અમદાવાદ, તા.30 માર્ચ…
થોડા સમય પહેલાં દિલ્હીમાં થયેલા શ્રદ્ધા હત્યા કેસે ભારત જ નહીં બલ્કે આખી દુનિયાને હચમચાવી નાખી હતી. આ બનાવના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદમાં આવી જ એક ઘટના બનવા પામી છે. જો કે આ ઘટનામાં ભોગ બનનાર મહિલા નહીં બલ્કે પુરુષ છે. બાપુનગર વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ એક યુવક અચાનક લાપત્તા બની ગયો હતો જેની શોધખોળના અંતે એવો ખુલાસો થયો છે કે આ યુવકની તેના જ મીત્રએ હત્યા કરી નાખી છે. સનસનાટીજનક વાત એ છે કે યુવકના મીત્રએ જ તેના મૃતદેહના કટકા કરીને કેનાલમાં ફેંકી દીધા હતા !!

આ બનાવ અંગે પ્રાથમિક રીતે એવી વિગત જાણવા મળી છે કે, મૃતક યુવકના તેના જ મિત્રની પત્ની સાથે આડાસંબંધો હતા. આ વાતની જાણ મૃતકના મિત્રને થઈ ગઇ હતી. પોતાની પીઠ પાછળ પત્ની સાથે પથારી ગરમ કરતાં આ મિત્રને સબક શીખવાડવા તે યોજના બનાવવા માંડ્યો હતો. પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતથી તે ખૂબ આઘાત પામ્યો હતો. મિત્રદ્રોહની સજા એવી હોવી જોઇએ કે દુનિયા યાદ રાખે એવી ગ્રંથી તેના મનમાં ઘર કરી ગઇ હતી.

મિત્રદ્રોહની સજા મોત એવું તો તેણે નક્કી કરી નાંખ્યું, પરંતુ મોત પણ કંઇ સીધું સાદુ ન હોવું જોઇએ એવું પણ તે વિચારવા માંડ્યો હતો. પોતીની પત્નીને ફસાવી જે આઘાત આપ્યો એનાથી મોટો આઘાત આપ્યા બાદ હત્યાનો પ્લાન તેણે બનાવ્યો હતો. આ પછી હત્યારાએ મૃતકને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું કહી ઘરે બોલાવ્યો હતો.
ઘેર બોલાવ્યા બાદ પહેલાં તેને ખુરશી ઉપર બેસાડ્યો હતો અને ત્યારપછી તેની આંખો ઉપર પાટા બાંધી દઈને અચાનક જ તીક્ષ્ણ હથિયારથી તૂટી પડી આડેધડ ઘા મારતાં યુવકનું ત્યાં જ મોત થયું હતું. આ પછી હત્યારાએ તે યુવકની લાશના ટુકડા પોતાના જ ઘરમાં કરીને તેને અમદાવાદ નજીક આવેલી એક કેનાલમાં ફેંકી દીધા હતા. આ બનાવનો ખુલાસો થતાં જ ક્રાઈમ બ્રાન્ચે મૃતક યુવાનના મિત્ર અને તેની પત્ની સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.