમરોલી પોલીસે નરેશભાઈ ભણશાલીની ફરિયાદને આધારે અમનદીપકૌર તેની દીકરી મહેક, અનમોલ અને ત્રણ અજાણ્યા સામે લૂંટ સહિતનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં અમનદીપકૌર અને તેની બે દીકરીઓને પકડી પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

*** કોરોનામાં ઉછીના લીધાનાં લખાણ સાથે 5 લાખના ત્રણ ચેક પર સહી કરાવી
અમનદિપકૌર એન્ડ કંપનીએ જાણે નરેશને બરબાદ કરવાનું નક્કી કરી તગડો પ્લાન બનાવ્યો હતો. રોકડ અને દાગીના જ નહીં મિલકતના દસ્તાવેજો લૂંટી લેવા સાથે તેઓ ફ્લેટમાંથી ચેકબુક પણ લઇ આવ્યા હતાં. જેના ચાર ચેકમાં રૂપિયા ૫ – ૫ લાખની રકમ લખાવી નરેશની સહી કરાવી હતી. આ ચેક અંગે કોઇ વિવાદ થાય તો તેનો રસ્તો પણ તેમણે કાઢ્યો હતો. આ નાણાં કોરોના કાળમાં ઉછીના લીધેલા હતા તેવું લખાણ કરાવવા માટે નરેશને વકીલની ઓફિસે પણ ગયા હતા પરંતુ વકીલ ન મળતા નરેશને છોડી મુક્યો હતો. જો કે સહી કરાવેલા ચેક લખાણ પોતાની પાસે રાખી લીધું હતું.