પતિ પત્ની ઔર વો.. આવા કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવી રહ્યા છે. વ્યભિચારીઓ મરવા મારવા સુધી પહોંચી જતાં હવે માત્ર પોલીસ તંત્ર માટે જ નહીં સમાજ માટે પણ તે ચિંતા અને ચિંતનનો વિષય બન્યો છે. સ્વતંત્રતાના નામે સ્વચ્છંદી બની રહેલા લોકો માટે, સમાજ માટે આવી ઘટનાઓ લાલબત્તી સમાન છે. સુરતમાં ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવો રિયલ બનાવ સામે આવ્યો છે. એમાં બે સંતાનોની માતા એવી એક પરિણીતાને ફેસબુક પર ચેટ કરતાં કરતાં એક યુવક સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી. બાદમાં પોતે બોલ્ડ હોવાનું જતાવવા તેણી તેની સાથે શરીર સંબંધ બાંધી બેઠી. ત્યારબાદ વાસનાનો એવો અલગખેલ શરૂ થયો કે જેની કોઈએ કલ્પના પણ કરી ના હોય… .

આ કિસ્સાની વિગત એવી છે કે સુરતના રાંદેર ખાતેના રામનગર સ્થિત અંબિકાનગર સોસાયટીમાં જયેશભાઈ મકવાણા તેમનાં પત્ની ભારતી સાથે રહેતા હતા. તેમના લગ્નજીવન દરમિયાન ભારતીબેન બે સંતાનની માતા બની હતી. ભારતીબેન સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં કતારગામ ઝોનના સીંગણપોર હેલ્થ સેન્ટરમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં. દરમિયાન તેને 2017માં હિતેશ હસમુખ રાઠોડ નામના યુવક સાથે ફેસબુક મારફત ઓળખાણ થઈ હતી. આ હિતેશ પણ સુરત મ્યુનિ. કોર્પોરેશનમાં લોકસેવા રોડ વિભાગમાં તાલીમાર્થી તરીકે કતારગામ ઝોનમાં જ નોકરી કરતો હતો.

હિતેશ પણ પહેલેથી પરિણીત હતો. તેના વર્ષ 2014માં કવિતા નામની યુવતી સાથે સમાજના રીતરિવાજ પ્રમાણે લગ્ન થયાં હતાં. આ લગ્નથી તેમને ત્યાં પ્રિયાંશ નામનો સાત વર્ષનો પુત્ર છે,. પરંતુ પતિ સાથેના અણબનાવથી કવિતા તેના દીકરા સાથે પિયર જતી રહી છે અને પતિ હિતેશ રાઠોડ સામે ઘરેલુ હિંસા ધારા અને ભરણપોષણનો કેસ કર્યો છે. બીજી તરફ, જયેશભાઈની પત્ની ભારતી અને હિતેશ ફેસબુક મેસેન્જર મારફત વાતચીત કરતાં હતાં. આ વાતચીત ધીમે ધીમે પ્રેમમાં પરિણમી હતી. 2017માં દિવાળીમાં તેમના વચ્ચે પ્રથમ વખત શારીરિક સંબંધ બંધાયા હતા. પછી તો અવારનવાર મળતાં હતાં.

ભારતી સાથેના સંબંધો સરળતાથી ચાલે એ માટે હિતેશે તેણીના પતિ જયેશ મકવાણા સાથે મિત્રતા કેળવી લીધી હતી. એ પછી તો હિતેશને તો જાણે કે ભારતીના ઘરે ખુલ્લેઆમ અવરજવર કરવાનું લાઇસન્સ મળી ગયું હતું. બીજી તરફ, હિતેશ ઓનલાઇન જંગલી રમી અને તીનપત્તી ગેમ રમવાની આદતને કારણે દેવાદાર થઈ ગયો હતો. હાર્યો જુગારી બમણું રમે એમ હિતેશ પણ મિત્રો પાસેથી ઉધાર નાણાં લઈને ડબલ રમવા લાગ્યો હતો. એમાં તેના માથે દેવાનો ડુંગર થઈ ગયો હતો. આ દેવું ભરપાઈ કરવા તેણે લોન અને વ્યાજ ચૂકવવા માટે ઘરેણાં ગીરવી મૂકી દીધાં હતાં.

હિતેશે પ્રેમિકા ભારતીના પતિ જયેશ પાસેથી પણ ત્રણ વખત 50,000 હજાર રૂપિયા લેખે 1,50,000 મળીને કુલ 3,35,000 ઉધાર લીધા હતા. આટલેથી સંતોષ ન થતાં હિતેશે ભારતીબેન પાસેથી એલ એન્ડ ટી. ફાઇનાન્સ કંપનીમાંથી રૂપિયા 4 લાખની ઓનલાઇન લોન મેળવી હતી. એ નાણાં પણ ગેમમાં હારી જતાં તેણે જયેશનો મોબાઇલ ફોન હેક કરીને તેના પેટીએમ એકાઉન્ટમાંથી 50 હજારમાંથી 48 હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. તેની જાણ જયેશને થતાં તેણે આ અંગે હિતેશને જાણ કરી હતી. એટલું જ નહીં, પરંતુ આ અંગેની ફરિયાદ આપવા હિતેશ ખુદ જયેશની સાથે સુરત સાઇબર ક્રાઇમ પોલીસમાં ગયો હતો.

પાપનો ઘડો પોકારે જ છે એમ પાછું એક દિવસ જયેશના હાથમાં ભારતીનો ફોન આવી જતાં જયેશને ભારતીના એકાઉન્ટમાંથી 27,000 રૂપિયા અગાઉ કપાઈ ગયાનું જાણવા મળ્યું હતું તેમજ રૂપિયા 4 લાખની લોન લીધી હોવાની પણ ખબર પડી હતી, જેથી ચોંકી ઊઠેલા જયેશે પત્ની ભારતીને આ બાબતે પૂછપરછ કરી હતી. ત્યારે ભારતીએ સ્ટોરી ઘડી કાઢી હતી કે દીકરી હર્ષિતાનું નર્સરીની બહારથી ત્રણ-ચાર કાળા બુરખાધારીઓએ અપહરણ કર્યું હતું. તેમણે તેની પાસે કોરા કાગળમાં સહી કરાવીને પાલનપુર પાટિયા પાસે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાંથી 4 લાખની લોન ઉપાડી હોવાની હકીકત ઉપજાવી કાઢી હતી. ત્યારે જયેશે બુરખાધારીઓને પકડવા માટે બેંકના સીસીટીવી ચેક કરવાનું જણાવ્યું હતું.

પતિની આ વાતથી ગભરાઈ ગયેલી ભારતીને પકડાઇ જવાની બીક લાગતાં તેણે આ અંગે હિતેશને ફોન કરીને સમગ્ર હકીકત જણાવીને કહ્યું કે જો મારો પતિ જયેશ બધું જાણી જશે તો મારે મરવું પડશે. આ વાત સાંભળીને હિતેશે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ભારતીબેને કહ્યું હતું કે કાં તો મારા જયેશને મારી નાખ અને આપણે ક્યાં સુધી છુપાઈ છુપાઈને મળતાં રહીશું. હવે મારે તારી સાથે રહેવું છે અને જયેશનો રૂપિયા 20 લાખનો એસ.બી.આઇ.નો વીમો છે. જયેશના મર્યા પછી મને મળશે, જેનાથી તારું દેવું પણ ભરપાઈ થઈ જશે.

આ વાત સાંભળીને હિતેશ અને ભારતીબેને કાવતરું ઘડી કાઢ્યું. આ કાવતરા મુજબ હિતેશે પ્રેમિકા ભારતીના પતિ એવા મિત્ર જયેશને કહ્યું હતું કે મારી પાસે એક બાબા છે. એ બાબા વિધિ કરીને કોણે તારી છોકરીનું અપહરણ કર્યું હતું તેમજ તારા એકાઉન્ટમાંથી કપાયેલાં નાણાં કોના એકાઉન્ટમાં ગયાં છે એની જાણકારી મળશે એમ કહીને વિશ્વાસમાં લીધો હતો. ત્યાર પછી હિતેશ તેના મિત્ર જયેશને સાયણ-હજીરા રોડ પર આવેલી જાનકી રેસિડેન્સીની પાછળવાળા રસ્તા પર વેષ્ણોદેવી સ્કાય સામે આવેલા લીમડાના ઝાડ નીચે ખત્રીબાપાની દેરી પાસે આવી જવા જણાવ્યું હતું. બાદમાં હિતેશે તેની સોસાયટીના નાકે રહેતા અને ઘણા લાંબા સમયથી ઓળખતા મિત્ર અભય મરાઠીને વાત કરી હતી કે તારું એક કામ છે, જે તારે કરવાનું છે, તેના બદલામાં તને 50,000 રૂપિયા આપીશ. તેની સામે અભયે પૂછ્યું હતું કે મારે શું કામ કરવાનું છે?

હિતેશે કહ્યું, તારે એક ભાઈને ડરાવવાના છે. હું તારી સાથે આવીશ અને મારી ઉપર સુધી ઓળખાણ છે, તને કંઈ વાંધો નહીં આવે. હું બધું જોઈ લઇશ એવી વાત કરી હતી, જેથી અભયે કહ્યું, કોને ડરાવવાનો છે. ત્યારે હિતેશે કહ્યું, એક ભાઇને ડરાવવાના છે. હું તને તે ભાઈ બતાવીશ અને હું કહું એટલું તે ભાઇને તારે કહેવાનું છે એમ કહેતાં અભય તેની સાથે જવા તૈયાર થયો હતો. બાદમાં આરોપી હિતેશે મિત્ર અભયને મોટરસાઇકલ પર બેસાડીને ઉપરોક્ત જગ્યાએ લઈ ગયો હતો. એ પહેલાં હિતેશે તેના મિત્ર અભયને સમજાવી દીધો હતો કે તારે જયેશને તેના પિતાનું નામ ખીમજીભાઇ છે અને તારા પિતાની બે પત્ની હતી અને તારા સસરાને પણ બે પત્ની છે. હું બાબા છું. તમારા કપાઈ ગયેલાં રૂપિયા સાડાત્રણ દિવસમાં વિધિ કરીને પરત અપાવી દઇશ, એમ કહીને વિધિના બહાને તેનું ગળું કાપીને મર્ડર કરવાનું છે, એમ જણાવીને અભયને લોખંડના હાથાવાળું એક કટર બતાવ્યું હતું.

આ વાત સાંભળીને ચોંકી ઊઠેલા અભયે મર્ડર કરવાની ના પાડી હતી. ત્યારે આરોપી હિતેશે જણાવ્યું કે તને 50,000 રૂપિયા મળશે અને કોઈને ખબર પણ નહીં પડે કે તેનું મર્ડર કોણે કર્યું છે. મારી પોલીસમાં અને પોસ્ટમોર્ટમમાં ઓળખાણ છે, બધું રફેદફે થઈ જશે. આવી અવાવરું જગ્યાએ આપણને કોણ જોવાનું છે એમ કહીને સમજાવ્યો હતો. એટલીવારમાં જયેશ ત્યાં આવી પહોંચ્યો હતો. તેની જોડે અભયે વાતચીત કરી હતી. એમાં હિતેશે સમજાવેલી વાતો કહી હતી, પરંતુ માણસને મારવા માટે તેનો જીવ નહીં ચાલતાં તેણે ચાલતી પકડી હતી અને કહ્યું હતું કે વિધિ આવતીકાલે કરીશું. એટલે હિતેશ તેની પાછળ સમજાવવા દોડ્યો હતો, પરંતુ તે એકનો બે ન થયો. એ પછી તેણે હિતેશના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. દરમિયાન ભારતીબેને હિતેશને ફોન કરીને કહ્યું હતું કે જયેશને માર્યો તો નહીં, હવે હું શું કરું ? મારે મરી જવું પડશે એમ કહેતાં હિતેશે ભારતીબેનને કહ્યું, થોડો સમય આપ. હું જયેશને મારી નાખીશ, એવી વાત કરીને શાંત પાડી હતી.

બીજી બાજુ, અભય નવસારી મુકામે તેની બહેનની સગાઈ હોવાથી ત્યાં આગળ જતો રહ્યો હતો અને હિતેશનો ફોન ઉપાડતો ન હતો. જેથી હિતેશે 14-11-2022ના રોજ બપોરે તેની સોસાયટીમાં રહેતા જિજ્ઞેશ મકવાણાને ફોન કરી અભય ફોન નહીં ઉપાડતો હોવાની ફરિયાદ કરી હતી, જેથી જિજ્ઞેશે કહ્યું હતું કે શું કામ છે? એમ પૂછતાં હિતેશે કહ્યું, એક ભાઈના પૈસા ફસાયા છે, એ આપતો નથી, તેને ટપકાવવાનો છે. આપણને બે લાખ રૂપિયા મળશે. મારી બહુ ઓળખાણ છે, કંઈ થશે નહીં, હું બધું પતાવી દઇશ, એમ કહેતાં જિજ્ઞેશે જણાવ્યું હતું કે મારી પાસે એક ભાવનગરનો માણસ છે, તે તને મદદ કરશે. એ માણસને ટપકાવી પણ દેશે. હું તેને આજે જ ફોન કરીને ગાડીમાં બેસાડી દઉં છું. તારે મને તથા મારા માણસને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવા પડશે, એમ કહેતાં જ હિતેશે હા પાડી દીધી હતી.
હિતેશના કહ્યા પ્રમાણે જિજ્ઞેશે ભાવનગરથી તેના મિત્રને બોલાવી લીધો હતો. તે આવી જતાં બીજા દિવસે હિતેશ તથા ભાવનગરથી આવેલા ઉસ્માનગનીનો સંપર્ક થયો હતો. નક્કી થયા પ્રમાણે, બંને જણા મોટરસાઇકલ પર નીકળ્યા હતા. રસ્તામાં હિતેશે લોખંડના હાથાવાળું સ્ટીલનું કટર બતાવીને જણાવ્યું કે આ ચાલશે ને? ત્યારે ઉસ્માનગનીએ કહ્યું, ચાલશે, પણ એકથી કંઈ નહીં થાય. બીજું લેવું પડશે, તેથી રસ્તામાંથી બીજું એક કટર ખરીદવામાં આવ્યું હતું. આ બંને કટર લઇને નીકળ્યા હતા. મંદિરની દેરી પર પહોંચીને હિતેશે ભાવનગરથી આવેલા ઉસ્માનગનીને સમજાવી દીધો હતો કે વિધિના નામે જયેશને અહીં બોલાવીએ છીએ. ત્યાર પછી હિતેશે પ્રેમિકાના પતિ જયેશને ત્યાં બોલાવ્યો હતો.
નક્કી થયા પ્રમાણે, હિતેશ અને ઉસ્માનગની લીંબુ તથા અગરબત્તી તથા અન્ય વિધિના નાટક માટેનો સામાન બહાર કાઢીને મૂક્યો હતો અને હિતેશે તેની મોટરસાઇકલની ડેકીમાં રાખેલાં કટર બહાર કાઢી આરોપી ઉસ્માનગનીને આપી દીધાં. એ પહેલાં હિતેશે જયેશને ફોન કરીને અગાઉ જ્યાં ભેગા થયા હતા એ જગ્યાએ 15-11-2022ના રોજ બપોરના બેથી સવાબે વાગ્યા સુધીમાં આવી જવા જણાવ્યું હતું. બંને જણા રાહ જોઇને બેઠા હતા ત્યાં જયેશ આવી પહોંચ્યો હતો.
જ્યાં હિતેશે ભાવનગરથી આવેલી વ્યક્તિની અગાઉ મળેલા બાબાના શિષ્ય તરીકે ઓળખાણ આપી હતી. ત્યાર બાદ હિતેશ અને ઉસ્માનગનીએ વિધિના નાટક સારુ અગાઉથી અગરબત્તી- લીંબુ તથા નાળિયેર સાથે લઈ આવ્યા હતા. એ પૈકીના લીંબુના ચાર ટુકડા એક કટર વડે કાપી ચારેય દિશામાં ઉસ્માનગનીએ એક-એક ટુકડો ફેંકીને હિતેશે જયેશને એક લીંબુનો ટુકડો પકડાવી આંખો બંધ કરી ભગવાનનું સ્મરણ કરવાનું તેમજ બાબા મંત્રજાપ કરે છે ત્યાં સુધી આંખો ખોલતો નહીં એમ કહ્યું હતું.
જયેશ આંખો બંધ કરીને બેસી ગયો હતો, એ વખતે ઉસ્માનગનીએ જયેશની ફરતે ત્રણ ચક્કર લગાવ્યા હતા. બપોરના ત્રણ વાગે આરોપી હિતેશે તેની પાસેના લીલા કલરના હાથાવાળું કટર જયેશના ગળા ઉપર મારી નાખવાના ઇરાદે ફેરવી દીધું હતું. એ પછી હિતેશે બીજું કટર ઉસ્માનગનીને આપ્યું હતું. તેણે પણ જયેશનું મોઢું પકડી તેના ગળા પર ઝડપથી કટર ફેરવ્યું હતું. બંને જણા બાદમાં મોટરસાઇકલ તરફ ભાગ્યા હતા. ભાગતી વખતે ઉસ્માનગનીએ તેની પાસેનું કટર ખેતરમાં ફેંકી દીધું હતું. બંને જણા મોટરસાઇકલ પર નાસી છૂટ્યા હતા.
ઘવાયેલા જયેશે બૂમો પાડીને તેનો પીછો કર્યો હતો. પરંતુ ખૂબ લોહી નીકળતું હોવાથી તે પોતાની મોટરસાઇકલ પર નજીકમાં આવેલી ચાની કીટલી પર પહોંચ્યો હતો. સ્થાનિકોની મદદથી 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ પહોંચ્યો હતો. સદનસીબે જયેશ મકવાણાનો જીવ બચી ગયો હતો. પણ તેના મનમાં એક જ સવાલ હતો કે હું જેને મિત્ર ગણું છું તેણે કેમ આવું કર્યું હશે?
બીજી તરફ હિતેશે પ્રેમિકા ભારતીને ફોન કરી કહ્યું, મેં જયેશને કટર મારી દીધી છે, પરંતુ તે બચીને ભાગી ગયો છે. બીજી તરફ, જયેશે તેના પિતા અને ભાઇને જાણ કરી દેતાં તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં જયેશના ભાઇની ફરિયાદના આધારે સુરત શહેરના એસ.સી.-એસ.ટી. સેલના મદદનીશ પોલીસ કમિશનર એમ.ડી. ઉપાધ્યાયે આરોપીઓ હિતેશ હસમુખભાઇ રાઠોડ, ભારતીબેન જયેશભાઇ મકવાણા, જિજ્ઞેશ મીઠાભાઇ મકવાણા તેમજ ઉસ્માનગની સત્તારભાઇ ભાડુલાની ધરપકડ કરીને કોર્ટના હુકમથી જેલ હવાલે કર્યા છે.