સુરત, તા.28 ફેબ્રૂઆરી…
શહેરના છેવાડે સચિન વિસ્તારમાં 2 વર્ષીય બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરાતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઢળતી સાંજે લાપતા થયેલી બાળકીનો મોડીરાતે મૃતદેહ મળી આવ્યો હતો. બળાત્કાર અને હત્યાકાંડ પિતાના મિત્રએ જ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ઘર નજીક રહેતો 23 વર્ષીય ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ બાળકીને ફરાળી ચેવડો અપાવવાના બહાને પોતાની સાથે લઇ ગયો હતો.

સચિન પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કપ્લેથા ગામના હળપતિવાસમાંથી સોમવારે ઢળતી સાંજે બે વર્ષની બાળકી લાપતા થઈ હતી. ઘર નજીક રમતાં રમતા ગુમ થયેલી બાળકીની પરિવાર અને આડોશી પડોશીએ શોધખોળ આરંભી હતી. આ દરમિયાન એવું જાણવા મળ્યું કે ઇસ્માઇલ ઉર્ફે યુસુફ સલીમ હજાત આ બાળકીને રમાડતો હતો. ઇસ્માઇલ જ તેને ચેવડો અપાવું એમ કહી સાથે લઇ દુકાન તરફ જતા જોવા મળ્યો હતો. ઇસ્માઇલ એ બાળકીના પિતાનો મિત્ર જ હતો. પરિવારે ઇસ્માઇલને કોલ કર્યો તો તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવ્યો હતો. આઠ વાગ્યા સુધી તેની ભાળ નહીં મળતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

બાળકી લાપતા થયાની ફરિયાદ મળતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઇસ્માઇલ બાળકીને લઈ ગયો હતો એ દિશામાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં પોલીસની સાથે સ્થાનિક રહેવાસીઓ પણ જોડાયા હતા. કપ્લેથા તળાવ વાળા રસ્તે એક બંધ મકાનની પાછળ અવાવરું જગ્યામાંથી બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જ્યાં પોલીસે બાળકીની તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

બે વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરી દેવાઈ હોવાની વાત વાયુવેગે કપ્લેથા પંથકમાં ફેલાઇ જતાં મામલો ગરમાયો હતો. લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. બાળકીના બળાત્કારી હત્યારા ઇસ્માઇલ ઉર્ફે યુસુફને શોધવા કપ્લેથાના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસે પણ જુદી જુદી ટીમો બનાવી નરાધમ ઈસ્માઈલને પકડવા કામે લાગી હતી.
આ દરમિયાન ઇસ્માઇલને સચિન નવસારી સ્ટેટ હાઇવે પર કપ્લેથા ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડ્યો હતો. આરોપી નવસારી તરફ ભાગવાના ફિરાકમાં હતો. જો કે તેને કોઇ વ્હીકલ મળે એ પહેલા જ ગામલોકો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઇસ્માઇલ ઉર્ફે યુસુફ સલીમ હજાત (રહે, સરદાર ફળિયું, કપ્લેથા ગામ, મૂળ- આલીપોર, તા-ચીખલી)ની ધરપકડ કરી હતી.

***ઇસ્માઇલે બળાત્કાર દરમિયાન પેટ અને હાથ પર બચકા ભર્યા
ઘટના અંગે જોઇન્ટ સીપી કે. એન. ડામોરે માહિતી આપતા જણાવ્યું હતું કે, પરિવારના માતા પિતાએ સચિન પોલીસને પોતાની બાળકી તેનો મિત્ર ફરાળી ચેવડો અપાવવાના બહાને લઈ ગયો હતો. બાળકીનો મૃતદેહ કપ્લેથા તળાવ રોડ પર એક બંધ મકાનની પાછળના ભાગેથી મળી આવ્યો હતો. ડામોરે જણાવ્યું હતું કે, આરોપી સ્માઈલ શહેરમાં છૂટક મજૂરી કામ કરે છે. બાળકીના પિતા સાથે ગામમાં રહેતો હોવાથી મિત્ર હતો અને અવારનવાર તે બાળકીને રમાડતો પણ હતો. આ યુવકે બર્બતાપૂર્વક બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. તેણે બાળકીના પેટ અને હાથ પર બચકા પણ ભર્યા હતા. બાળકીનો મૃતદેહ મળ્યો ત્યાં લોહી પણ હતું. બાળકીના ગુપ્તભાગે ગંભીર ઇજા પહોંચતાં આ રક્તસ્ત્રાવ થયાનું જણાતું હતું.

***સીસી કેમેરા ફૂટેજમાં ઇસ્માઇલ એકલો દેખાતા પોલીસની ચિંતા વધી
બાળકી ગુમ થઈ ગયા હોવાની ફરિયાદ મળતા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગામના તમામ સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. જેમાં એક સીસીટીવી ફૂટેજમાં આરોપી એકલો ભાગતો દેખાતો હતો. જેને લઇ પોલીસની ચિંતા વધી ગઈ હતી. એડિશનલ સીપી કે.એન. ડામોરે વધુમાં જણાવ્યું હતું કે આરોપી એકલો જણાઈ આવતા પોલીસ અને ગ્રામજનોની મદદથી વધુ સતર્ક થયા હતા.
એસીપી ડીસીપી પીઆઇ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બોલાવીને કામે લગાવાઇ હતી. પોલીસે જુદી જુદી સાત થી વધુ ટીમો બનાવીને જુદાજુદા વિસ્તારોમાં એક સાથે તપાસ કરતી હતી. દરમિયાન મોડી રાત્રે ગામના તળાવ પાસે આવેલ બંધ ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

***વેડરોડના બળાત્કારીને ફાંસીના ત્રીજા જ દિવસે ફરી બળાત્કાર-હત્યા
સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની છ વર્ષ અને આઠ મહિનાની બાળકી ગત સાત ડિસેમ્બરે લાપતા થઈ હતી. પોલીસ તપાસમાં બિલ્ડિંગમાં રહેતા મુકેશ ચીમનલાલ પંચાલે બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરી નાંખ્યાનું બહાર આવ્યું હતું. નરાધમે બાળકીની હત્યા કરી તેને કોથળામાં પેક કરી દીધી હતી અને પેટી પલંગમાં સંતાડી જતો રહ્યો હતો.
બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ગત 25 મી ફેબ્રુઆરીના રોજ સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ફાંસીની સજા દાખલો બેસે એ ઇરાદે કે હેતુથી કરાયાનું ચૂકાદામાં નોંધાયું હતું. જો કે મહત્તમ સજાના ત્રીજા જ દિવસે કપ્લેથામાં બે વર્ષની બાળકી સાથે નજીકમાં રહેતા 23 વર્ષીય વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ બાદ હત્યા કરી દેવામાં આવી છે.