ભગવાન જગન્નાથની ભવ્યાતિભવ્ય રથયાત્રા માટે પુરી બાદ અમદાવાદ જગવિખ્યાત છે. શુક્રવાર, અષાઢી બીજે યોજાનારી આ રથયાત્રામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુંઓ જોડાવાની શક્યતાને ધ્યાને રાખી તંત્ર દ્વારા તૈયારીઓ લગભગ પૂર્ણ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પરંપરિત વિધિ વિધાન અનુસાર નગરચર્યાએ નિકળનારા ભગવાન જગન્નાથના વધામણાં માટે અમદાવાદીઓનું મન મોર બનીને થનગાટ કરી રહ્યું છે. દર વખત કરતા આ વખતે ઉત્સાહ બમણો છે. કારણ કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ ભક્તોની ઉપસ્થિતિમાં નગર ચર્યાએ નીકળવાના છે. ત્યારે જગન્નાથ મંદિર ટ્રસ્ટ તરફથી રથયાત્રાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. સમગ્ર રથયાત્રામાં સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે. ત્રીનેત્ર કંટ્રોલ રૂમમાં સમગ્ર રાજ્યની રથયાત્રાના લાઈવ દ્રશ્યોનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારે અમદાવાદમાં નીકળનારી રથયાત્રાની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

રથયાત્રાના આગળના દિવસે 30 જૂને સવારે 8 કલાકે નેત્રોત્સવ વિધિ યોજાશે. નેત્રોત્સવ વિધિમાં સી.આર પાટિલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. સવારે 10 કલાકે ભગવાનને સોનાવેશનો શણગાર કરાશે. સવારે 10.30 કલાકે ગજરાજોની પૂજા થશે. ત્યારબાદ પરંપરા પ્રમાણે, ત્રણેય રથનું પુજન કરવામાં આવશે. સાંજે 6.30 વાગ્યે મુખ્યપ્રધાન મહંતને શુભેચ્છા પાઠવવા આવશે અને સાંજે 8 કલાકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરશે.
બીજા દિવસે 1 જુલાઈએ વાજતે-ગાજતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. સવારે 4 કલાકે મંગળા આરતી થશે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહપ્રધાન અમિત શાહ ભાગ લેશે. સવારે 4.30 કલાકે ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવાશે. સવારે 5.45 કલાકે ભગવાનને રથમાં પ્રસ્થાપિત કરાશે. સવારે 7.05 કલાકે સીએમના હસ્તે રથ ખેંચીને પહિંદ વિધિ કરાશે. ત્યારબાદ શહેરના પરંપરાગત રૂટ પર રથયાત્રા નીકળશે અને રાત્રે 8 કલાકે રથયાત્રા નીજ મંદિરે પરત ફરશે.
ઓરિસ્સાના જગન્નાથપુરી બાદ ભારતની સૌથી બીજી મોટી રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. આ વર્ષે ભારે ઉત્સાહ પૂર્વક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ 1.50 કરોડ જેટલો વીમો પણ ઉતરાવવામાં આવ્યો છે.

આ વર્ષે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. રથયાત્રા અગ્રભાગમાં 18 શણગારેલા ગાજરાજો, 101 ભારતીય સંસ્કૃતિના ઝાંખી કરાવતા ટ્રક, 30 અખાડા, 18 જેટલી ભજન મંડળી, ૩ બેન્ડવાજા આકર્ષણનું કેન્દ્ર રહેશે. 1 હજાર જેટલા ખલાસીઓ ભગવાનનો રથ ખેંચશે. રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા સહિતની ધાર્મિક નગરીઓમાંથી 2000થી વધુ સાધુ-સંતો હાજર રહેશે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી સમાજ નૃત્ય અને રાસ ગરબાનું પણ આયોજન કરાયું છે. થયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દર વર્ષની જેમ આમંત્રણ પાઠવામાં આવ્યું છે. પ્રસાદની વાત કરીએ તો 3 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ ઉપર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે.સાથે ભગવાન નગરચાર્ય નીકળે તે પહેલા ખીચડીનો પ્રસાદ પણ ધરવામાં આવશે.