ભારતનો પડોશી દેશ શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક કટોકટીમાં ફસાયો છે. દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ ભાગવું પડે એ હદે સ્થિતિ સ્ફોટક બની ચૂકી છે. લોકોને ખાવા-પીવાના ફાંફાં પડી રહ્યા છે. આસમાને પહોંચેલી મોંઘવારી, અનાજ-દૂધ જેવી જરૂરી સામાનોની અછત, દુકાનો પર લાંબી-લાંબી લાઈનો, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ પર લૂંટ, રાજકીય લડત-હિંસા સરકાર વિરોધી પ્રદર્શન અને શહેરમાં હુલ્લડોની આગમાં કથળી રહેલા પાડોશી દેશ શ્રીલંકાની પરિસ્થિતિએ દુનિયાભરના લોકોને ચિંતામાં નાખી દીધા છે. ખોટા આર્થિક નિર્ણયો, સસ્તા વ્યાજ, મફતની સ્કીમો અને 50 બિલિયન ડોલરના વિદેશી દેવાની જાળમાં ફસાયેલુ શ્રીલંકા દેવાળિયા હોવાની કગાર પર છે.
આ સંકટની સ્થિતિમાં જનતાની આશાઓ ખતમ થઈ રહી છે. લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર છે. વડાપ્રધાને રાજીનામુ આપી દીધુ છે. સાંસદો-મંત્રીઓ અને શહેરોના મેયર ઘર પર સતત હુમલા કરી રહ્યા છે. દરેક સ્થળે હિંસક ભીડ પર સેના ફાયરીંગ કરી રહી છે. 1948માં આઝાદ થયેલા શ્રીલંકાની સામે આ પ્રકારનુ સંકટ પહેલીવાર સામે આવ્યુ છે. શ્રીલંકન પ્રજાની ધિરજ ખૂટી છે. તેઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા અને હવે હિંસક બની ચૂક્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી કરાયેલો હલ્લાબોલ એ વિરોધની ચરમસીમા કહી શકાય એમ છે.
**કેવી રીતે શ્રીલંકા સંકટમાં ફસાયુ?
છેલ્લા બે વર્ષથી જારી કોરોના સંકટની વચ્ચે સતત વધતુ વિદેશી દેવુ અને 2019માં ચૂંટણી વાયદા નિભાવવા માટે ટેક્સ ઘટાડવાના રાજપક્ષે સરકારના નિર્ણયે શ્રીલંકાને આ સંકટ તરફ ધકેલી દીધુ. લોટ-દૂધ-દવાઓની કિંમત હજારો સુધી પહોંચી ચૂકી છે. આટલી કિંમત છતાં પણ સામાન મળવો મુશ્કેલ થઈ ગયો તો લોકો હિંસા પર ઉતરી આવ્યા. ડિપાર્ટમેન્ટલ સ્ટોર-મોલ અને દુકાનોમાં લૂંટ શરૂ થઈ ગઈ. સતત જરૂરી સામાનની કિંમતો વધતી ગઈ, દેવુ પણ વધતુ ગયુ.
આ સંકટે લોકોને વેનેઝુએલા અને ગ્રીસની નાદારીની યાદ અપાવી દીધી જ્યારે એકદમ આ દેશોની સિસ્ટમ ફેલ થઈ ગઈ ત્યારે જનતાને અરાજકતાની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.
- વેનેઝુએલા
વેનેઝુએલામાં 2017માં શરૂ થયેલા આર્થિક સંકટે દેશને નાદાર જાહેર કરી દીધો. વિદેશી દેવુ અને ખોટી આર્થિક નીતિઓએ કરન્સીની પરિસ્થિતિ એટલી ખરાબ કરી દીધી કે સરકારે 10 લાખ બોલિવરની નોટો છાપવી પડી. કરન્સીની વેલ્યુ એટલી ખરાબ થઈ કે એક-એક કપ કોફી માટે લોકોને 25-25 લાખ બોલિવર ચૂકવવા પડ્યા. - આર્જેન્ટીના
વર્ષ 2020ના જુલાઈ મહિનામાં અચાનક દક્ષિણ અમેરિકી દેશ આર્જેન્ટીના કંગાળ થઈ ગયુ. વિદેશી રોકાણકારોએ પોતાના રોકાણ કરેલા બોન્ડના 1.3 બિલિયન ડોલર પાછા માગવા લાગ્યા. બેન્કો અને નાણાકીય સંસ્થાઓએ આ દેવુ પાછુ આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી. આર્જેન્ટીનાએ પોતાની આ પરિસ્થિતિ માટે અમેરિકાને દોષી ઠેરવ્યુ. લોકો માટે મોંઘવારીનો સામનો કરવો મુશ્કેલ થઈ ગયો. - ગ્રીસ
છેલ્લા દાયકાઓમાં આ દુનિયાએ ગ્રીસને નાદાર થતુ જોયુ. 2001માં પોતાના કરન્સીના બદલે યુરોને અપનાવ્યા બાદથી ગ્રીસની ઈકોનોમી સતત સંકટમાં ફસાતી રહી. સરકારી કર્મચારીઓનો પગાર વધવા અને સતત વધતા સરકારી ખર્ચે 2004 આવતા સરકારી ખજાનાને ભારે દેવામાં ડૂબાડી દીધુ. 2004ના એથેન્સ ઓલ્મિપિકના આયોજન માટે કરવામાં આવેલા 9 બિલિયન યુરો ખર્ચે સરકારને મહાસંકટમાં ફસાવી દીધી. - આઇસલેન્ડ
2008માં નોર્ડિક દેશ આઈસલેન્ડના ત્રણ બેન્ક 85 બિલિયન ડોલરનુ દેવુ ડિફોલ્ટ કરી દીધુ. બેન્કોની નાદારીએ દેશની ઈકોનોમીને ખૂબ અસર કરી. કરન્સી માટે સંકટની પરિસ્થિતિ પેદા થઈ ગઈ. લોકોના રોજગાર છીનવાઈ ગયા. લોનની ચૂકવણી માટે લોકો નિષ્ફળ ગયા. લોકોની બચત પૂરી થઈ ગઈ, બીજી તરફ રોજગારનુ સંકટ ઊભુ થઈ ગયુ. - રશિયા
1991માં સોવિયત સંઘના વિઘટન બાદ અમુક વર્ષો સુધી રશિયા પર સતત દેવુ વધતુ ગયુ અને 1998 આવતા નાદારીની પરિસ્થિતિ પેદા થઈ ગઈ. કરન્સીનુ અવમૂલ્યન કરવુ પડ્યુ એટલે કિંમત ઘટાડવી પડી. ડિફોલ્ટની સ્થિતિ આવતા જ એકાએક વિદેશી મુદ્રા ભંડારને 5 બિલિયન ડોલરનુ નુકસાન વેઠવુ પડ્યુ. સામાન્ય લોકો માટે રોજગાર-લોન અને જરૂરી સામાન એકઠો કરવાનુ મુશ્કેલ થતુ ગયુ. માત્ર રશિયામાં જ નહીં આની અસર એશિયાના બજાર, અમેરિકા, યુરોપ અને બાલ્ટિક દેશો સુધી પણ થઈ. - મેક્સિકો
1994માં મેક્સિકોની સરકારે ડોલરની સરખામણીએ પોતાની કરન્સીના 15 ટકા સુધી અવમૂલ્યન કર્યુ. આનાથી પરિસ્થિતિ બગડી ગઈ. વિદેશી રોકાણકારોમાં હલચલ મચી ગઈ. તેઓ પોતાના રોકાણના રૂપિયા મેક્સિકોના માર્કેટમાંથી પાછા લેવા લાગ્યા, શેરને વેચવા લાગ્યા. આ સંકટમાં જીડીપીમાં 5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો. દેશને 80 બિલિયન ડોલર સુધી દેવુ લેવુ પડ્યુ. IMF, કેનેડા, અમેરિકા અને લેટિન અમેરિકી દેશોએ મેક્સિકોને આ સંકટમાંથી ઉગારવા માટે બેલઆઉટ પેકેજ આપ્યુ ત્યારે મેક્સિકો અને આસપાસના દેશોના આર્થિક સંકટની પરિસ્થિતિને સંભાળવામાં મદદ મળી. - અમેરિકા
અમેરિકામાં 1840ના દાયકામાં નહેરોના નિર્માણ માટે મોટા પ્રોજેક્ટ્સની શરૂઆત થઈ. આ માટે 80 મિલિયન ડોલર સુધીનુ દેવુ લઈને સરકારે ખર્ચ કર્યો. આ માટે આર્થિક સંકટનો જે સિલસિલો શરૂ થયો તે અમેરિકાના 19 રાજ્યોને દેવાની જાળમાં ફસાવી ગયો. Illinois, Pennsylvania અને Florida જેવા રાજ્ય દેવા હેઠળ ફસાયા. આ સિવાય નવી બેંકોની સ્થાપના માટે પણ સરકારી પૂંજીનો ઉપયોગ આ સંકટને વધારી રહ્યો હતો.