સુરત, તા.10 માર્ચ…
ખટોદરા કેનાલ રોડ સોમ કાનજીની વાડીમાં આવેલ હનુમાન ફેબ્રિકસ એન્ડ કટપીસ ફેક્ટરીના ગોડાઉનમાં રોકડા રોકડા 4.10 લાખ ચોરાઈ ગયા હતાં, આ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ એસઓજીએ ઉકેલી કાઢતાં એક તરૂણની ધરપકડ કરી હતી. લુડો ગેમ રમવાની લતમાં રૂપિયા હારી જતા આ ચોરી કર્યાની કબૂલાત તેણે કરી હતી. ચોરી કર્યા બાદ તરૂણે કરેલી હરકતોએ પણ પોલીસને ચોંકાવી દીધી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મગોબ ગામ રૂદ્રમણી એપાર્ટમેન્ટમાં પુરણસિંહ રમેશકુમાર રાજપુરોહિત તેમના પરિવાર સાથે રહે છે. તેઓ ખટોદરા કેનાલ રોડ સોમા કાનજી ની વાડી ખાતે હનુમાન ફેબીક્સ એન્ડ કટપીસ ફેક્ટરી આઉટલેટનો ગોડાઉન ધરાવે છે. દરમ્યાન આ આઉટલેટને ગત તા ૬થીના સોમવારના રોજ રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આઉટલેટના પતરાના શેડ પરથી તસ્કરો અંદર પ્રવેશ્યા હતાં. ઓફિસના દરવાજાનો નકુચો તોડી ઓફિસના ટેબલના ખાનામાંથી વેપારના રોકડા 4,10,500 ચોરી કરી નાસી ગયો હતો. પોલીસે પુરણસિંગની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ દરમિયાન એસઓજીના એએસાઇ જલુભાઇ મગનભાઇ અને રામજીભાઇ મગનભાઇને મળેલી બાતમીના આધારે સગરામપુરા સર્કલ પાસેથી એક તરૂણને ઝડપી લીધો હતો, સલાબતપુરા, આબાવાડી કાલીપુલ વિસ્તારમાં રહેતા આ તરુણ પાસે રોકડા 1.99 લાખ મળી આવ્યા હતાં. એસઓજી દ્વારા કરાયેલી પૂછપરછમાં તરુણે આ રકમ ખટોદરામાં એક ગોડાઉનમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ગોડાઉનમાંથી 4.10 લાખ રૂપિયા ચોરાયા હોવાથી પોલીસે બાકીની રકમ અંગે પૂછપરછ કરી હતી. જેમાં તેણે કહ્યું કે દોસ્તારોને પાર્ટી આપી, 8 જોડી કપડા અને 5 જોડી બૂટ ખરીદ્યા હતાં. આ ઉપરાંત તે મુંબઈ હાજીઅલી ગયો હતો.

તરૂણે પોલીસને એમ પણ કહ્યું કે આ ચોરીના ગુનામાં પકડાય નહીં એની મન્નત માનવા તે હાજીઅલી ગયો હતો. અહીં તેને મન્નત માગી અને દરગાહ બહાર બેસેલા ભિખારીઓને દાન આપી દુઆ કરવા કહ્યું હતું. વધુમાં જાણવા મળ્યા અનુસાર આ તરુણ તથા તેના મિત્રો જાત જાતના ડ્ગ્સથી નશો કરે છે. તેઓ મોબાઇલમાં લુડો ગેમથી જુગાર રમવાના ટેવવાળા છે. લુડો જુગારમાં હારી જતાં તેણે આ ચોરી કરી હતી. લુડો થી જુગાર રમવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તે 600 – રૂપિયા જ હાર્યો હતો, આ રૂપિયા કવર કરવા તે કોઇ ભંગાર ચોરવાના ઇરાદે રખડતો હતો. જેમા તેને આ ગોજાઉનમાંથી જાણે ખજાનો હાથ લાગી ગયો હતો. આ તરૂણને વધુ તપાસ માટે ખટોદરા પોલીસને સોંપવામાં આવ્યો છે.