મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવો દાવ ખેલ્યો છે.શિંદેએ શિવસેના પર દાવો ઠોકતા 12 સાંસદોની પરેડ લોકસભા સ્પિકર પાસે કરાવી છે. શિંદેએ દાવો કર્યો છે કે, શિવસેનાના 19માં 18 સાંસદોનું સમર્થન તેમની પાસે છે. શિંદેના દાવાને સ્વિકારતાં લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ રાહુલ શેવાળે ને શિવસેનાના નેતા ગણાવ્યા છે. જો કે આ સાથે જ શેવાળેને લઇ મોટો વિવાદ શરુ થઇ ગયો હતો. શેવાળે નેતા બન્યા એ સાથે જ દુબઈથી આવેલી મહિલાએ તેઓ વિરુદ્ધ દુષ્કર્મનાં ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
શિંદેએ ધારાસભ્યો બાદ સાંસદોને પણ પોતાના તરફે કરી દિલ્હી પહોંચતાં મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેએ બેઠક બોલાવી છે. આ મીટિંગમાં પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓેને બોલાવામાં આવ્યા છે. સાથે જ મહાનગરપાલિકા અધ્યક્ષોને પણ આ મીટિંગમાં સામેલ રહેવાના નિર્દેશ આપવામા આવ્યા છે. ધારાસભ્યોના બળવા બાદ ઉદ્ધવ ઠાકરેએ 29 જૂનના રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતુ. શિવસેનાના 12 સાંસદોને કેન્દ્ર સરકાર તરફથી વાય પ્લસની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 19માંથી 12 સાંસદ અલગ જૂથનો દાવો લોકસભામાં રજૂ કરી શકે છે. આ સાંસદ મંગળવારે પ્રધાનમંત્રી મોદીને પણ મળી શકે છે.
આ ઘટનાક્રમ વચ્ચે લોકસભામાં સ્પીકરે રાહુલ શેવાળેને શિવસેનાના નેતા તરીકે માન્યતા આપી હતી. શિંદેને નેતા તરીકે માન્યતાં મળી એ સાથે જ તેઓ વિવાદમાં વમળમાં ફસાયા છે. બંને ઘટનાઓ એકસાથે સપાટી પર આવતા ઘણી રાજકીય ચર્ચાઓએ જોર પકડયું છે. તેમની સામે ખૂબ સૂચક રીતે દુષ્કર્મનાં ગંભીર આક્ષેપ લાગ્યા છે. મહારાષ્ટ્રની એક 33 વર્ષીય મહિલાએ શિંદે જૂથના શિવસેના સાંસદ રાહુલ શેવાલે પર દુષ્કર્મ અને અત્યાચારનો આરોપ લગાવતા પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે.
શેવાળે સામે આરોપ લગાવનારી મહિલા દુબઈમાં રહે છે અને કપડાનો વ્યવસાય કરે છે. મહિલાએ સાંસદ રાહુલ શેવાળે પર માનસિક યાતના, બળાત્કાર અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ કહ્યું હતું કે કે શેવાળે 2020થી લગ્નના વાયદા કરીને તેને આ રીતે હેરાન કરી રહ્યો છે. સાકીનાકા પોલીસમાં ફરિયાદ કરવાની સાથે મહિલાએ સીએમ એકનાથ શિંદેને પત્ર લખીને ન્યાયની માંગ પણ કરી છે.
મહિલાનો આરોપ છે કે મુંબઈ પોલીસ શિંદે જૂથના શિવસેના સાંસદ શેવાલેના પ્રભાવ હેઠળ છે, તેથી તેની ફરિયાદ પર કેસ નોંધી રહી નથી. પીડિતાએ પોતાના અને શેવાલેના કેટલાક વીડિયો પણ ટ્વીટ કર્યા છે, જેમાં બંને એકસાથે જોવા મળે છે.
શેવાલેએ સામી ફરિયાદ કરી આ આરોપો ખોટા હોવાનું કહીને સાંસદ રાહુલ શેવાળેએ મહિલા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા અને ટ્વીટ હટાવવાની માંગ કરવામાં આવી છે.
રાહુલ શેવાળેના વકીલ દ્વારા સાયબર પોલીસને આપવામાં આવેલી લેખિત ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ ખોટા આરોપોથી તેમના અસીલની છબીને નુકસાન થયું છે. રાહુલ શેવાલેએ કબૂલ્યું છે કે તે તે સમયના વીડિયો છે જ્યારે તેઓની વચ્ચે સારા સંબંધો હતા હવે તેને બ્લેકમેલ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને શિંદે સરકારમાં જોડાયા બાદ આ પગલું લેવામાં આવી રહ્યું છે.