વરસાદમાં મોજ મસ્તી સાથે સાવચેતી પણ એટલી જ રાખવી પડે છે. ઝરણાં, ધોધ, નદીમાં ઉછાળા મારી વહેતું પાણી આ બધું જ માણસને આકર્ષે છે. જો તે તેમાં મસ્તામાં ભાન ભૂલવું ભારે પડી શકે છે. કંઇક આવો જ બનાવ નર્મદા જિલ્લાના કરજણ ડેમના નીચાણમાં બન્યો હતો. અહીં ડેમના દરવાજા ખોલાતાં જ ઘમમસતાં આવેલા પાણીના પ્રવાહમાં 11 જુલાઇના રોજ રાજપીપલા શહેરના લીમડા ચોક સ્થિત સંજય રમેશભાઈ માછી અને દિક્ષિતા જયંતીભાઈ માછી તણાઇ ગયા હતા. નાંદોદ તાલુકાના નાવરા ગામેથી ગામ લોકોને સંજયભાઇ માછીનો મૃતદેહ મળી આવ્યા બાદ રાજપીપલા ખાતે ફરજ પર તૈનાત કરાયેલી NDRF ની ટીમ દ્વારા પાણીમાં તણાઇ ગયેલા લાપતા અન્ય દિક્ષિતા માછીના મૃતદેહની શોધખોળ માટે સર્ચ ઓપરેશન હજી પણ જારી છે.
જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં એલર્ટ મોડ પર દેડિયાપાડાથી માંડીને તમામ તાલુકાઓમાં અભૂતપૂર્વ વરસાદ હતો. એના કારણે કરજણ ડેમમાં આશરે 10 હજાર ક્યૂસેક પાણીની આવક હતી. તેની સામે 2.50 લાખ કરતા પણ વધારે ક્યૂસેક પાણીની આવક ચાલુ થઈ ગઈ હતી. આ સંજોગોમાં ડેમના દરવાજા તાત્કાલિકપણે ખોલવા પડે એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ સંજોગોમાં સમગ્ર જિલ્લામાં એલર્ટ મોડ હતું. બધાને ચેતવણી આપી હતી છતાં પણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના એક કર્મચારી પોતાના ફેમિલી મેમ્બર સાથે કરજણ ડેમ પર ગયા હતા.
કમનસીબે એમણે જાણે-અજાણે ફોટો સેલ્ફી લેવા જતાં એકદમ ડેમના દરવાજા ખૂલ્યાં અને પાણીનો જ ફોર્સથી પ્રવાહ આવ્યો એમાં ત્રણેય જણા ફંગોળાઈ ગયાં. પરંતુ ત્યાં ઉભા રહેલા પોલીસ પ્રોટેક્શન પોઈન્ટને કારણે આપણે એ કર્મચારીના પત્નિને બચાવી શક્યાં અને તે કર્મચારી અને તેમના સાળી તે પ્રવાહમાં તણાઈ ગયા હતા. એની સાથે NDRF ની ટીમને લગાડી દીધી હતી.
NDRF ટીમના આસિસ્ટન્ટ કમાન્ડિંગ વિક્રમ ચૌધરીની (સુપરવિઝન) દેખરેખ હેઠળ NDRF ના ટીમ લીડર ઇન્સ્પેકટર દિપક બાબુની સીધી દોરવણી હેઠળ, તેમની ઉપસ્થિતિમાં નાવરા ગામ નજીકના વિસ્તારમાં આવેલ કાંદરોજ ગામે 25 જેટલા જાંબાઝ જવાનો દ્વારા લાઇફ સેવિંગના અદ્યતન સાધનોથી સજજ બોટ દ્વારા યુવતીનો મૃતદેહ શોધવા માટેનું સર્ચ ઓપરેશન હાથ ધરી તેની શોધખોળ આજે પણ જારી રાખી છે.
NDRF ઇન્સ્પેકટર દિપક બાબુએ કહ્યું હતું કે, આ શોધખોળ દરમિયાન તેમની પાસેની રબર રેસ્ક્યુ બોટ આઉટબોટ મોટર છે જેની મદદથી આ નદીમાં મૃતદેહની શોધખોળ કરી રહ્યાં છે. કરજણ નદીથી લઈને નર્મદા નદી સાથે જ્યાં સંગમ થાય છે ત્યાં સુધીના વિસ્તારમાં તેઓ શોધખોળ કરી રહ્યાં છે. આ શોધખોળ દરમિયાન તેઓ તરફથી નાના-નાના પેચ બનાવીને નદીમાં આ પેચને વિભાજિત કરીને આ બચાવ ટીમ દ્વારા શોધખોળ થઈ રહી છે અને આજે આજે 8 થી 10 કિ.મી. ના વિસ્તારમાં શોધખોળની કામગીરી પણ કરવામાં આવી છે.