ભારત અને પાકિસ્તાન વચ્ચેની બોર્ડર સૌથી સંવેદનશીલ ગણાવામાં આવે છે. બંને દેશો દ્વારા આ બોર્ડર ઉપર મોટી સેના ખડકી ચુસ્ત વોચ રાખવામાં આવે છે. આમ છતાં એક ત્રણ વર્ષનો ટાબરિયો પાકિસ્તાનથી સીમા ઓળંગી ભારત આવી પહોંચ્યો હતો. પંજાબમાં ઈન્ટરનેશનલ બોર્ડર પર પહોંચેલા 3 વર્ષના પાકિસ્તાની બાળકને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. આ ઘટના શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે રાજ્યના ફિરોઝપુર સેક્ટરમાં બની હતી, જ્યારે બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર વાડ પાસે એક બાળકને રડતો જોયો હતો.
મામલો ફિરોઝપુર સેક્ટરનો છે. BSFએ જણાવ્યું કે 1 જુલાઈની સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ જવાનોને એક 3 વર્ષનો બાળક રડતો જોવા મળ્યો. બાળક રડતું હતું પપ્પા, પપ્પા કહી રહ્યા હતા. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ બાળક પાકિસ્તાનનો છે અને ભારતીય સરહદમાં ઘુસ્યો છે.
બાળકને પાકિસ્તાન રેન્જર્સને સોંપવામાં આવ્યું આ પછી, BSF ફિલ્ડ કમાન્ડરે પાકિસ્તાની રેન્જર્સ સાથે તાત્કાલિક ફ્લેગ મીટિંગ કરવાની ઓફર કરી જેથી બાળકને પરત સોંપી શકાય. અધિકારીઓએ જણાવ્યું કે તરત જ, બાળકને તેના પિતાની હાજરીમાં રેન્જર્સને સોંપવામાં આવ્યો.
અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે BSF સરહદ પર સતત શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ ડ્રોન ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પાક આર્મી અને આઈએસઆઈના ઈશારે આતંકીઓ ડ્રોન દ્વારા હથિયારો, ડ્રગ્સ અને સ્ટિકી બોમ્બ મોકલવામાં લાગેલા છે. પાકિસ્તાનના આ પગલાને નિષ્ફળ બનાવવા માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ આંતરરાષ્ટ્રીય બોર્ડર અને LoC પર મોબાઈલ શિકાર ટીમ તૈનાત કરી છે.