અમદાવાદઃ સિઝનના પહેલા સ્પેલમાં જ મેઘરાજાએ ધબડાટી બોલાવી છે. રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેરના કારણે પુરની સ્થિતિ વચ્ચે અનેક ડેમ ઓવરફ્લૉ થઈ ગયા છે. રાજ્યના મુખ્ય 207 જળ પરિયોજનાઓમાં 50.92 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે સરદાર સરોવર પરિયોજનામાં 50.63 ટકા જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યના 27 જળાશયો 100 ટકાથી વધુ અને 41 જળાશયો 70 ટકાથી 100 ટકા જેટલાં ભરાઈ ગયાં છે. આ સાથે જ રાજ્યમાં પાણીની સમસ્યાનું સમાધાન આવ્યું હોય તેમ લાગી રહ્યું છે.
207 જળ પરિયોજનઓમાં 50.92 ટકા જળસંગ્રહ – રાજ્યમાં સારા વરસાદના કારણે મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 16 જુલાઈ સુધીમાં 50.92 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. તો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 1,69,139 MCFT એટલે કે, કુલ સંગ્રહશક્તિના 50.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ, રાજ્યના 206 જળાશયોમાં 3,02,397 MCFT એટલે કે, કુલ જળસંગ્રહ શક્તિના 54.18 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં 27 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે 41 જળાશયોમાં 70થી 100 ટકાની વચ્ચે અને 29 જળાશયો (સરદાર સરોવર સહિત)માં 50થી 70 ટકાની વચ્ચે, 48 જળાશયોમાં 25થી 50 ટકાની વચ્ચે, 62 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17 જળાશયો, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો, કચ્છના 20 જળાશયો અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 15 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. તો 13 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.