સુરત : ભટાર રોડ ઉપર આવેલી દુકાનમાંથી 79 હજાર જેટલી કિંમતના ડ્રાયફ્રુટની ખરીદી પેમેન્ટ કર્યા વિના ફરાર થઇ ગયેલા વૃધ્ધ અને મહિલાને પોલીસે પૂણેથી શોધી કાઢ્યા છે. જલારામ મંડળના નામે ખરીદી કરવા દરમિયાન દુકાનદારને ભોળવી ભાગેલા આ વૃધ્ધનું પગેરુ સીસી કેમેરા અને ગાડી નંબરના આધારે દાબી તેમની ધરપકડ કરાઇ હતી.
સુરતના ભટાર વિસ્તારમાં આવેલી ડ્રાયફ્રુટની દુકાનના માલિક હિતેશ સંખલેચાએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તારીખ 30 મી મે ના રોજ સાંજના એક આશરે 70 વર્ષની ઉંમરના એક દાદા અને 50 વર્ષની ઉમરની એક મહિલા તેમની દુકાન પર આવ્યા હતાં. તેમને પોતાની ઓળખ જલારામ મંડલ વીરપુરના મુખિયા તરીકેની આપી હતી. તથા તેમની હેડ ઓફિસ મહારાષ્ટ્ર થાણે સાધામ સોસાયટી પ્લોટ નં.૪૬, રૂમ નં.૧૦૧, પહેલો માળ રામચંદ નગર થાને વેસ્ટ ખાતે આવેલ હોવાનુ જણાવ્યુ હતું. તેઓને પ્રસાદ રૂપે વહેંચવા માટે વધારે જથ્થામાં ડ્રાયફ્રુટની જરૂર હોવાનું જણાવી તેમને 66 કિલો કાજુ 49,310 રૂપિયાની કિંમતના તથા 42 કિલો બદામ રૂપિયા 28,673, તથા 1 કિલો અખરોટ રૂપિયા 1100 મળીને કુલ રૂપિયા 79083 નો ઓર્ડર આપ્યો હતો.
તેમના ઓર્ડર મુજબનો માલ પેક કરાવીને તેમની સામે રાખ્યુ હતુ અને માલનુ જલારામ મંડળના નામથી કોમ્પયુટરાઇઝ્ડ બિલ બનાવ્યું હતું. બિલ બની ગયા પછી તેમણે ડ્રાયફ્રૂટ્સનો જથ્થો MH-04-JU-7288 નંબરની ગાડીમાં મૂકાવ્યો હતો. આ સાથે જ વૃદ્ધે માલનુ પેમેન્ટ ચેક મારફ્તે કરવાનું કહ્યું હતું. જોકે ચેક જલારામ મંડળનો ન હતો, પર્સનલ ખાતાનો ચેક હોવાથી, તેઓએ કેશ પેમેન્ટ કરવા કહ્યુ હતું. જેથી તેમણે ‘ગાડીમાંથી લાવીને આપુ છુ’ તેમ જણાવી ફોરવ્હીલર પાસે ગયા હતાં અને પછી ગાડીમાં બેસી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.
દુકાનદારે આ ગાડીની પાછળ દુકાનના માણસોને દોડાવ્યા હતા, પરંતુ વૃદ્ધ કે મહિલાનો કોઈ પત્તો મળ્યો ન હતો. વૃદ્ધ વ્યક્તિએ આપેલા મોબાઇલ નંબર પર વાત કરતા ‘દસ મીનીટમાં આવુ છુ’ તેમ જણાવ્યુ હતું. જેના બાદ તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. આમ વૃદ્ધ વ્યક્તિ અને તેની સાથે આવેલી મહિલાએ અંદાજે 79,000નું ડ્રાયફ્રુટ ખરીદી પેમેન્ટ ન આપી છેતરપીંડી કરી હતી. સમગ્ર મામલે ખટોદરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ તેમજ ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી હતી. સાથે જ મોબાઇલ ડેટા પણ લેવાયો હતો. આ રીતે ટેકનીકલ સર્વેલન્સથી પગેરુ દાબી ખટોદરા પોલીસે ચિટિંગ કરનારા ગોકળદાસ અઢીયા, સિધ્ધીકા રાઉત અને વિકાસ કદમની પુણેથી ધરપકડ કરી હતી.