સુરત, તા.14 ફેબ્રૂઆરી…
સોશિયલ મીડિયાએ વિશ્વને આંગળીના ટેરવે લાવી દીધું છે. દુનિયાને ગ્લોબલ વિલેજ બનાવી દેનાર સોશિયલ મીડિયા હવે ગુનાખોરીનું માધ્યમ પણ બની રહ્યું છે. ચિટિંગ થી લઇ બદનામીથી માંડી હત્યા સુધીના કેસમાં સોશિયલ મીડિયાની ભૂમિકા બહાર આવી રહી છે. કંઇક આવા જ એક હત્યા કેસમાં વોન્ટેડ એવા યુવકને સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુડગાંવથી ઝડપી પાડ્યો છે. વેલેન્ટાઇન ડે ની પૂર્વસંધ્યાએ પોલીસે કરેલો ઘટસ્ફોટ ઘણાં ફેસબુકિયા પ્રેમીઓ માટે ચેતવણી સમાન છે.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સુરતમાં રહેતા બિહારના આરા જિલ્લાના વતની એવા વિનોદ મહેશ સિંગને તેના પડોશના ગામમાં રહેતી પ્રીતિ સિંગ સાથે પ્રેમ સંબંધ હતાં. જો કે પ્રીતિના લગ્ન પ્રમોદસિંગ સાથે થઇ ગયા હતાં. પ્રમોદ સાથે લગ્ન બાદ મુંબઇ રહેવા જતી રહી હોય પ્રીતિના વિનોદ સાથેના સંબંધનો અંત આવી ગયો હતો. પ્રમોદ સાથેના સંસારમાં પ્રીતિ એક સંતાનની માતા પણ બની હતી. જો કે ત્યારબાદ કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો. આ ટ્વીસ્ટનું માધ્ય ફેસબુક બન્યું.

ફેસબુક પર વિનોદ અને પ્રીતિ ફરી સંપર્કમાં આવ્યા. અહીંથી તેઓ વચ્ચે શરૂ થયેલા ચેટિંગમાં જુના પ્રેમ સંબંધો તાજા થયા. વિનોદે પણ તક જોઇ પ્રીતિ સાથે ફરી રહેવાની ઇચ્છા વ્યક્ત કરી. પ્રીતિ જાણે આ વાતની જ રાહ જોઇને બેઠી હતી. તેણીએ કહ્યું હા મારે પણ તારી સાથે રહેવું છે. વિનોદે તેણી સમક્ષ ભાગીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જો કે પ્રીતિને એ માન્ય ન હતું.
પ્રીતિસિંગે કહ્યું કે આ રીતે સુખચેનથી રહી શકાશે નહી. આપણે ભેગા રહેવું હોય તો પ્રમોદનો કાંટો કાઢી નાંખવો પડશે. પ્રેમીને પામવા માટે પતિની હત્યાનો વિચાર પ્રીતિએ મૂક્યો અને વિનોદે હામી ભરી. આ બંનેએ હત્યાનું પ્લાનિંગ કરવા માંડ્યું. પહેલા મુંબઇમાં જ કોઇ ભાડૂતી માણસ પાસે હત્યાનો પ્રયાસ કરાયો. આ માટે એક વ્યક્તિને સોપારી પણ અપાઇ. જો કે ત્યાં એ શક્ય બન્યું ન હતું.

મુંબઇમાં હત્યા થઇ ન શકતાં વિનોદે સુરતમાં રહેતાં તેના કઝીન અનીકેત તથા ચંદ્રભૂષણ ઉર્ફે બજરંગીનો સંપર્ક કર્યો હતો. આ બંનેને લવ સ્ટોરી જણાવાય હતી. વિનોદે પ્રીતિને પણ આ બંને અંગે વાત કરી તેમના નંબર આપ્યા હતાં. પ્રીતિએ આ બંનેને પોતાની કામણગારી વાતોમાં એવા લપેટ્યા કે તેઓ હત્યા માટે તૈયાર થઇ ગયા હતાં. પ્રીતિની પાછળ ઘેલા બની ગયેલા અનિકેત અને બજરંગીએ એવું આયોજન કર્યું કે પ્રીતિ તેના પતિ પ્રમોદસિંગ સાથે ઉભરાટ ફરવા આવવાનું પ્લાનિંગ બનાવે. તેઓ ટ્રેનમાં નવસારી આવે એટલે ત્યાં રિક્ષાચાલક તરીકે અનિકેત અને બજરંગી હાજર હોય.

આયોજન પ્રમાણે જ તેઓએ કામ કર્યું. પ્રીતિ જીદ કરીને પ્રમોદને ઉભરાટ જવા તૈયાર કર્યો હતો. તેઓ 19 માર્ચ, 2021ના રોજ નવસારી આવ્યા અને ત્યાંથી અનિકેત અને બજરંગીની રિક્ષામાં બેઠા હતાં. આ સમયે વિનોદ લખનઉમાં હતો. તે પ્રીતિ અને અનિકેત તથા બજરંગીને સૂચના આપતો રહ્યો હતો. નવસારીથી ઉભરાટ જતી વેળા મરોલીની આગળ એક અવાવરુ જગ્યાએ પ્રીતિએ તેના પૂત્રને પેશાબ કરાવવાના બહાને રિક્ષા થોભાવી હતી. તેણી પૂત્રને લઇ રિક્ષામાંથી ઉતરી અને પેશાબ કરાવી પાછી આવી હતી. ત્યારબાદ પ્રમોદ તથા અનિકેત અને બજરંગીને તમે પણ ફ્રેશ થઇ આવો એમ કહ્યું હતું, આ ત્રણ જણા રોડથી થોડા અંતર ઝાડીઓમાં ગયા ત્યાં પ્રમોદની હત્યા કરી દેવાઇ હતી. આ મામલે મરોલી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.
પોલીસ તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો પરંતુ વિનોદસિંગ પકડાયો ન હતો. પોલીસે તેની માહિતી આપનારને 10 હજાર ઇનામ આપવાની જાહેરાત પણ કરી હતી. આ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની પીએસાઇ પ્રિતેશ ચિત્તેની ટીમ વિનોદને ગુડગાંવથી ઝડપી લાવી છે. વિનોદ મહેશ સિંગ ગુડગાવમાં સિટિ મોલના ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો.