સુરત : કડોદરા નગરના નામી વેપારી સાથે ચિટિંગના કેસમાં પખવાડિયું જેલવાસ ભોગવનાર સોનપાલ ફરી વિવાદમાં ફસાયા છે. સોનપાલે કોર્ટે મૂકેલી શરતોનું પાલન નહીં કરતાં તેના જામીન રદ કરવા માટે અરજી કરવામાં આવી છે. સોનપાલનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે, તેઓ સામે ચારેક પોલીસ કેસ થયાનું પણ જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર કડોદરા નગર ખાતે અંબિકા જનરલ સ્ટોર્સ નામની હોલસેલમાં ચીજવસ્તુઓ દુકાન ચલાવતા જીજ્ઞેશભાઈ સનમુખભાઈ મોદીના પિતા સનમુખભાઈ નાનુભાઈ મોદીએ 2014 ના વર્ષમાં તેમના મિત્ર બટુકભાઈ બાબુભાઇ સોનપાલ નાઓને ધંધા અર્થે મદદ રૂપ માટે ટુકડે ટુકડે ચેક દ્વારા 19 લાખ રૂપિયા આપ્યા હતા જે રૂપિયા એક જ વર્ષમાં બટુકભાઈએ સનમુખભાઈને પરત આપવાનો વાયદો કર્યો હતો રૂપિયાની સેફટી પેટે બટુકભાઈએ સનમુખભાઈને ચેક આપ્યો હતો ઓછીના રૂપિયા બટુકભાઈએ વાયદા પ્રમાણે નહિ ચૂકવતા સનમુખભાઈ મિત્ર બટુક સોનપાલ પાસેથી વખતો વખત ઉઘરાણી કરતા હતા 2018ના વર્ષમાં એક ગોઝારા અકસ્માતમાં સનમુખભાઈ મોદીનુ મોત નીપજ્યું હતુ જે બાદ તેના પુત્ર જીજ્ઞેશભાઈ મોદીએ બટુકભાઈ પાસેથી પિતાએ આપેલા રૂપિયાની ઉઘરાણી કરી પરંતુ તેણે એકપણ રુપિયો આપ્યો ન હતો.

બટુક સોનપાલે આપેલ 11.5 લાખનો ચેક જીજ્ઞેશભાઈ મોદીએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં બેંકમાં ડિપોઝીટ કરાવતા રિટર્ન થયો હતો જેથી જીજ્ઞેશભાઈ મોદીએ કાયદાકીય રીતે કડોદરા પોલીસ મથકમાં વાયદાઓના વેપાર કરતાં આવેલા બટુકભાઈ સોનપાલ વિરુદ્ધ અરજી કરી હતી. આ ફરિયાદની તપાસ કરતી પોલીસે જવાબ માટે સોનપાલને તેડાવ્યો હતો. એ સમયે બટુકભાઈ બાબુભાઇ સોનપાલે ” બાકી રકમ પેટે લેવાના રૂપિયાના બદલામાં સોનાના દાગીના મળી ગયા છે અમારે હવે કોઈ રૂપિયા બાકી નથી હિસાબ ચુકતે ” એવું લખાણ પોલીસ સમક્ષ રજુ કર્યું હતું.
સોનપાલે રજુ કરેલા લખાણમાં જીજ્ઞેશભાઈને શંકા વ્યક્ત કરી હતી. બટુકભાઈએ રુપિયા આપવા ન પડે એ માટે મૃત્યું પામેલા વ્યક્તિના નામે ખોટુ લખાણ કરી બોગસ સહી પણ તેણે કરી દીધી હતી. લખાણ અનુસારના કોઇ પુરાવા પણ બટુક રજુ કરી શક્યો ન હતો. પ્રાથમિક તપાસ દરમિયાન બટુક રુપિયા આપતો ન હોય જાણી જોઇને ખોટા ચેક આપ્યાનું, સાથે જ નાણાંકીય વ્યવહાર પુરો થઇ ગયાનું ખોટુ લખાણ ઉભું કર્યાનું, તેની ઉપર ખોટી સહી કર્યાનું જણાય આવ્યું હતું.

પોલીસે આ મામલે બટુક બાબુલાલ સોનપાલ સામે ઇપીકો કલમ 420, 467, 468, 471 તથા વટાઉખત અધિનિયમન1981ની કલમ 138 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે સોનપાલની ધરપકડ કરી હતી. જેલવાસ ભોગવતાં સોનપાલને કોર્ટે શરતોને આધિન જામીન આપ્યા છે. સોનપાલે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો, સાક્ષીઓને પ્રલોભન આપવું નહી, પ્રભાવિત કરવા નહી, દર મહિનાની પહેલી અને પંદરમી તારીખે પોલીસ મથકમાં હાજરી પુરાવવી, કોર્ટની પરવાનગી વિના ગુજરાત રાજ્યની હદ છોડવી નહી વિગેરે શરતોને આધિન જામીન આપ્યા હતાં.
જો કે સોનપાલે કોર્ટની આ શરતોનું પાલન કર્યું ન હતું. તેઓ કોર્ટના આદેશ અનુસાર પોલીસ મથકમાં હાજરી પુરાવવા ગયા ન હતાં. આ મામલે ફરિયાદી જીજ્ઞેશ મોદીને જાણ થતાં તેમણે સોનપાલની મનમાની સામે વધું એક કાર્યવાહી કરી છે. મોદીએ સોનપાલના જામીન રદ કરવા માટે કાર્યવાહી કરવા કડોદરા પોલીસ, જીલ્લા પોલીસ વડા તથા રેન્જ આઇજીને ફરિયાદ કરી છે.