કોલંબો, 13 જુલાઈ…
શ્રીલંકાની સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ નિવાસમાં ઘૂસ્યા બાદ હવે સરકારી પ્રસાર માધ્યમોને ટાર્ગેટ કરી રહયા છે. પ્રદર્શન કારીઓએ સરકારી ન્યૂઝ ચેનલ ઉપર કબજો જમાવવા સાથે દેશને સંબોધન પણ કર્યું હતું, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા ત્યાર બાદ શ્રીલંકાની જનતાએ સંસદ અને પીએમ હાઉસ પર આક્રમણ કર્યું છે. તેમના પર લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ શ્રીલંકામાં ઈમરજન્સીની જાહેરાત કરવી પડી છે. સાથે જ તોફાન કરી રહેલા લોકોની ધરપકડ કરીને તેમના વાહનો જપ્ત કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ શ્રીલંકામાં જનઆક્રોશ ચરમસીમા પર છે. આજે પીએમ આવાસ અને સંસદ ભવન ઘેર્યા બાદ હવે ઉગ્ર ભીડ સરકારી ન્યૂઝ ચેનલના ઓફિસમાં ઘુસી ગઈ હતી. એટલું જ નહીં એક પ્રદર્શનકારી ત્યાં ન્યૂઝ એન્કરની જગ્યાયે આવીને બેસી ગયો અને લાઈવ આવીને બોલવા લાગ્યો હતો. ત્યારબાદ ટીવી ચેનલનું પ્રસારણ બંધ કરવું પડ્યું હતું.
રાષ્ટ્રપતિ ગોટબાયા દેશ છોડીને માલદીવ ભાગી ગયા છે ત્યારબાદ શ્રીલંકાની જનતા રસ્તા પર ઉતરી આવી છે. સંસદ ભવન અને પીએમ હાઉસમાં ઘુસવા પર પોલીસે ભીડને રોકવાનો પ્રયત્ન કર્યો તો હંગામો મચી ગયો હતો. પ્રદર્શનકારીઓને ડરાવવા અને ભગાવવા માટે હવામાં 10-12 રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યું પરંતુ તેની જનતા પર કોઈ અસર નહીં થઈ.
**શ્રીલંકા સંકટ અંગે મહત્વની માહિતી
- શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે મોડી રાત્રે દેશ છોડીને ભાગી ગયા હતા. તેઓ મિલિટ્રી પ્લેન દ્વારા માલદીવ પહોંચી ગયા છે. તેઓ પોતાની પત્ની અને વધુ લગભગ 10 નજીકના લોકોને લઈને ત્યાં પહોંચ્યા છે. ત્યાંથી રાજપક્ષે દુબઈ જઈ શકે છે. ગોટાબાટાએ હજુ સુધી રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામુ નથી આપ્યું. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેઓ દુબઈથી આગળ જ્યાં જવા માગે છે ત્યાં પહોંચીને રાજીનામુ આપશે.
- ગોટાબાયા રાજીનામુ આપ્યા વગર માલદીવ ભાગી ગયા છે. તેથી પ્રદર્શનકારીઓ વધુ નારાજ છે. કારણ કે, તેનાથી નવી સરકારના ગઠનનું કામ અટકી ગયું છે.
- ગોટાબાયા ભાગી જવાથી નારાજ પ્રદર્શનકારીઓએ આજે સંસદ ભવન અને પીએમ હાઉસ તરફ આક્રમણ કર્યું હતું. હજારો પ્રદર્શનકારીઓને સંસદ ભવનથી થોડે દૂર સુરક્ષાકર્મીઓએ અટકાવ્યા હતા. પરંતુ વિરોધીઓ સુરક્ષા કોર્ડન તોડીને પીએમ હાઉસમાં ઘૂસી ગયા હતા. આ લોકો પીએમ રાનિલ વિક્રમસિંઘેના રાજીનામાની પણ માંગ કરી રહ્યા હતા. રાનિલ વિક્રમસિંઘેના ખાનગી આવાસને વિરોધીઓ દ્વારા પહેલા જ સળગાવી દેવામાં આવ્યું હતું.