જંગલી પ્રાણી દીપડાની શહેરની આસપાસના વિસ્તારોમાં હીલચાલ વધી રહી છે. ખોરાકની શોધમાં ફરતાં દીપડાઓ શહેરની શેરીઓ સુધી આવી પહોંચતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. સુરત શહેરના નાકે ખજોદગામમાં બે દિવસ લટાર મારનાર દીપડો પાંજરે પુરાયા બાદ હવે માંડવીમાં પણ એક દીપડીને વનવિભાગે પકડ્યો છે.
જાણવા મળતી માહિતી અનુસાર માંડવી નગરની આસપાસ દીપડાની હીલચાલ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગે આ પ્રાણીને મૂવમેન્ટ ટ્રેક કરી હતી. જેમાં તે ખંજરોલી ગામે કેટલાક દિવસોથી ફરતો હોવાનું જણાયું હતું. ખંજરોલીના રહેવાસીઓએ પણ દીપડો દેખાયાનું કહેતાં વન વિભાગે ત્યાં પાંજરુ ગોઠવ્યું હતું. આ પાંજરામાં મૂકાયેવું મારણ ખાવા મોડી રાતે આવતાં આ જંગલી જાનવર આબાદ ફસાયું હતું. વન વિભાગે કરેલી તપાસમાં એ અઢી વર્ષની દીપડી હોવાનું બહાર આવ્યું હતું. વન વિભાગ એ દીપડીને અંતરિયાળ જંગલ વિસ્તારમાં છોડવા તજવીજ હાથ ધરી હતી.