કાપડની ઠગાઇના કેસમાં સબાલતપુરા પોલીસ દ્વારા લવાયેલા વૃધ્ધ ન્યાયાલયમાં ચોથા માળેથી મોતની છલાંગ લગાવતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઘટના સાથે જ કોર્ટ સંકુલમાં સલાબતપુરામાં પોલીસની આ કેસમાં નીતિરિતી તથા કાર્યવાહીની પદ્ધતિ સામે ગંભીર કહો કે સંગીન આક્ષેપો થયા હતાં. પોલીસ મથકથી માત્ર 500 મીટના અંતરે જ રહેતા આ વૃદ્ધને સલાબતપુરા પોલીસે ત્રણ દિવસની ઇલીગલ કસ્ટડીમાં રાખ્યા બાદ રવિવારે કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, રિમાન્ડ બાદ કોર્ટમાં રજૂ કરાયેલા આ વૃદ્ધને પોલીસ દ્વારા નવો ગુનો દાખલ કરવાની ધમકી પણ મળી હતી, જેનાથી ગભરાયેલા આ વૃદ્ધે ફાસ્ટટ્રેક કોર્ટના ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ઘટના સાથે સલાબતપુરા પોલીસ વધું એક વખત વિવાદમાં સપડાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ સલાબતપુરા પોલીસ મથકની બાજુમાં સિધ્ધિ શેરીમાં રહેતા કાપડ દલાલ ભરતકુમાર જયકિશનદાસ ટાલીયા (ઉ.વ.65)ની સામે ગત તા. 7મી જૂલાઇ-2022ના રોજ રૂા.15.19 લાખની કાપડની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ મુજબ પિયુષ ડાયાભાઇ બારડોલીવાલાએ ખુશાલ ઇમ્પેક્ષના માલિક ગિરીશ ગુલાબસિંહ પારેખને કાપડનો માલ ઉધાર વેચાણ કર્યો હતો, જેમાં દલાલ તરીકે ભરતકુમાર હતા. પરંતુ ગિરીશે રૂપિયા નહીં આપતા ગીરીશ અને ભરતકુમારની સામે ઠગાઇનો ગુનો નોંધાયો હતો.
આ ફરિયાદ દાખલ થતાની સાથે જ સલાબતપુરા પોલીસના સ્ટાફે 7 તારીખે રાત્રે 12 વાગ્યે જ ભરતકુમારની તેના ઘરેથી અટકાયત કરી લીધી હતી. ભરતકુમારને ત્રણ દિવસ સુધી ઇલલીગલ કસ્ટડીમાં રાખ્યા બાદ રવિવારે તા. 10મી જૂલાઇના રોજ ધરપકડ બતાવીને તેઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા હતા. મંગળવારે ભરતકુમારના રિમાન્ડ પુરા થતા તેને ફરીવાર કોર્ટમાં રજૂ કરીને જેલવોરંટ ભરી જેલમાં મોકલવાની તજવીજ શરૂ કરાઇ હતી.
તે દરમિયાન સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં ભરતકુમારે ફાસ્ટટ્રેક કોર્ટ બિલ્ડીંગના ચોથા માળેથી વચ્ચેના પેસેજમાંથી નીચે ઝંપલાવ્યું હતું. જમીન ઉપર પટકાતા ભરતકુમારને છાતીના ભાગે તેમજ માથાના ભાગે ઇજા થઇ હતી. આ અંગે કોર્ટ સ્ટાફે તાત્કાલીક 108 મારફતે ભરતકુમારને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલાવ્યા હતા. પરંતુ ભરતકુમારને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઉમરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

**પોલીસ મથકમાં જ ચોથો ગુનો દાખલ કરવાની ધમકી મળતાં ખૂબ ગભરાઇ ગયા હતાં..
મૃતક ભરતકુમારના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે પોલીસે ભરતકુમારની તા. 7મી જૂલાઇએ અટકાયત કરીને પોલીસ મથકે લઇ ગયા હતા. હાલમાં ભરતકુમારની સામે ત્રીજી ફરિયાદ નોંધાઇ હતી. ભૂતકાળમાં એક ગુનામાં ભરતભાઇને જામીન મળ્યા અને તેઓ જેલમુક્ત થયા ત્યારે તરંત જ પોલીસે તેની સામે વધુ એક ગુનો નોંધીને લાજપોર જેલના ગેટ ઉપરથી જ તેની ધરપકડ કરી હતી, અને તે ગુનામાં પણ ભરતભાઇ જામીન મુક્ત થયા હતા. ત્યારે હવે ભરતકુમારની સામે વધુ એક ગુનો નોંધવાની ધમકી આપીને તેઓને માનસિક હેરાન કરાયા હતા. આજે ભરતકુમારને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે જ તેઓ ખુબ જ ડિપ્રેશનમાં હોવાનું તેમના પરિવારજનોએ કહ્યું હતું. ભરતભાઇની ફક્ત મધ્યસ્થી હોવા છતાં તેઓને આરોપી તરીકે દબાણ આપવામાં આવતું હોવાને લઇને તેઓએ આત્મહત્યા કરી હોવાના આક્ષેપો કરાઇ રહ્યા છે.