નવી દિલ્હી, તા.03 જાન્યુઆરી…
કેનેડા, અમેરિકા અને લંડન સ્થાયી થવા માટે ભારતીયોની પહેલી પસંદ તરીકે જોવા મળે છે. કેનેડામાં રહેનારા ભારતીયો સહિત વિદેશી લોકો જો કેનેડામાં ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તો તેમના માટે ખરાબ સમાચાર છે. કેનેડા સરકારે વિદેશીઓ માટે પ્રોપર્ટી ખરીદવાના પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કેનેડામાં વિદેશીઓ રોકાણ માટે રહેણાંક સંપત્તિઓ કેનેડામાં પ્રોપર્ટી ખરીદી શકશે નહીં. કેનેડા સરકાર દ્વારા આ પ્રતિબંધ નવા વર્ષના પ્રથમ દિવસથી જ લાગુ કરી દેવાયો છે. સંપત્તિના ભાવો વધારો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના મહામારીની શરૂઆત બાદ સંપત્તિની કિંમતમાં વૃદ્ધિ થવાના કારણે કેનેડા સરકાર દ્વારા કાયદો પસાર કરાયો છે.

કેનેડા સરકાર દ્વારા પ્રતિબંધ કેમ લાગવાયો ?
રહેણાંક પ્રોપર્ટીની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ પ્રોપર્ટી ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં વિદેશીઓ દ્વારા રહેણાંક મિલકત ખરીદવા પર પ્રતિબંધ લગાવાયો છે. કોવિડ રોગચાળાની શરૂઆત બાદ કેનેડામાં પ્રોપર્ટીની કિંમતોમાં વધારો થયો છે. તો બીજી તરફ કેટલાક રાજકારણીઓનું માનવું છે કે, વિદેશીઓ રોકાણ માટે પ્રોપર્ટી ખરીદતા હોવાને કારણે પ્રોપર્ટીની અછત માટે તેઓ જ જવાબદાર છે.

આ મિલકત પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં
વિદેશીઓ માટે મિલકત ખરીદી ઉપર પ્રતિબંધ લાદતાં કરાયદામાં ઘણી છૂટછાટ અને જોગવાઇઓ પણ છે. કેનેડા સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ પ્રતિબંધ ફક્ત શહેરના રહેણાંકોમાં જ લાગુ પડશે. આ પ્રતિબંધ રવિવાર પહેલી જાન્યુઆરીથી લાગુ થઈ ગયો છે. આ પ્રતિબંધ સમર કોટેજ જેવી પ્રોપર્ટી પર લાગુ પડશે નહીં.
ઉલ્લેખનિય છે કે, વર્ષ 2021ના ચૂંટણી પ્રચાર દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સ્થાનિક લોકોની સુવિધા માટે પ્રોપર્ટીને લઈને આ પ્રસ્તાવ મૂક્યો હતો. કેનેડામાં પ્રોપર્ટીની કિંમતોમાં વધારો થતા સ્થાનિક લોકો માટે ઘર ખરીદવું પહોંચની બહાર છે. સ્થાનિક લોકોને વધુ પ્રોપર્ટી ઉપલબ્ધ કરાવવાના પ્રયાસના ભાગરૂપે રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.