અમદાવાદના વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાંથી માનવ અંગો મળવાની દહેશત ઉભી કરનારી ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. વેબ સિરિઝ અસૂર જેવી આ ઘટનામાં પોલીસે નિલેશ જોષી નામના આધેડની ધરપકડ કરી છે. આ આધેડે નશેડી પૂત્રના ત્રાસમાંથી મુક્તિ મેળવવા માટે આ હત્યાકાંડ આચર્યો હોવાનું બહાર આવ્યું હતું. 1
8મી તારીખે નશો કરેલી આવેલા પૂત્રએ વધું પૈસા માંગી ઘરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં તેણે પાવડો ઉપાડી હુમલો કરતાં પિતાએ જીવ બચાવવા માટે તેની ઉપર વળતો હુમલો કરતાં તેના રામ રમી ગયા હતાં. જો કે ત્યારબાદ પિતાએ લાશ ઠેકાણે લગાવવા ઠંડે કેલેજે ટૂકડાં કર્યા અને એક્ટિવા ઉપર લઇ જઇ જુદા જુદા વિસ્તારમાં ફેંક્યા એ બાબત અઠંગ ગુનેગારને શરમાવે એવી હતી.

મળતી માહિતી અનુસાર 20મી જુલાઇએ વાસણમાં અયપ્પા મંદિર સામે સોરાઇનગર જવાના રસ્તે મેદાનમાંથી અજાણ્યા પુરુષનું ધડ મળ્યું હતું. ત્યારપછી બે દિવસ બાદ એટલે કે 22મી જુલાઇના રોજ એલિસબ્રિજ વિસ્તારમાં જુના શારદા મંદિર ડોક્ટર હાઉસ સામે આવેલી ગલીમાંથી પુરુષના બે પગ મળી આવ્યા હતાં. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી માનવ અંગ મળવાની આ ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફોરેન્સિક નિષ્ણાંતોની મદદથી તપાસ આરંભી હતી. જેમાં આ અંગે એક જ પુરુષના હોવાનું બહાર આવ્યું હતું.

માનવ અંગે મળ્યા એ વિસ્તારમાંથી સીસી કેમેરા ફૂટેજ લેવા સાથે મોબાઇલ ડેટા અને ટેકનીકલ સર્વેલન્સથી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કવાયતમાં પોલીસને જે માહિતી મળી એના આધારે માનવ અંગે મળ્યા એ બંને સ્થળે હાજર હોય એવા એક શખ્સને શકમંદ તરીકે અલગ તારવ્યો હતો. આ શખ્સનું નામ હતું, નિલેશ જયંતિલાલ જોષી. પોલીસે તેના ઘરે તપાસ કરી તો ઘરના ગરવાજે તાળુ લટકતું હતું. નિલેશનું પગેરુ દાબતાં એવું માહિતી મળી કે તે 22મી તારીખે અમદાવાદ એસટી સ્ટેન્ડ પરથી તે સુરત ગયો હતો. સુરત રેલવે સ્ટેશને કરાયેલી તપાસમાં તે મોડી રાતે અવધ એક્સપ્રેસમાં બેઠો હોવાનું બહાર આવ્યું હતું.
આ માહિતી મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરપીએફનો સંપર્ક સાધ્યો હતો. જેમાં નિલેશ જોષીને રાજસ્થાનમાં સવાઇ માધવપુર જિલ્લાના ગંગાપુર રેલવે સ્ટેશને દબોચી લેવાયો હતો. ગંગાપુરમાં ટ્રેનમાંથી ઉતારી અમદાવાદ લવાયેલા નિલેશ જોષીએ હત્યાની કબૂલાત કરી હતી. જો કે નિલેશે જેની હત્યા કરી એ વ્યક્તિ સાથે તેનો સંબંધ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેની હત્યા કરાઇ એનું ના સ્વયંમ હતું. 21 વર્ષનો સ્વયમ કોઇ ઓર નહીં પરંતુ હત્યારા નિલેશનો સગો દિકરો હતો.

નિલેશે પોલીસને જણાવ્યું હતું કે તેઓ છ વર્ષથી એકલા રહેતા હતાં. દિકરા સ્વયંમને દારુ પીવા તથા માદક પદાર્થોનો નશો કરવાની ટેવ હતી. આ લત માટે પૈસા મેળવવા તે અવાર નવાર ઘરમાં તોફાન અને ઝઘડા કરતો હતો. નશાખોર પૂત્રથી તે કંટાળી ગયા હતાં. દરમિયાનમાં 18મી તારીખે વહેલી સવારે આશરે પાંચેક વાગ્યે સ્વયંમ નશો કરેલી હાલતમાં આવ્યો હતો. તેણે વધું પૈસા માંગી ઝઘડો કર્યો હતો. તે ગાળા ગાળી સાથે ઘરમાં તોડફોડ કરવા માંડ્યો હતો. સામાન આમ તેમ ફેંકવા સાથે તેણે કબાટનો કાચ પણ તોડી નાંખ્યો હતો. સ્વયંમ આટલેથી અટકયો ન હતો, તેને નિલેશ જોષીને ધક્કો મારી પાડી દીધા અને ઘરના ખૂણામાં પડેલા પાવડાનો હાથો લાવી મારવા માટે ઉગામ્યો હતો. એ સમયે પિતા નિલેષે પગથી ધક્કો મારતાં નશામાં ધૂત પૂત્ર પલંગ ઉપર પડ્યો હતો. ખૂબ ગુસ્સે ભરાયેલા અને કેટલેક અંશે ડરેલા પિતાની જનર પથ્થરની ખાંડણી ઉપર પડી હતી. આ ખાંડણી ઉપાડી તેણે માથામાં મારતાં પૂત્રના રામ રમી ગયા હતાં. આટલો બનાવ ગુસ્સો, સ્વબચાવ કે એક્શનના રિએક્શનનો કહી શકાય એવો હતો.

પરંતુ પૂત્રની હત્યા બાદ નિલેશ જોષીએ જે કર્યું એ કોઇ અત્યંત રીઢા ગુનેગારને પણ શરમાવે એવું હતું. નિલેશ જોષીએ પૂત્રની લાશ ઠેકાણે પાડવા માટે તેના ટૂકડા કરવાનું નક્કી કર્યું. આ માટે તેઓ કાલુપુર બજારમાં ગયા અને ઇલેક્ટ્રીક ગ્રાઇન્ડર ખરીદ્યું હતું. ત્યાંથી પ્લાસ્ટિક બજારમાં ગયા અને લાશના ટૂકડા ભરવા પ્લાસ્ટિકની કાળી મોટી થેલીઓ ખરીદી હતી. આ સામાન લઇ ઘરે આવ્યા બાદ નિલેષ જોષી પૂત્રની લાશને રસોડામાં ધસડી ગયા હતાં. અહીં તેના ટૂકડા કરવામાં આવ્યા. જે પ્લાસ્ટિકની બેગમાં ભરી પહેલા માળેથી નીચે લાવ્યા હતાં. પૂત્રના શરીરના ટૂકડા ભરેલો કોથળો તેમણે એક્ટિવા ઉપર મૂક્યો અને વાસણા ફેંક્યો હતો. આવી જ રીતે બીજો કોથલો એલિસબ્રિજ વિસ્તારમાં ફેંકી આવ્યા હતાં.