થાણે, 07 જુલાઈ…
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચેની ખેંચતાણ કહો કે વર્ચસ્વની લડાઇ ચરમસીમાએ પહોંચી છે. વર્તમાન સ્થિતિ કહો કે સંજોગો જોતા ઉદ્ધવ ઉપર એકનાથ ભારી સાબિત થઇ રહ્યા છે. પાર્ટી એજન્ડા દરકિનાર કરી મુખ્યમંત્રી બનવાનું ઉદ્ધવને ભારે પડી રહ્યું છે. મહારાષ્ટ્રની સત્તા ગુમાવ્યા બાદ શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે માટે વધુ એક શોકિંગ ઘટના બની છે. થાણે નગર નિગમ પણ હવે ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સરકી ગયું છે. થાણેમાં શિવસેનાના 67 પૈકીના 66 કોર્પોરેટર્સ હવે એકનાથ શિંદેની ટીમમાં સામેલ થઈ ગયા છે.
મૂળભૂત સિધ્ધાંતોથી ભટકેલા નેતાઓ શિવસેના માટે ઘાતક હોવાનું જણાવી એકનાથ શિંદે એન્ડ કંપનીએ લડત આરંભી છે. ખોટા સલાહકારોથી ઘેરાયેલા ઉદ્ધવ ઠાકરેએ સત્તા માટે આત્મઘાતી સમાધાનો કર્યા હોવાનું જણાવી તેમણે અલગ ચોકો રચ્યો છે. ઘીરે ધીરે આ ચોકો વધુ મોટો અને મજબૂત બની રહ્યો છે. મહારાષ્ટ્રમાં સરકાર ઘરે બેસી ગઇ. હવે શિંદે જૂથ આખા રાજ્યમાં પોતાનું શક્તિ પ્રદર્શન કરવા મંડી પડી છે. શિંદે સરકારની તાકાતનો પરચો આપતી ઘટના થાણે મહાનગર પાલિકામાં ઘટી છે. અહીંના શિવસેનાના 67 પૈકી 66 નગર સેવકો શિંદે સાથે જોડાઇ ગયા છે. આ ઘટના ઠાકરે માટે મોટા શોક સમાન છે. જાણવા મળ્યા મુજબ ટીમ શિંદેમાં જોડાનારા તમામ 66 શિવસેના કોર્પોરેટર્સ મુખ્યમંત્રી એકનાથ શિંદેને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુંબઈ નગર નિગમ બાદ થાણે નગર નિગમ મહારાષ્ટ્રનું સૌથી મહત્વનું અને મોટું નિગમ છે.
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદે થાણેમાં મજબૂત પકડ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. 1997ના વર્ષમાં તેઓ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ત્યાર બાદ 2001ના વર્ષમાં નગર નિગમ સદનમાં વિપક્ષના નેતા પણ રહ્યા હતા. ત્યાર બાદ 2002ના વર્ષમાં તેઓ બીજી વખત થાણેના કોર્પોરેટર બન્યા હતા. 2004ના વર્ષમાં શિંદે થાણે વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ તેઓ 2009, 2014 અને 2019ના વર્ષમાં થાણેની કોપરી પછપાખડી બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.