સુરત : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમના હોમટાઉનની પોલીસ ઉપર વારી ગયા છે. સુરત પોલીસના વખાણ કરતાં તેઓ થાકતાં નથી. લાખોના ઇનામો જાહેર કરી પોલીસની પીઠ થાબડવા સાથે પોતાની વાહવાહી પણ કરાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ આ જ પોલીસની કેટલીક એવી કરતૂતો પણ બહાર આવી રહી છે કે જે ખરેખર નાલેશીજનક છે. પૂણામાં પરિવાર સાથે જતાં વેપારીને આંતરી, ધમકાવી પૈસા પડાવનારા આવા જ એક પોલીસકર્મી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે એ તોડબાજની ધરપકડ કરી ત્યારે તે સસ્પેન્ડ હોવાનું બહાર આવ્યું છે.

સુરતના લસકાણાના મહીડા નગર સોસાયટીમાં સાંઇનાથ મસાલા નામે દુકાન ધરાવતા રાજેશ બાવચંદ જાસોલીયા એક અઠવાડિયા અગાઉ પત્ની સાથે સાથે પુણાની અર્ચના સ્કૂલ નજીક અક્ષરદીપ ક્લિનીકમાં ડોક્ટર પાસે ગયા હતા. જયાંથી ઘરનો સરસામાન ખરીદી પોતાની સેલેરીયો કારમાં પરત ઘરે જઇ રહ્યા હતા. તે દરમ્યાન પતિ-પત્ની પુણા કેનાલ રોડ પર રંગ અવધૂત સોસાયટી ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે સફેદ કલરની કેયુવી 100 કારે ફિલ્મી સ્ટાઇલમાં રાજેશની કારની આગળ આડશ કરી ઉભી રાખી હતી. જેથી મસાલાના વેપારી થોડા સમય માટે ગભરાયા હતા અને કારમાંથી એક વ્યક્તિ બહાર આવી ગમે તેમ વાત કરી હતી. પોતે પોલીસ છે તેવી ઓળખ આપી રાજેશને ઇશારાથી પોતાની પાસે બોલાવી ચાલ ફટાફટ ગાડીમાં બેસી જા, હું પોલીસ વાળો છું એમ કહી પોતાની કારમાં બેસાડયો હતો.

આ પોલીસ જવાન પાસે રાજેશે આઇ કાર્ડની માંગણી કરતા કારમાં આગળ પાછળ પોલીસની પ્લેટ મુકેલી છે તે દેખાતી નથી એમ કહી ગાડીમાં આટલો સામાન ભરવાની પરમીનશ કોણ આપી, ચાલ પોલીસ સ્ટેશન લઇ લે, તારી ગાડી જમા કરી નાંખીશ એવી ધમકી આપી વાતોમાં ભોળવીને તારે 9 હજાર આપવા પડશે તેમ કહી ને 9 હજાર પડાવી લીધા હતા. ત્યાર બાદ ચાલ ફટાફટ નીકળી જા, આજ પછી ગાડીમાં માલ ભરતો નહીં એમ કહી ભાગી ગયો હતો. પણ રાજેશે એક સારું કામ કર્યું કે, જે પોલીસની કાર હતી તે કારનો નંબર જીજે-5 આરજી-0692 નંબર જોઇ લીધો હતો. જેના આધારે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પૂણા પોલીસે નકલી પોલીસ પૈસા પડાવી ગયાની આશંકા સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે આ તોડકાંડમાં જે શખ્સ પકડાયો તે ખરેખર પોલીસવાળો હતો. અલબત્તે તે હાલ સસ્પેન્ડ છે. પોલીસના સ્વાંગમાં તોડ કરનાર પ્રકાશ રોહીદાસ પાટીલ નામના સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે.

મહત્વનું છે કે, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ પ્રકાશ પાટીલ અગાઉ પણ જેલના સળીયા ગણી ચુક્યો છે. મસાલા વેપારીની કારને ફિલ્મી સ્ટાઇલમાં આંતરી ગાડીમાં સામાન ભરવાની પરમીશન કોણ આપી છે, કાર કબ્જે લેવાની ધમકી આપી 9 હજાર પડાવનાર સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ પ્રકાશ પાટીલે દોઢ મહિના અગાઉ દિલ્લી ગેટ ખાતે કારને આંતરી પોલીસના સ્વાંગમાં તોડ કર્યો હતો. આ ઉપરાંત વર્ષ 2001માં તેના વિરૂધ્ધ પુણા પોલીસમાં ખંડણીનો ગુનો નોંધાય ચુકયો છે. હાલમાં પ્રકાશ પાટીલ સસ્પેન્ડ છે અને અન્ય ગુના પણ કર્યા હોવાની શકયતા છે. તે બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.