શનિવારે રાતથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં રાતથી જ અમદાવાદમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ છે. અમદાવાદ શહેરમાં મોડી સાંજે શરૂ થયેલો વરસાદ હજુ પણ વરસી રહ્યો છે. જો કે મોડી રાત્રિ બાદ વરસાદનું જોર ઘટ્યું, તેના કારણે શહેરીજનોને થોડી રાહત થઈ છે. સમગ્ર શહેરમાં સરેરાશ 4 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ અને પૂર્વ વિસ્તારમાં 5.20 ઇંચ વરસાદ પડ્યો. પશ્ચિમ ઝોનમાં 3.37 ઇંચ તેમજ ઉત્તર પશ્ચિમમાં 2.90 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1.92 ઇંચ, મધ્ય ઝોનમાં 3.32 ઇંચ અને ઉત્તર ઝોનમાં 3.30 ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ વચ્ચે પાણી ભરાયા છે. મણિનગરમાં ગોરના કુવા પાસે કરંટ લાગતા બાઇક ચાલકનું મોત થયું છે. તો અમદાવાદમાં વરસાદ વચ્ચે રાયખડ દરવાજાના પગથિયાં ધરાશાયી થઈ છે.

રાયખડ દરવાજાના પગથિયા તૂટ્યા
અમદાવાદમાં વરસાદ વચ્ચે રાયખડ દરવાજાના પગથિયાં ધરાશાયી થઈ છે. રિનોવેશન હેઠળ ઉભી કરેલી દીવાલ ભારે વરસાદમાં તૂટી પડી હતી. જોકે, ઘટના મોડી રાત્રે બનતા જાનહાનિ ટળી હતી. મૂળ દરવાજા નીચે બનાવેલી બેઠક વ્યવસ્થા ઉપર દાદરનો ભાગ ધરાશાયી થયો છે. જોકે, દરવાજાનું વર્ષો જૂનું બાંધકામ હજી પણ અડીખમ છે. થોડા સમય પહેલા જ દાદરાના લેવલિંગનું કામ થયું હતું. તો બીજી તરફ, વસ્ત્રાલ કેનાલમાં રાત્રે બે કાર કેનાલમાં ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં પણ કોઈ જાનહાનિ બની હતી. કારમાં ચાર લોકો સવાર હતા, જેમને ફાયર વિભાગે સલામત રીતે કેનાલમાંથી બહાર કાઢ્યા હતા.

અમદાવાદમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં ચાર કલાકમાં સરેરાશ બે ઇંચ વરસાદ વરસ્યો હતો. દોઢ ઇંચ વરસાદમા અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. ચકુડિયા, રામોલ, નિકોલ અને મણિનગરમાં સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. પાલડીમાં સવા બે ઇંચ, હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયુ હતું.
મણીનગરમાં ગોરના કુવા પાસે વરસાદી પાણી ભરાવાને કારણે વીજ કરંટ લાગવાથી એક બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. શહેરના પૂર્વ ઝોનમાં આવેલ ચકુડીયા, વટવા, મણીનગર અને નિકોલમાં ફક્ત ચાર કલાકમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાને લીધે પૂર્વના રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. ચાર રસ્તાથી નારોલ સર્કલ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઈસનપુર હાઈવે ચાર રસ્તાથી મોની હોટલ, મટનગલીથઈ નારોલ સર્કલ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. કાશીરામ ટેક્સટાઈલ જંક્શન, ઈસનપુર ક્રોસ રોડ, પ્રિંસ હોટેલ, મોતી બેકરી, દાણીલીમડા સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધોધમાર વરસાદને પગલે ખોખરા, હાટકેશ્વર સર્કલ, ઓઢવ ચાર રસ્તા, વિરાટનગર, બાપુનગર, ગોમતીપુર, રખિયાલ, સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદમાં સિઝનનો અત્યાર સુધીમાં 20.30 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

બીજી તરફ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના ભીલોડા ભારે વરસાદથી પાણી પાણી થયુ હતુ. શહેરના ગોવિંદનગર, પોલીસ સ્ટેશન વિસ્તાર અને ઈડર-શામળાજી રોડ પર પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.