દિલ્હી : સેનામાં ભરતીની નવી પ્રક્રિયાને લઈને દેશના ઘણા ભાગોમાં યુવાનો વતી સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. યોજના અંગે કેટલીક અસ્પષ્ટતાં કહો કે અસમંજસના પગલે તોફાને ચઢેલા યુવાઓએ ટ્રેનો અને બસોને સળગાવી, પથ્થરમારો કર્યો અને રાજકારણીઓના નિવાસસ્થાનને નિશાન બનાવ્યા. બીજી તરફ કેન્દ્ર સરકાર અને સેના પાસેથી ‘અગ્નિપથ સ્કીમ’ પાછી ન ખેંચવાનો ઈરાદો વ્યક્ત કરીને તેના ફાયદા સમજાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે તે ભારતની કમનસીબી છે કે સારા હેતુ માટે કરવામાં આવતી વસ્તુઓ રાજકારણમાં અટવાઇ જાય છે.
તેમના તરફથી આ ટિપ્પણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી ભરતી યોજના અગ્નિપથનો ભારે વિરોધ થઈ રહ્યો છે. જો કે, વડાપ્રધાન મોદીએ આ યોજનાનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો અને તેમનું સમગ્ર ભાષણ દિલ્હી-એનસીઆરમાં તેમની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસ કાર્યો પર કેન્દ્રિત હતું.
નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું- “આપણા દેશની કમનસીબી છે કે સારા ઈરાદા સાથે લાવવામાં આવેલી ઘણી વસ્તુઓ રાજકારણના રંગમાં ફસાઈ જાય છે. ટીઆરપીની મજબૂરીને કારણે મીડિયા પણ તે વસ્તુઓમાં સામેલ થઈ જાય છે.”
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો હેતુ સશસ્ત્ર દળોમાં સાડા સિત્તેર વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોને ચાર વર્ષ સુધી લાવવાનો છે. પરંતુ આટલા ઓછા સમય માટે ભરતીના કારણે ભાજપને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેના વિરોધમાં ઘણા રાજ્યોમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, તેલંગાણા અને બિહારમાં ઉગ્ર પ્રદર્શનો જોવા મળી રહ્યા છે. વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ઘણી રાહતોની જાહેરાત કરવામાં આવી છે.