સુરત, તા.21 માર્ચ…
ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના પીપલોદ વિસ્તારમાં રહેતા અને શેરબજારમાં ટ્રેડિંગની પેઢી ચલાવતાં વેપારીને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરવામાં થયેલી નાની ભૂલ ભારે પડી હતી. 3.50 કરોડ રૂપિયા ભૂલથી થર્ડ પાર્ટીના એકાઉન્ટમાં જમા થઈ ગયા હતા. જેના એકાઉન્ટમાં નાણાં જમા થયા તેણે એક જ કલાકમાં તેને વગે પણ કરી દીધા હતાં. સાડા ત્રણ કરોડના દાગીના ખરીદી અમદાવાદનો એ ગઠિયો ભાગવાની ફિરાકમાં હતો અને પોલીસની ઘોંસ વધી હતી. પકડાઈ જવાના ડરે તે 40 લાખના દાગીના જ્વેલર્સને ત્યાં જ મૂકી ફરાર થઇ ગયો હતો.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર પીપલોદની નહેરૂ નગર સોસાયટીમાં દિશાંત મિલનભાઇ પરીખ શેર બ્રોકર છે. પીપલોદમાં પાસપોર્ટ ઓફિસ પાસે પ્રાર્થના એન્ટર પ્રાઇઝ નામની તેમની પેઢી છે. ગત 13મી સપ્ટેમ્બરે તેમની સાથે એક અજીબ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટના ઓનલાઇન વ્યવહારોમાં થતી ભૂલને લગતી હતી. પ્રાર્થના એન્ટરપ્રાઇઝના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાંથી 3.50 કરોડ રૂપિયા જીત્યાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હતાં. આ બે પેઢી વચ્ચે કોઈ વ્યવહાર ન હતો. એકાઉન્ટ નંબર માં મિસ્ટેક ના કારણે તૃષાર ઘનશ્યામભાઇ ગજેરાના આઇડીબીઆઇ બેંકના એકાઉન્ટમાં આ મોટી રકમ જતી રહી હતી.

સાડા ત્રણ કરોડ રૂપિયા ખોટા એકાઉન્ટમાં જતા રહ્યા હોવાથી દિશાંત પરીખે બેન્કનો સંપર્ક કર્યો એમાં ગજેરાના એકાઉન્ટની ડિટેલ મળી હતી. જો કે રૂપિયા જમા થવા સાથે જ એ એકાઉન્ટમાંથી ધડાધડ ખરીદીઓ થઇ અને બેલેન્સ શૂન્ય કરી દેવાયાનું પણ જણાયું હતું. જેમાં નાણા ગયા એ એકાઉન્ટ ખાલી કરી દેવાયું હોય બેંક કશું કરી શકે એવી સ્થિતિમાં રહી ન હતી. આ સંજોગોમાં દિશાંતે પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તુરંત કાર્યવાહી કરતાં ગજેરાના એકાઉન્ટની ડિટેઇલ મંગાવી અને નાણાં ક્યાં ગયા એની તપાસ આરંભી હતી.

આ તપાસમાં ગજેરાએ પાંચેક જ્વેલર્સમાં પેમેન્ટ કર્યાની હકીકત બહાર આવી હતી. પોલીસે હવે વારા ફરતી આ જ્વેલર્સનો સંપર્ક કરવા માંડ્યો હતો. પહેલા ચાર જવેલરનો સંપર્ક કર્યો તો ઓનલાઇન પેમેન્ટ કરનાર વ્યક્તિ દાગીના લઇ ગયો હોવાનો જવાબ મળ્યો હતો. પાંચમાં જ્વેલરે પોલીસને જણાવ્યું કે 40 લાખનું પેમેન્ટ કરી જે દાગીના ખરીદવાયા છે, એની ડિલીવરી થઇ નથી.
પોલીસે આ જવેલરને આખી હકીકત સમજાવી અને દાગીના ડિલીવરી નહીં આપવા કહ્યું હતું. જો એ શખ્સ દાગીના લેવા આવે તો રોકી રાખવા પણ જણાવ્યું હતું. જો કે પોલીસની આ ટ્રેપ ફેલ ગઇ હતી. તૃષાર ગજેરાને ગંધ આવી જતાં તે 40 લાખના દાગીના લેવા ગયો જ ન હતો. ત્યારબાદ પોલીસે એ દાગીના કબજે લીધા હતા.
સાડા ત્રણ કરોડમાંથી 3.10 કરોડના દાગીના ખરીદી ગજેરા ગાયબ થઇ જતાં પરીખે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના બાપુનગરમાં કૃષ્ણ વિદ્યાલય પાસે મયુર પાર્કમાં રહેતા તૃષાર ઘનશ્યામ ગજેરા સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.