નવી દિલ્હી : અગ્નિપથ ભરતી યોજનાના વિરોધમાં રસ્તા પર ઉતરેલા યુવાનો સરકારી સંપતિ નહીં પોતાનું ભવિષ્ય સળગાવી રહ્યા છે. આંદોલનના ઓથે ઉપદ્રવ મચાવી રહેલા યુવાઓને ચેતવણી જાહેર કરતા એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ કહ્યુ કે તેમને ભવિષ્યમાં મોટુ નુકસાન થઈ શકે છે કેમ કે ભવિષ્યમાં પોલીસ વેરિફિકેશન ક્લિયર નહીં હોય તો નોકરી પણ મળશે નહીં. તેઓ જેના માટે બધુ કરી રહ્યા છે એને તોફાની માર્ગે ક્યારેય હાંસિલ કરી શકશે નહી.
એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ કહ્યુ, તેમને આ પ્રકારની હિંસક પ્રતિક્રિયાની આશા નહોતી. અમે આ પ્રકારની હિંસાની નિંદા કરીએ છીએ. આ સમાધાન નથી. છેલ્લો તબક્કો પોલીસ ચકાસણી છે. જો કોઈ આ પ્રદર્શનમાં સામેલ છે, તો તેમને પોલીસમાંથી મંજૂરી મળશે નહીં. સેના તો શુ કોઇ પણ સરકારી વિભાગ કે મોટી કોર્પોરેટ કંપનીઓ પોલીસ ક્લિયરન્સ માંગતી હોય છે. આવા સંજોગોમાં યુવાઓને કારકિર્દીમાં મોટું નૂકશાન થઇ શકે છે.
સરકારે શનિવારે ભાવિ અગ્નિવીરો માટે મોટુ એલાન કર્યુ. ગૃહ મંત્રાલય તરફથી અસમ રાઈફલ્સ અને સીએપીએફ ભરતીમાં 10 ટકા અનામત મળશે. ત્યાં રક્ષા મંત્રાલયે પણ પોતાના વિભાગમાં નોકરીઓ માટે 10 ટકા અનામત આપવાનુ એલાન કર્યુ છે. ભાવિ અગ્નિવીરો માટે રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યુ કે તેઓ રમત ગમત મંત્રાલયમાં યુવાનોને સામેલ કરવા માટે વિચાર કરી રહ્યા છે.
અગ્નિપથ યોજના વિરુદ્ધ વ્યાપક વિરોધની વચ્ચે સરકાર આગળ વધી રહી છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ દરમિયાન શનિવારે ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક કરી. સંરક્ષણ મંત્રીની સેના પ્રમુખો સાથેની આ બેઠક એટલે પણ ખાસ છે કેમ કે અત્યારે અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ સમગ્ર દેશના કેટલાક ભાગમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે.