અમદાવાદ : મુદ્રા પોર્ટ પરથી ફરી એક વખત દ્રગ્સ પકડાયું છે. ઓલ કાર્ગો સી.એફ.એસ મુન્દ્રા ખાતેથી ઇમ્પોર્ટ કરેલ કાપડની આડમાં છુપાવેલ ૭૫.૩૦૦ કિલો હેરોઇનનો જથ્થો ગુજરાત એ.ટી.એસએ પકડી પડ્યો છે. આ હેરોઇનનો જથ્થો કાપડનો રોલ જે પુંઠાની પાઇપ ઉપર વિંટાડેલ હતો તે પુંઠાની પાઇપ ઉપર બીજી એક પ્લાસ્ટીકની પાઇપ મુકી બન્ને પાઇપો વચ્ચેની ખાલી જગ્યામાં આ માદક પદાર્થનો જથ્થો ટાઈટ પેક કરી બન્ને બાજુથી રૂ તથા સેલોટેપ દ્વારાપેક કરેલ હતો અને પુંઠાની પાઇપ તથા પ્લાસ્ટીકની પાઇપ ઉપર બ્લુ કાર્બન પેપર સેલોટેપથી ચોંટાડેલ હતો જેથી એક્સ-રે સ્કેનીંગ દરમ્યાન પકડાઇ જવાથી બચી શકાય.
ગુજરાત એ.ટી.એસ.ના નાયબ પોલીસ મહાનિરીક્ષક દીપન ભદ્રનનાઓને પંજાબ પોલીસના અધિકારીઓ તરફથી રીતે બાતમી મળેલ કે, મુન્દ્રા પોર્ટ ખાતે એક સંદિગ્ધ કન્ટેનર છેલ્લા દોઢ બે મહિનાથી પડેલ છે અને તેમાં માદક પદાર્થનો જથ્થો હોવાની શકયતા છે અને આ કન્ટેનર મુંદ્રાથી પંજાબ ખાતે ડીલીવરી થનાર છે. જે બાતમીને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા વિકસિત કરી સંદિગ્ધ કન્ટેનર અંગેની સચોટ માહિતી જેવી કે, શીપ લાઈનર, કન્સાઈની કંપની, સપ્લાયર કંપની વિગેરે મેળવવામાં આવી હતી. આ બદી વિકસિત માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની એક ટીમ મુન્દ્રા ખાતે રવાના કરવામાં આવી હતી.
ત્યાર બાદ મુન્દ્રા ખાતે આવી બાતમી વાળા કન્ટેઇનરને શોધતા સંદિગ્ધ કન્ટેનર ઓલ કાર્ગો સી.એફ.એસ કન્ટેઇનર ફ્રેઇટ સ્ટેશન ખાતે લોકેટ કરવામાં આવ્યું. જે કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં લગભગ 4000 કિ.ગ્રા. કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ, જે 540 કાપડના રોલમાં વીંટાળેલું હતું. જે કાપડના રોલ્સની ઝીંણવટભરી તપાસ કરતા 540 કાપડના રોલ પૈકી 64 રોલની અંદર છુપાવેલું કુલ 75 કિલો 300 ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. જેને સ્થળ ઉપર હાજર F.S.L. મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલા માદક પદાર્થ હાઈ પ્યોરિટીનો હેરોઇન હોવાનું જાણવા મળ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ.376.5 કરોડ થાય છે.
આ હેરોઈનનો જથ્થો ATS તથા પંજાબ પોલીસની ટીમે શોધી કાઢતા તેને જપ્ત કરી ગુજરાત ATS ખાતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ જથ્થો UAEના અજમલ ફ્રી ઝોનમાં આવેલ ગ્રીન ફોરેસ્ટ જનરલ ટ્રેડીંગ દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે પંજાબ મોકલવામાં આવવાનો હતો.