અફઘાનિસ્તાનમાં પોતાની સરકાર રચી દેનારા આતંકી તાલિબાન લડવૈયાઓએ તેમના સ્થાપક મુલ્લા ઉમરની કારને 21 વર્ષ બાદ જમીનમાંથી ખોદીને બહાર કાઢી છે. મુલ્લા ઉમર અમેરિકાથી બચવા માટે આ કાર લઈને ભાગ્યા હતા અને કંદહારથી કાબૂલ સુધી ગયા હતા. ત્યારબાદ તે આ કારને જમીનમાં દાટીને ગાયબ થઈ ગયા હતા. મળેલ માહિતી પ્રમાણે, આ કારને કાબૂલ પ્રાંતની એક જગ્યાએથી નીકાળવામાં આવી છે. હવે તેને અફઘાનિસ્તાનના નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવશે.
અમેરિકાએ 9/11ના હુમલા બાદ તાલિબાનોને પાઠ ભણાવવા માટે અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલાઓથી બચવા માટે મુલ્લા જુદી જુદી જગ્યાએ ભાગી રહ્યા હતા. તેઓ પોતાની ટોયોટા કાર મારફતે કંદહારથી કાબૂલ સુધી આવ્યા હતા અને ત્યારબાદ તે કોઈને મળ્યા નથી. કાબુલમાંથી જે કાર નીકાળવામાં આવી છે તે ટોયોટા કાર છે. તેના ફોટાઓ પણ વાયરલ થઈ રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર 21 વર્ષ પછી પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે કારણ કે તેને પ્લાસ્ટિકના કવરથી ઢાંકીને જમીનમાં દાટવામાં આવી હતી.
1994માં તાલિબાનની સ્થાપના કરી હતી
મુલ્લા ઉમરનો જન્મ અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતમાં 1960માં થયો હતો. તેમણે 1980માં સોવિયત સામેના યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. કહેવાય છે કે આ યુદ્ધમાં તેમણે પોતાની બન્ને આંખો ગુમાવી દીધી હતી. જો કે, સોવિયત સાથે યુદ્ધ બાદ મુલ્લા ઉમરે 1994માં તાલિબાનની સ્થાપના કરી હતી અને 1996માં તેમણે અફઘાનિસ્તાનની સત્તા ઉપર કબ્જો કરી લીધો હતો. જો કે, 9/11ના હુમલા બાદ વર્ષ 2001માં જ્યારે અમેરિકાએ અફઘાનિસ્તાન ઉપર હુમલો કર્યો ત્યારે તાલિબાનને સત્તા ગુમાવવી પડી હતી.
મુલ્લા ઉમર પોતાની મૃત્યુ સુધી તાલિબાનોના નેતા રહ્યા હતા. વર્ષ 2013માં તેમનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. જો કે તાલિબાને પોતાના કમાન્ડરના મૃત્યુના સમાચાર બે વર્ષ સુધી છુપાવીને રાખ્યા હતા. વર્ષ 2015માં દુનિયાની સામે આવ્યું હતું કે મુલ્લા ઉમરનું મોત થઈ ચુક્યું છે. એક સમયે વિશ્વનું ખૂંખાર આતંકવાદી સંગઠનના આતંકીઓ કહેવાતા તાલિબાનો હવે અફઘાનિસ્તાનમાં રાજ કરી રહ્યા છે. તેઓએ પોતાની સરકાર સ્થાપી દીધી છે. તેઓ બેસૂમાર રાજનૈતિક સત્તાના અધિકારી બન્યા છે. આ બધી બાબતો વિશ્વના મોટા દેશો ચિંતા અને ચિંતનનો મુદ્દો રહ્યો છે.