દિલ્હી : કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને દેશભરના યુવાનો તોફાને ચઢ્યા છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં યુવાઓ આગજની અને તોડફોડ કરવા માંડતાં મામલો વધુ સંવેદનશીલ બની રહ્યો છે. સરકારની નિતી રિતી સામે સવલો ઉઠતાં હવે આ યોજનામાં કેટલીક જોગવાઇઓ બદલાઇ પણ છે. યુવાઓના હોબાળા વચ્ચે શનિવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી છે. દિલ્હીના વકીલ વિશાલ તિવારીએ અરજી કરતા આ યોજનાના વિરોધમાં દેશભરમાં થઈ રહેલી હિંસાની તપાસ માટે SITની રચના કરવાની માંગ કરી છે. આ સાથે આ યોજનાની તપાસ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને આદેશ આપે કે તેઓ હિંસા અંગેનો એક સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં દાખલ કરે. આ ઉપરાંત, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ દોષિતો પાસેથી દાવો વસૂલવા માટે રાજ્યોને દાવો કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપો. તો આ સાથે જ, રાષ્ટ્રીય સુરક્ષા અને સેના પર અગ્નિપથ યોજનાની અસરનું મૂલ્યાંકન પણ નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવે તેવી ત્રણ માગ ઉચ્ચારવામાં આવી છે.
ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં જાહેરાત અનુસાર, CAPF અને આસામ રાઇફલ્સમાં ભરતીમાં અગ્નિપથ યોજના હેઠળ 4 વર્ષ પૂર્ણ કરનારા અગ્નિવીર માટે 10% ખાલી જગ્યાઓ અનામત રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ગૃહ મંત્રાલયે CAPF અને આસામ રાઈફલ્સમાં ભરતી માટે અગ્નિવીરોને નિર્ધારિત મહત્તમ પ્રવેશ વય મર્યાદામાં 3 વર્ષની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે અને અગ્નિપથ યોજનાની પ્રથમ બેચ માટે આ છૂટછાટ 5 વર્ષની રહેશે.
અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં થઈ રહેલા વિરોધ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે એટલે કે (શનિવારે) સેનાના ત્રણેય પાંખોના વડા સાથે બેઠક કરશે. મહત્વનું છે કે,આજે સવારે 11.30 કલાકે બોવલાવેલી બેઠકમાં અગ્નિપથ યોજના અને દેશમાં ચાલી રહેલા હોબાળાને લઈને ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગ્નિપથ મિલિટરી રિક્રુટમેન્ટ યોજનાના વિરોધમાં વેગ પકડવાને કારણે આર્મી, નેવી અને એર ફોર્સે શુક્રવારે આ નવા ‘ફોર્મેટ’ હેઠળ પસંદગી પ્રક્રિયાને આગામી સપ્તાહ સુધીમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સશસ્ત્ર દળોમાં જોડાવા ઈચ્છતા યુવાનોને તેમની તૈયારી શરૂ કરવા માટે અપીલ કરી હતી.