સુપ્રીમ કોર્ટે આર્ય સમાજ દ્વારા જારી કરાયેલા લગ્ન પ્રમાણપત્રને કાયદાકીય માન્યતા આપવાનો ઇનકાર કરી દીધો છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરથનાની બેંચે કહ્યું કે આર્ય સમાજનું કામ લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ માત્ર સક્ષમ અધિકારીઓ જ કરે છે. અસલ પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરવાનું રહેશે.
મામલો લવ મેરેજનો જણાવવામાં આવી રહ્યો છે. છોકરીના પરિવારના સભ્યોએ તેમની છોકરીના અપહરણ અને બળાત્કારની એફઆઈઆર નોંધાવી છે અને જણાવ્યું છે કે તે સગીર છે. જ્યારે યુવકે જણાવ્યું કે યુવતી પુખ્ત છે. તેણે પોતાની મરજી અને હકથી લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ લગ્ન આર્ય સમાજ મંદિરમાં થયા હતા.
યુવકે કેન્દ્રીય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા જારી કરાયેલ લગ્નનું પ્રમાણપત્ર પણ કોર્ટમાં રજૂ કર્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ મામલામાં સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ હતી.
ત્યારપછી જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ હૃષિકેશ રોયની ખંડપીઠે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટે આર્ય પ્રતિનિધિ સભાને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 5, 6, 7 અને 8ની જોગવાઈઓને એક મહિનાની અંદર તેની ગાઈડ લાઈનમાં સામેલ કરવા કહ્યું હતું.