કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગ થતી આતંક ફેલવનારા કટ્ટરવાદી તત્વો સામે ભારતીય સેના દ્વારા કઠોરતમ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં 2 આતંકવાદીને ઠાર કર્યાં છે. બન્ને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તયૈબા સાથે જોડાયેલા હતા. આ વિસ્તારમાં વધુ તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કાશ્મીર પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદી પૈકી એક 31મી મેના રોજ કુલગામમાં શિક્ષિકા રજની બાળાની હત્યામાં સંડોવાયેલો હતો. સુરક્ષાદળોએ 16 દિવસ બાદ શિક્ષિકા રજનીના હત્યારાને મારી નાંખવામાં સફળતા મેળવી છે.
કુલગામ જિલ્લાની હાઈસ્કુલ ગોપાલપોરામાં રજની બાળા ફરજ પર હતા. સવારે લગભગ 10 વાગ્યાનો સમય હતો અને શાળામાં પ્રાર્થનાનો સમય હતો. ઓચિંતા જ ફાયરિંગનો અવાજ સાંભળવા મળ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકોએ બહાર આવી જોયુ તો તેમના શિક્ષક રજની શાળાના ગેટથી 10-15 મીટરના અંતરે ગંભીર સ્થિતિમાં હતા. આ ઘટના કુલગામ જિલ્લાના ગોપાલપોરા ગામની છે, જે જમ્મુ શ્રીનગર હાઈવેથી આશરે 25 કિમી અંદર છે. વિદ્યાર્થીએ કહ્યું કે શાળામાં અનેક શિક્ષકો હતા, પણ આતંકવાદીઓએ ફક્ત રજની મેમને જ નિશાન બનાવ્યા.
આ અગાઉ સુરક્ષા દળોએ બુધવારે રાજસ્થાનના બેંક મેનેજર વિજયની હત્યાનો પણ બદલો લીધો હતો. જવાનોએ કાશ્મીરના શોપિયામાં 2 આતંકવાદીનું એન્કાઉન્ટર કર્યું હતું. IGPએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ લશ્કર-એ તૈયબા સાથે જોડાયેલા હતા અને તે પૈકી એક વિજયને કુલગામમાં બેન્ક ડ્યુટી સમયે ગોળી મારી હતી. સુરક્ષા દળોએ શોપિયાના કાંજીલૂર વિસ્તારમાં આ આતંકદાવીઓને ઠાર કર્યા હતા.