ફૂડીસ લોકોની દુનિયામાં કમી નથી. માત્ર ખાવા-પીવાના શોખ ખાતર આખી દુનિયા ભટકતાં ખાઉધરાઓ પણ છે જ. જો તમે પણ ફાસ્ટ ફૂડના શોખીન છો તો આ સમાચાર તમને રોમાંચિત કરી શકે એમ છે. બર્ગર ખાવાનું કોને નથી ગમતું, પણ શું તમે રોજ ખાઈ શકો છો?… પણ એવું કરી બતાવ્યું છે અમેરિકાના એક વ્યક્તિએ, જેણે યુવાથી લઈને વૃદ્ધાવસ્થા સુધી મેકડોનાલ્ડનું બર્ગર ખાધું છે. વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો (ગિનીસ વર્લ્ડ રેકોર્ડ) . ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) અનુસાર, વિસ્કોન્સિન રાજ્યના રહેવાસી ડોન ગોર્સ્કે 50 વર્ષથી લગભગ દરરોજ એક બર્ગર ખાધું છે. તેણે અત્યાર સુધીમાં 32,340 બિગ મેક બર્ગર ખાધા છે. ઓગસ્ટ 2021 સુધીની ગણતરીના આધારે તેમનો રેકોર્ડ નોંધવામાં આવ્યો છે.

GWR એ ગોર્સ્કેના ફોટા સાથે તેના અધિકૃત ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક લાંબી નોંધ પણ પોસ્ટ કરી હતી, જેમાં ગોર્સ્કેની બર્ગર ખાવાની મુસાફરીની વિગતો હતી. GWR એ કહ્યું કે, ‘તમે ડોનાલ્ડ ગોર્સ્કેને ‘ધ કિંગ ઓફ બિગ મેક્સ’ પણ કહી શકો છો. તમને જણાવી દઈએ કે ગોર્સ્કે 17 મે, 1972ના રોજ પોતાનો પહેલો બિગ મેક ખાધો હતો અને ત્યારથી અત્યાર સુધી આ પ્રક્રિયા ચાલુ છે.
અત્રે ઉલ્લેખ મહત્વનો છે કે ગોર્સ્કે 17 મેના રોજ ફોન્ડ ડુ લાકમાં તેમના સ્થાનિક મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં બિગ મેક ખાઈને 50 વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. રસપ્રદ વાત એ છે કે, મેકડોનાલ્ડ્સના આઉટલેટ્સે બહાર એક બોર્ડ લગાવીને ગોર્સ્કેનું સ્વાગત કર્યું, જેમાં લખ્યું હતું, ‘મેકના 50 વર્ષ પર અભિનંદન’. D-O-N અક્ષરો મેકડોનાલ્ડના સાઇનબોર્ડ પરથી લેવામાં આવ્યા હતા. આ એ જ આઉટલેટ છે જ્યાં ગોર્સ્કે 1972માં પ્રથમ વખત તેનું બિગ મેક બર્ગર ખાધું હતું.