*બુલેટ ટ્રેનના રુટમાં કુલ 12 સ્ટેશન હશે. જેમાં 8 સ્ટેશન ગુજરાતમાં હશે અને 4 સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે.
મુંબઈ : અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને વધુ ઝડપ મળવા જઈ રહી છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે આજે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનને બધા પ્રકારની જરુરી મંજૂરીઓ આપી દીધી છે. કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અંગે જાણકારી આપી હતી. મોદી સરકારના અતિ મહત્વના એવા આ પ્રોજેક્ટમાં ઠાકરે સરકારે ઘણાં રોડાં નાંખ્યા હતાં. મહારાષ્ટ્રમાં જમીન સંપાદન કરવા મુદ્દે ભારે આડોડાઇ સાથે કાનૂની ગૂંચ પણ ઉભી કરવામાં આવી હતી. જો કે મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન સાથે જ હવે બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ સ્પીડ પકડી રહ્યો છે.
બુલેટ ટ્રેન આવતા વર્ષે એટલે કે 2023માં ચાલુ થવાની હતી પરંતુ મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણની ધીમી ગતિના કારણે ઘણો સમય વિતી ગયો છે. આટલું જ નહી પરંતુ કોરોના મહામારીના કારણે પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. અત્યાર સુધીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રની ફક્ત 20 ટકા જમીન અધિગ્રહણની કામગીરી થઈ છે. ગત દિવસોમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકાર બુલેટ ટ્રેન માટે જમીન અધિગ્રહણની કામગીરીમાં રસ નહોતી લઈ રહી.
હવે મહરાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના, કોંગ્રેસ અને એનસીપી સરકાર પડી ગઈ છે. સત્તા પરિવર્તન બાદથી જ આ અટકળો લગાવામાં આવી રહી હતી કે હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ગતિ વધશે. અમદાવાદ થી મુંબઈ સુધી 508 કિલોમીટરની બુલેટ ટ્રેન ચાલુ કરવા માટે હાલ બંને રાજ્યોમાં કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુલેટ ટ્રેનના રુટમાં કુલ 12 સ્ટેશન હશે. જેમાં 8 સ્ટેશન ગુજરાતમાં હશે અને 4 સ્ટેશન મહારાષ્ટ્રમાં હશે. સાબરમતી સ્ટેશનથી વાપી સુધી કુલ 352 કિલોમીટરનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ગુજરાતમાં હશે. આ સેક્શનમાં 61 કિલોમીટરમાં બુલેટ ટ્રેનના પિલર ઉભા થઈ ગયા છે અને 170 કિલોમીટરના રુટનું કામ હાલ ચાલી રહ્યું છે.