સુરત: ભાજપના નિઝર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવાએ બે દિવસ પહેલા જ રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયો હતો. રાજીનામાના બે દિવસ બાદ તેઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે. તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે જેના કારણે હું ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા એ પહેલા વસાવાએ ભાજપ છોડ્યું અને તેમના ગયા બાદ આપમાં જોડાવાની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં આદિજાતિ નિગમના પૂર્વ ડિરેક્ટર અને તેમજ ભાજપામાંથી બે ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા પરેશ વસાવા આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને આપ નેતા રામ ધડુકની હાજરીમાં વિધિવત રીતે પાર્ટીમાં જોડાયા હતા. પરેશ વસાવાએ આમ આદમી પાર્ટીમાં જોડાયા પછી જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ચાલતી વિવિધ સરકારી યોજનાઓ અને વિકાસ કામોમાં અધિકારીઓ અને સંગઠનના કેટલાક લોકો ભ્રષ્ટાચારથી લિપ્ત છે.

સ્થાનિક લેવલે અને તેમાંય આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલી સરકારી કામોમાં જોવા મળતાં ભ્રષ્ટાચાર અંગે ભાજપમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી છે તેમ છતાં અત્યાર સુધી આવા લોકો સામે કોઈ પણ કાર્યવાહી કરાવી નથી. તેઓએ સાથે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટ પાર્ટી છે આજ કારણ છે કે હું ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો છું. આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી ચૂંટણી સમયે જે પણ જવાબદારી આપશે હું ચોક્કસથી તેનું પાલન કરીશ.
ઉલ્લેખનીય છે કે પરેશ વસાવા છેલ્લા બે ટર્મથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તાપી જિલ્લાના નિઝર બેઠકથી તેઓ ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા. પરંતુ વર્ષ 2017 ભાજપ આઈ કમાન્ડે પરેશ વસાવાની જગ્યાએ કાંતિ ગામિતને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જોકે કાંતિ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. બે દિવસ પહેલા આજે પરેશ વસાવાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. બે દિવસ બાદ તેઓ સુરતમાં આમાની પાર્ટીમાં જોડાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આવનાર વિધાનસભા ચૂંટણીમાં બેઠકથી આમ આદમી પાર્ટી પરેશ વસાવાને પોતાના ઉમેદવાર જાહેર કરશે. આમ આદમી પાર્ટીએ ભિલિસ્તાન ટાઇગર સેનાના છોટું વસાવા સાથે સંબંધો વિકસાવ્યા છે. હવે પરેશ વસાવાને પોતાના પક્ષે લઇ આદિવાસી વિસ્તારમાં પોતાના પગ જમાવવાની દિશામાં નક્કર પગલાં ભર્યાનું જણાય આવે છે.