જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ચકતરસ કાંડી વિસ્તારમાં મંગળવારે સવારે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમાંથી એક પાકિસ્તાની છે, જેની ઓળખ તુફૈલ તરીકે થઈ છે. બીજી તરફ, બીજો આતંકવાદી સ્થાનિક છે અને તેની ઓળખ થઈ શકી નથી. કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે સમાચાર એજન્સીને આ માહિતી આપી.
આઈજીપી કાશ્મીર વિજય કુમારના જણાવ્યા અનુસાર, ચકતરસ કાંડી વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ભારતીય સેના, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો. પોતાને ઘેરાયેલા જોઈને આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી, જેમાં લશ્કરના બે આતંકવાદીઓ માર્યા ગયા.
છેલ્લા 12 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે આતંકવાદીઓની આ બીજી અથડામણ છે. આ પહેલા સોમવારે સાંજે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના અન્ય એક પાકિસ્તાની આતંકવાદીને ઠાર માર્યો હતો. જ્યારે અંધારાનો લાભ ઉઠાવીને 2 પાકિસ્તાની અને 1 સ્થાનિક આતંકવાદી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ રહ્યા હતા.
માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક AK-47 રાઈફલ, 5 મેગેઝીન અને અન્ય હથિયારો મળી આવ્યા છે. માર્યા ગયેલા આતંકવાદી પાસેથી મળી આવેલા દસ્તાવેજો અનુસાર તેની ઓળખ પાકિસ્તાનના લાહોરના રહેવાસી હંઝાલા તરીકે થઈ છે. સુરક્ષા દળો ભાગી છૂટેલા અન્ય 3 આતંકવાદીઓને શોધી રહ્યા છે. વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટેડ કિલિંગને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ કહ્યું હતું કે આતંકવાદ ફેલાવનારનો કોઈ ધર્મ હોતો નથી. હિંદુ હોય કે મુસ્લિમ, ભારત વિરુદ્ધ કામ કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે. મોટી સંખ્યામાં આતંકવાદીઓને ખતમ કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. તેમની સામેની કાર્યવાહીના કારણે તેમનામાં નિરાશા જોવા મળી રહી છે અને છૂટાછવાયા બનાવો સામે આવી રહ્યા છે.