દારૂબંધી ગુજરાત પોલીસ માટે ટ્રમ્પકાર્ડ કહેવાય છે. દારુની હેરાફેરીથી વેચાણ બધુ જ પોલીસ સાથે વ્યવહાર રાખવાથી શક્ય, આસાન બને છે. બૂટલેગરોની કૃપાથી સંતોષી ન હોય એવા પોલીસકર્મીઓ સીધી રીતે આ ગોરખધંધામાં ઇન્વોલ થઇ જતાં હોય છે. હેરાફેરીમાં પાયલોટિંગ, પેટી ઉપર કમિશન, ધંધામાં રોકાણ વિગેરે પોલીસ માટે નવી વાત નથી. ઘણાં પોલીસકર્મીઓને બૂટલેગર સાથે ઘર સુધીના સંબંધો જોવા મળે છે. ખૂદ ગૃહ મંત્રીના હોમટાઉનમાં લીંબાયત, પૂણા, પાંડેસરા, સચિન જીઆઇડી, સચિન, અમરોલી એવા પોલીસ મથકો છે કે જ્યાં આ બદીને ખુલ્લેઆમ પોષવામાં આવી રહી છે. લીંબાયત-ઉધનામાં તો સ્ટેટ મોનેટરિંગ સેલ મહિને પાંચ-સાત કેસ કરતી હોવા છતાં ત્યાં દારુના અડ્ડાઓ બંધ થતાં જ નથી. દારુના ગોરખધંધામાં પોલીસ કેટલે સુધી ઇન્વોલ છે એનો વધું એક વખત પર્દાફાશ બનાસકાંઠાથી થયો છે.
બનાસકાંઠા પાંથાવાડાના વાઘોર ચાર રસ્તા પાસેથી CID ક્રાઈમની સરકારી ગાડીમાંથી દારૂ પકડાયો હતો. ગાડીના ચાલક પોલીસકર્મી સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. જે ગાડીમાંથી દારુની હેરાફેરી ઝડપાઇ એ ડીવાયએસપીને ફાળવવામાં આવી હતી. જો કે એવું કહેવાય રહ્યું છે કે ઈન્ચાર્જ DYSPને અંધારામાં રાખી તેમની ગાડીનો ઉપયોગ કરી આ કોન્સટેબલ ગોરખધંધો કરતો હતો. ગાડીમાંથી 294 બોટલ વિદેશી દારૂ પકડાયો હતો. પોલીસે સ્થળ પરથી 1.25 લાખનો દારૂ જપ્ત કર્યો છે. CID ક્રાઈમના ઈન્ચાર્જ ડીવાયએસપી રજા પર હતા અને સરકારી ગાડીને લઈ ડ્રાઈવર રાજસ્થાન ગયો હતો. જ્યારે રાજસ્થાનથી ગુજરાત દારુ લાવવામાં આવી રહ્યો હતો.
આ ઘટનામાં પોલીસ દ્વારા ઢાકપીંછાડો કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. પરંતુ કોઇ કારણોસર મિડીયામાં આવી જતા બે દિવસ બાદ પોલ ખોલી હતી. બે દિવસ બાદ પોલીસે આ મામલે પ્રેસ નોટ જાહેર કરી રહી. પ્રેસ નોટમાં લખવામાં આવ્યુ છે કે સીઆઇડી ક્રાઈમના ઈન્ચાર્જ ડીવાયએસપી રજા પર હતા. અને તેમની જાણ બહાર તેમનો ડ્રાઇવર વિષ્ણુ ચૌધરી, જયેશ ચૌધરી સાથે રાજસ્થાન આવ્યો હતો.ત્યારે 17 પેટી દારૂ રાજસ્થાનથી ભરીને ગુજરાત લઇ જતો હતો. તે દરમ્યાન પાંથાવાડાના વાઘોર ચાર રસ્તા આ બન્નેને ઝડપી પાડ્યા હતા અને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને અમદાવાદ તપાસ માટે પણ લઇ જવાયા હતા. પોલીસની આબરુના ધજાગરા ઉડ્યા હોવાથી પોલીસે આ ક્વોલીટી કેસમાં કામગીરીની વાહવાહી લૂંટવાનું ટાળ્યું હતું. આ એવો કેસ થયો કે કાર્યવાહી બાદ પણ પોલીસે મોં સંતાડવું પડ્યું.