શિવસેનામાં શરુ થયેલો મહાસંગ્રામ સમાપ્ત થવાનું નામ લઇ રહ્યો નથી. રોજબરોજ કંઇક એવું થઇ રહ્યું છે કે ઠાકરેની ચિંતા અને મુશ્કેલીમાં વધારો થાય. આ કડીમાં આગળના ઘટનાક્રમમાં પાર્ટીના વધુ એક નેતાએ શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે. શિવસેનાના નેતા રામદાસ કદમે શિવસેનામાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના જૂથમાં કદાવર નેતા તરીકે જાણીતા હતા.
રામદાસ કદમે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટા પાયે નવા પદાધિકારીઓની નિમણૂક હાથ ધરી છે. તેમણે મુંબઈ, પાલઘર, યવતમાલ, અમરાવતી સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં 100 થી વધુ પદાધિકારીઓની નિમણૂક કરી છે. આ દરમિયાન ડેપ્યુટી ડિપાર્ટમેન્ટ હેડ અને બ્રાન્ચ હેડની જગ્યાઓ પર મોટી સંખ્યામાં નવા ચહેરા લાવવામાં આવ્યા છે. પાર્ટીએ તેના મુખપત્ર સામનામાં નવી નિમણૂંકોની જાહેરાત કરી છે. રામદાસ કદમ ભાજપ-શિવસેના સરકારમાં મંત્રી ઉપરાંત મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. મહારાષ્ટ્રની રાજનિતીમાં તેમની સારી પકડ છે. તેમના દિકરો યોગેશ કદમ દાપોલીથી ધારાસભ્ય છે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવસેનાના અન્ય 14 ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ છે. આ અરજીમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ દ્વારા શરૂ કરવામાં આવેલી ગેરલાયકાતની કાર્યવાહીને પડકારવામાં આવી છે.
ચીફ જસ્ટિસ એન વેંકટ રમનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ બુધવાર, 20 જુલાઈના રોજ અરજીઓ પર સુનાવણી કરશે. બેંચમાં જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલી પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટ તે દિવસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પણ સુનાવણી કરશે, જેમાં એકનાથ શિંદે જૂથ દ્વારા શિવસેનાના મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરાયેલા વ્હીપને માન્યતા આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે.