શાળાઓ, સરકારી કચેરીઓ સહિકના જાહેર સ્થળોએ ફાયર NOCનો મુદ્દો હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. આ મામલે સરકાર ચોમેરથી ભીંસમાં મૂકાઇ હોવાથી હવે ફૂંકી ફૂંકીને પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ દિશામાં સમયસૂચકતાં કહો કે તકેદારી દાખવતાં સરકારે તમામ શાળાઓને 30 જૂન સુધીમાં ફાયર NOC મેળવી લેવા શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે. શિક્ષણ બોર્ડે તમામ DEOને પરિપત્ર દ્વારા સૂચના આપી છે. DEOની શાળાઓને NOC મેળવી બીટ નિરીક્ષણને જાણ કરવા સૂચના અપાઇ છે. NOC વિનાની શાળા સામે જો કાર્યવાહી થશે તો જવાબદારી સંચાલકોની રહેશે તેમ પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
આગની ઘટનાઓ થતાં મોત અંગે હાઇકોર્ટમાં પિટિશીન દાખલ કરાઇ છે. મોટાભાગની આગની ઘટનાઓ ફાયર સેફ્ટીના સાધનોના અભાવે જીવલેણ બનતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. કોર્ટે આ મામલે સરકાર પાસે સ્પષ્ટતાં અને સરકારી કચેરીઓ સહિત જાહેર સ્થળોએ , કોમર્શીયલ બિલ્ડીંગ્સમાં ફાયર સેફ્ટી અંગે અહેવાલ માંગ્યો છે. બીજી બાજુ, અન્ય એક પિટિશન સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કોલેજો પાસે ફાયર NOC મુદ્દે માહિતી માગી છે. જેને લઇ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દોડધામ મચી છે.
હાઈકોર્ટના આદેશ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ સંલગ્ન કૉલેજ પાસેથી NOCની માહિતી માગી છે. હાઈકોર્ટમાં માહિતી રજૂ કરવાની તારીખ પૂર્ણ થવાના આરે છે. જેથી યુનિવર્સિટીમાં દોડધામ મચી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ફાયર NOCને લઈને યુનિવર્સિટી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં આગામી 14 જૂન સુધીમાં યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોને ફાયર NOCની વિગતો મોકલવા આદેશ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોએ ફાયર NOCની માહિતી આપવાની રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હાસ્પિટલોમાં પણ ફાયર NOC મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટના નિર્દેશ બાદ કડક વલણ અપનાવ્યું છે. શાળા-કોલેજોના બિલ્ડિંગોમાં ફાયરની વ્યવસ્થા છે કે કેમ? અને ફાયર એનઓસી લીધી છે કે કેમ? તેની તપાસ કરવાનો અધિકારીઓને આદેશ આપ્યો હતો. આથી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નાયબ કુલસચિવ એ.એસ.પારેખ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે, ‘જે કોલજો પાસે NOC નથી તેવી કોલેજો કેટલાં સમયમાં NOC મેળવશે તેનું એફિડેવિટ આપવાનું રહેશે. દરેક કોલેજોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરીને માહિતી આપવાની રહેશે.’