યુવક યુવતી વચ્ચેના પ્રેમ સંબંધને પરિવારની ઇજ્જત સાથે જોડી દઇ કરાતી હત્યા એટલે કે ઓનર કિલીંગનો ચોંકાવનારો બનાવ લીંબડીમાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં 1 જુલાઈએ ભોગાવા નદીના કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. બહેન દાગીના લઈને પ્રેમી સાથે ભાગી જશે તો સમાજમાં બદનામી થશે એ બીકે ભાઈએ દુપટ્ટાથી ગળું દબાવી બહેનના શ્વાસ રૂંધી નાખ્યા હતા. લાશ કૂવામાં ફેંકી દેનાર ભાઇ બીજે દિવસે તેણીને ભાવતું મંચુરિયાન ખરીદી કૂવામાં નાંખી આવ્યો હતો. આ કેસમાં પોલીસે આ કેસમાં મૃત યુવતીના સગા ભાઈની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર ભોગાવા નદીના કૂવામાંથી પહેલી જુલાઇએ એક અજાણી યુવતીનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ તો આરંભી પરંતુ મૃતદેહ મળ્યા ને કલાકો થવા છતાં યુવતીની ઓળખ થઈ શકી નહોતી. હવે આ તપાસમાં એલસીબીની ટીમ પણ જોડાઇ હતી. આ દરમિયાન પોલીસને એ વાત ધ્યાન ઉપર આવી હતી કે 9 જૂને નયના રાઠોડ નામની યુવતી ઘરેથી ભાગી હોવાની ફરિયાદ તેણીના લીંબડી પોલીસ મથકે નોંધાવી હતી, જેમાં તેમણે નયનાને તેનો પ્રેમી રોહિત ઠાકોર ભગાડી ગયાનો આક્ષેપ કર્યો હતો. પોલીસે એ સમયે રોહિતનો સંપર્ક કર્યો હતો, પરંતુ એ વખતે નયના તેની પાસે આવી નહોતી. ત્યાર બાદ 23 જૂને નયના લીંબડી પાછી ફરી અને તેણીએ પોલીસ મથકે જઇ એકલી ઘરેથી નીકળી ગઈ હતી એવો જવાબ લખાવ્યો હતો.

કૂવામાંથી મળેલો મૃતદેહ એ નયનાનો હોય શકે એવી આશંકા સાથે પોલીસે નયનાના પરિવારને બોલાવી ઓળખ કરવા કહ્યું, પરંતુ તેના પરિવારે મૃતદેહ નયનાનો ન હોવાનું જણાવ્યું હતું. યુવતીની ઓળખ ન થતાં પોલીસે રોહિતનો સંપર્ક કર્યો ત્યારે તેને 3 સ્ટાર ટેટૂ ત્રોફાવેલી યુવતી નયના જ છે, તેને ઓળખી બતાવી હતી. ત્યાર બાદ પોલીસે દિનેશને ઝડપી લીધો હતો. મૃત નયનાને તેનો જ પરિવાર ઓળખી ન શક્યો, પરંતુ તેના કથિત પ્રેમી રોહિતે હાથ પર ત્રોફાવેલાં ત્રણ સ્ટારના ટેટૂથી નયનાને ઓળખી બતાવી હતી.
આ રીતે પોલીસ ટીમે મૃત યુવતીની ઓળખ નયના ઉર્ફે જાગુ રાઠોડ તરીકે કરી હતી. યુવતીની ઓળખ થયા બાદ પોલીસે કરેલી તપાસમાં તેણીનો ભાઈ દિનેશ શંકરભાઈ રાઠોડ શકના દાયકરામાં આવ્યો હતો. શંકાના આધારે અટકાયતમાં લઇ કરાયેલી પૂછપરછ દરમિયાન ભાંગી પડેલા દિનેશે તેની બહેન નયના ઉર્ફે જાગુ રાઠોડની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. દિનેશે જણાવ્યું હતું કે 5 વર્ષથી અમે પરિવાર સાથે સાણંદ તાલુકાના સચાણા ગામે રહેતા હતા. ત્યાં મારી બહેનની આંખ રોહિત ઈશ્વર ઠાકોર સાથે મળી ગઈ હતી, જે અમને મંજૂર નહોતું. અમે તેને પ્રેમસબંધ તોડી નાખવા સમજાવી, પરંતુ તે માની નહીં. એટલે અમે લીંબડી રહેવા આવી ગયા હતા. અહીં આવ્યા પછી પણ નયના તેના પ્રેમી રોહિત સાથે ફોન પર વાતો કરતી હતી. 9 જૂને નયના ઘરેથી નીકળી ગઈ હતી અને 23 જૂને ઘરે પરત ફરી હતી.

27 જૂને અમારા સંબંધી શૈલેષ સોલંકીના ઘરે પ્રસંગ હતો. અમે સપરિવાર પ્રસંગમાં હાજર હતા. ત્યાં મારું સતત ધ્યાન બહેન પર જ હતું. સંબંધીનો પ્રસંગ છોડીને મારી બહેન છાનીમાની મારા ઘરે ગઈ. હું પણ તેની પાછળ-પાછળ ઘરે ગયો. બહેન કબાટમાં કશું શોધી રહી હતી. મેં તેને પૂછ્યું કે શું શોધે છે? ત્યારે તેણે કહ્યું કે ડોકિયું ગોતું છું. મને વિચાર આવ્યો કે દાગીના લઈને નયના તેના પ્રેમી સાથે ભાગી જશે, એટલે મેં દુપટ્ટાથી ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
બહેન ઘરેથી ભાગી જશે તો સમાજમાં બદનામી થશે, એવા વિચારો દિનેશને આવ્યા. દિનેશે પહેલા ઘરનો દરવાજો બંધ કર્યો. પછી ટીવીનું વૉલ્યુમ વધારીને રૂમમાં દાખલ થયો. કબાટ ફેંદી રહેલી બહેનને પાછળથી દુપટ્ટો ખેંચી ગળું દબાવ્યું. બાજુમાં રાખેલી સેટીમાં બહેનને ઊંઘી પટકી, તેના ઉપર બેસી ગયો. દુપટ્ટા વડે ગળું દબાવી રાખ્યું, જ્યાં સુધી નયનાના શરીરનું હલનચલન બંધ ન થયું ત્યાં સુધી દિનેશ તેના ઉપર બેસી રહ્યો હતો.

27 જૂને બપોરે 12થી 1 વાગ્યા વચ્ચે હત્યા કર્યા બાદ દિનેશે પ્લાસ્ટિકની કોથળીમાં બહેનના મૃતદેહને ભરી દીધો હતો. કોથળીને ઘરના પાછળના ભાગે કાઢી, દરવાજા પાછળ છુપાવી દીધો હતો. ત્યાર બાદ કશું બન્યું ન હોય એમ તે ટીવી જોવા લાગ્યો હતો. બપોરે અઢી વાગ્યે તેની માતા અનુબેનનો ફોન આવ્યો હતો કે નયના અહીં ક્યાં દેખાતી નથી. ઘરે આવી છે? ત્યારે દિનેશે ના પાડી હતી કે નયના ઘરે આવી નથી. ઘરને તાળું મારીને દિનેશ સંબંધીને ત્યાં પહોંચ્યો. ત્યાં બધા સાથે મળીને તે પણ નયનાને શોધવા લાગ્યો હતો.
હત્યા કરીને બહેનનું મોઢું પ્લાસ્ટિકની કોથળીથી બાંધી દીધું. હાથ-પગ દોરી અને દુપટ્ટાથી બાંધ્યા. મૃતદેહ જલદી પાણી બહાર ન આવે એટલે પાણીમાં ડુબાડવા માટે નયનાના પગ વાયરોથી બાંધી સાથે કોથળીમાં રેતી ભરીને લાશને કૂવામાં ફેંકી દીધી હતી. ક્રાઇમ અંગેની ટીવી સિરિયલો જોઈને મૃતદેહ જલદી કોઈના હાથમાં ન આવે એ માટે બહેનની લાશને કૂવામાં ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ બીજા દિવસે બહેનનું મનગમતું મન્ચુરિન્યન લઈને કૂવામાં નાખી આવ્યો હતો.