નાઈજીરિયાના એક શહેરમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. દક્ષિણ-પૂર્વ નાઇજિરિયન શહેર પોર્ટ હાર્કોર્ટમાં શનિવારે એક ચર્ચ ગિફ્ટ વિતરણ અને ભોજનના કાર્યક્રમમાં નાસભાગ મચી ગઇ હતી. ભેટ અને ભોજન માટે થયેલી પડાપડી અને પછી નાસભાગ મચી જવાથી ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા અને સાત અન્ય ઘાયલ થયા. CNNએ પોલીસ અને સુરક્ષા અધિકારીઓને ટાંકીને માહિતી આપી.
આ ઘટના શનિવારની સવારે બની હતી. અહીંના એક ચર્ચમાં પ્રાર્થના સભા બાદ ગિફ્ટ ડોનેશન કેમ્પેઈન અને ભોજન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આયોજકોના અંદાજાથી વિપરિત સેંકડો લોકો ગિફટ અને ભોજન લેવા પહોંચી જતાં ગેર વ્યવસ્થા સર્જાય હતી. અરાજકતામાં પરિણમેલી પરિસ્થિતિને કોઇ કાબૂમાં કરી શક્યું ન હતું. ઉમટી પડેલા મોટા ટોળાએ એક ગેટ તોડી નાખ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. નાઈજીરીયાના સિવિલ ડિફેન્સ કોર્પ્સના પ્રાદેશિક પ્રવક્તા ઓલુફેમી અયોડેલના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ ઘટના સ્થાનિક પોલો ક્લબમાં બની હતી, જ્યાં નજીકના કિંગ્સ એસેમ્બલી ચર્ચે ગિફ્ટ ડોનેશન કેમ્પેઈનનું આયોજન કર્યું હતું. ત્યાં ડોનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓલુફેમી આયોડેલે કહ્યું, ‘ગિફ્ટ આઈટમ્સનું વિતરણ કરવાની પ્રક્રિયા દરમિયાન ભીડને કારણે નાસભાગ મચી ગઈ હતી.જાનહાનિમાં મોટા ભાગના બાળકો હતા. CNNએ રાજ્ય પોલીસના પ્રવક્તા ગ્રેસ વોએન્ગીકુરો ઇરિંજ-કોકોને ટાંકીને જણાવ્યું હતું કે જ્યારે નાસભાગ મચી ત્યારે અભિયાન શરૂ પણ થયું ન હતું.
વોયેન્ગીકુરો ઇરીંજ-કોકોએ જણાવ્યું હતું કે ગેટ બંધ હોવા છતાં ભીડ બળજબરીથી કાર્યક્રમ સ્થળમાં પ્રવેશી હતી, જેના પરિણામે અકસ્માત થયો હતો. તેમણે જણાવ્યું હતું કે 31 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. ઘટના બાદ સાત ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.