યુવાધનને ડ્રગ્સથી બચાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા વિશેષ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડ્રગ્સ રેકેટને નેસ્ત નાબૂદ કરવા ડીલર અને પેડલરનું નેટવર્ક તોડવામાં આવી રહ્યું છે. બીજી તરફ નશીલા પદાર્થોનું સેવન કરનારાઓ પ્રત્યે પણ કડકાઇ દાખવવામાં આવી રહી છે. આ દિશામાં એક ડગલું આગળ વધતાં અમદાવાદ શહેર એસઓજી દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યોસછે. દારુનું સેવન કરનારાઓને એક ફૂંક દ્વારા ઓળખી લેવામાં આવે છે એ જ તરાહે હવે ડ્રગ્સ લેનારાઓને પકડવા માટે ખાસ ડિવાઈઝનો ઉપયોગ કરવામાં આવનાર છે. ઉલ્લેખની છે કે, આ ડિવાઇસનો ઉપયોગ સૌ પ્રથમ વખત વડોદરા ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાના કાર્યકાળ દરમિયાન ઉપોયગમાં લેવાયો હતો અને તે સમયે ડ્રગ્સનુ સેવન કરનાર અનેકને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આગામી દિવસોમાં રથયાત્રા યોજાનાર છે. જે દરમિયાન નાર્કોટીક્સ ડ્રગ્સનું સેવન કરતા ઈસમોને પકડવા માટે અમદાવાદ શહેર SOG સજ્જ બની છે. અમદાવાદ શહેર SOG દ્વારા આગામી રથયાત્રા દરમ્યાન નાર્કોટીક્સ ડ્રગ્સનું સેવન કરતા ઇસમોને પકડવા માટે “Multi- Drug Multi-Line Twist Screen Test Device” નો પ્રથમવાર પ્રયોગ કરવામાં આવનાર છે. તમને જણાવી દઈએ કે આ ડિવાઈઝની મદદથી ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિને ઝડપથી પકડી શકાશે. આ ડિવાઈઝમાં ટેસ્ટનું પરિણામ તરત મળી જશે. જેથી કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું હશે તો તે ટેસ્ટ દરમિયાન જ પકડાઈ જશે.
આ અંગે તાજેતરમાં અમદાવાદ શહેર SOG દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી રથયાત્રા દરમ્યાન નાર્કોટીક્સ ડ્રગ્સનું સેવન કરતા ઇસમોને પકડવા માટે “Multi- Drug Multi-Line Twist Screen Test Device” નો પ્રથમવાર પ્રયોગ કરતી અમદાવાદ શહેર SOG.
મહત્વનું છે કે ગુજરાતમાં નશીલા પદાર્થોનું દુષણ દૂર કરવા માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધી ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહીનું પ્રમાણ ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતું. જો કે હવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ આવા ડ્રગ્સ પેડલરો સામે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે હવે અમદાવાદ શહેર SOG એ પણ ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે. જેના ભાગ રૂપે “Multi- Drug Multi-Line Twist Screen Test Device” નો અમદાવાદ શહેર SOG દ્વારા પ્રયોગ કરવામાં આવનાર છે.