બેંગલોરઃ દેશમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ઘણા રાજ્યોમાં હિંસક પ્રદર્શન થયા છે અને આગચાંપીની ઘટના જોવા મળી છે. આ વચ્ચે બેંગલુરૂ પહોંચેલા પ્રધાનંમત્રી મોદીએ આ યોજનાનું નામ લઈ યુવાઓને મોટો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, તેમની સરકારે છેલ્લા આઠ વર્ષમાં સ્પેસ અને ડિફેન્સ સેક્ટરને યુવાઓ માટે ખોલી લીધા છે. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક સુધાર શરૂઆતમાં ખરાબ લાગે છે પરંતુ લાંબા ગાળે તેનાથી દેશને ફાયદો થાય છે.
મોદીએ સભાને સંબોધતાં જણાવ્યું હતું કે રીફોર્મનો માર્ગ જ આપણે નવા લક્ષ્યો તરફ લઈ જઈ સકે છે. અમે ડિફેન્સ અને સ્પેસ સેક્ટર યુવાઓ માટે ખોલી દીધા છે. જેમાં દાયકાઓ સુધી સરકારનો એકાધિકાર હતો. ડ્રોનથી લઈને દરેક બીજી ટેક્નોલોજીમાં અમે યુવાઓને કામ કરવાની તક આપી રહ્યાં છીએ. આજે અમે યુવાઓને કહી રહ્યાં છીએ કે સરકારે જે વર્લ્ડ ક્લાસ ટેક્નોલોજી બનાવી છે, ત્યાં યુવાઓ પોતાનો આઇડિયા આપે, પોતાના ઇનપુટ આપે.

પીએમ મોદીએ તે વાત પર પણ ભાર આપ્યો કે સંસ્થા સરકારીહોય કે ખાનગી, બંને દેશનું એસેટ છે, તેથી લેવલ પ્લેયિંગ ફીલ્ડ બધાને બરાબર મળવું જોઈએ. મોદીએ તે વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે છેલ્લા 8 વર્ષમાં 100થી વધુ બિલિયન ડોલરની કંપનીઓ ઉભી થઈ છે, જેમાં દર મહિને નવી નોકરીઓ જોડાઈ રહી છે. તેમના પ્રમાણે સ્ટાર્ટ અપની દુનિયામાં ભારત ઝડપથી કામ કરી રહ્યું છે અને અત્યાર સુધી હજારો કરોડનો કારોબાર કરી ચુક્યુ છે.
પીએમ મોદીના કર્ણાટક પ્રવાસની વાત કરવામાં આવે તો તેમણે 27000 કરોડ રૂપિયાની વિવિધ યોજનાને લીલી ઝંડી આપી છે. તેમણે બેંગલુરૂ રેલવે પરિયોજનાનો પાયો નાખ્યો તો બીજીતરફ બી આર આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સનું ઉદ્ઘાટન કર્યુ છે. આ તકે પીએમ મોદીએ કહ્યુ કે, બેંગલુરૂને જામથી મુક્તિ અપાવવા માટે રેલ, રોડ, મેટ્રો, અન્ડરપાસ, ફ્લાઈઓવર, દરેક સંભવ માધ્યમો પર ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે.