સુરત, તા.15
શહેરના સીમાડા વિસ્તારમાં રહેતી વિધવાને ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા શખ્સની મિત્રતા ભારે પડી હતી. પોતે લંડન રહેતો હોવાનું જણાવી એ શખ્સે વિધવાને લગ્નની વાતોમાં ભોળવી 12.50 લાખની મતા પડાવી લીધી હતી. 56 વર્ષની વિધવાએ પણ સાવ અજાણ્યા પર લગ્ન અને લંડનના અભરખામાં વિશ્વાસ મૂક્યો અને જીવનમૂડી ગુમાવી હતી.

સાયબર ક્રાઇમ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર સીમાડાની શક્તિ વિજય સોસાયટીમાં રહેતા સરસ્વતી પટેલ વિધવા છે. 56 વર્ષીય સરસ્વતીબેન તેની દિકરા અને પુત્રવધુ સાથે કહી દરજીકામ કરે છે. ઇન્સ્ટાગ્રામ નો ઉપયોગ કરતાં તેમને ફેબ્રુઆરી 2022માં આશિષ પટેલ નામની આઇડીથી મેસેજ આવ્યો હતો. સરસ્વતીબેને તેનો રિપ્લાય આપ્યો અને ઓનલાઇન ચેટિંગ શરૂ થયું હતું. આ ચેટિંગમાં સરસ્વતીબેને પોતે વિધવા હોવાની વાત કરી તો આશિષ નામધારી એ શખ્સે પોતે પણ એકલો જ હોવાનું જણાવ્યું હતું.

આશિષે તેણીને કહ્યું કે હું લંડનમાં રહું છું. અહીં મારે રેમન્ડની શોપ છે. હું રાજકોટનો વતની છું, જ્યાં પણ મારી જમીન અને ફાર્મ છે. પોતે વેલ સેટલ હોવાની વાત કરવા સાથે તેણી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. લગ્ન કરી તને પણ લંડન લઇ જઈશ એવી વાતમાં સરસ્વતીબેન રોમાચિંત થઇ ગયા હતા. તેઓ આશિષ પર આંધળો ભરોસો કરી બેઠા અને તે કહે એવું કરવા માંડ્યા હતા.

આશિષે પાસપોર્ટ અને લંડનના વિસાની પ્રોસીજર ચાલુ કરાવી રહ્યો છું. ખૂબ ઝડપથી કામ પતી જશે, તમારી પાસે હાલ જેટલા રૂપિયા છે એ મોકલી આપો એટલે હું તેને લંડન ટ્રાન્સફર કરાવી લઉં એવી વાત કરી હતી. આ રીતે વિધાવા પાસે આંગડિયા પેઢી મારફતે 5.15 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ આશિષે એવું કહ્યું કે તમારા જે દાગીના છે એ વિમાનમાં લંડન આવશે નહીં, આથી તમે મારા માણસને પહોંચાડી દો હું તેને મંગાવી લઈશ.

આ વાત બાદ મહેશ ગોસ્વામી નામનો શખ્સે તેણીને કોલ કરી કામરેજ બોલાવી હતી. આશિષે કહ્યું હતું એમ મેહેશે તેના મોબાઇલમાં સરસ્વતીબેનનો ફોટો બતાવ્યો હતો. આ ફોટો પૈસા આપવાનો કોડ હતો. ફોટો જોયા બાદ તેણીએ આશિષના કહેવા અનુસાર 7 લાખના 13 તોલા સોનાના દાગીના ગોસ્વામીને આપી દીધા હતા. રોકડ અને દાગીના મળી ગયા બાદ આશિષ પટેલ નામધારી એ શખ્સે સરસ્વતીબેનનો સંપર્ક ઓછો કરી દીધો હતો. સરસ્વતી પેટેલે મેસેજ કરી પોતાના પૈસા અને દાગીના પરત માંગ્યા તો તે ખોટા વાયદા કરતો રહ્યો હતો. પોતાની સાથે ચીટીંગ થયાનો અહેસાસ થતા સરસ્વતીબેને ફરિયાદ નોંધાવી હતી.