IPL 2022માં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની ટીમ ગુજરાત ટાઇટન્સે IPLની 15મી સિઝનની ટ્રોફી જીતી છે. હાર્દિક પંડ્યા IPLમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરી રહ્યો હતો, જેમાં તે પાસ થતો જોવા મળી રહ્યો છે. પ્રથમ મેચથી લઈને છેલ્લી મેચ સુધી ટીમે સતત શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે સમાચાર એવા છે કે હાર્દિક પંડ્યાને આનું ઈનામ મળી શકે છે. તેને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી.
IPL 2022 બાદ ટીમ ઈન્ડિયા હવે દક્ષિણ આફ્રિકા સામે પાંચ T20 મેચોની શ્રેણી રમશે. આ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શ્રેણીની પ્રથમ મેચ 9 જૂને રમાશે અને ત્યાર બાદ છેલ્લી મેચ 19 જૂને રમાશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા વરિષ્ઠ ખેલાડીઓને ટી-20 શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. આ સીરીઝ પછી તરત જ ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, જ્યાં ટેસ્ટ સીરીઝ સિવાય ટી20 અને વન ડે સીરીઝ પણ રમાશે. શ્રેણીની શરૂઆત ટેસ્ટ મેચથી થશે. પહેલી ટેસ્ટ મેચ 1 જુલાઈથી રમાશે. આ પહેલા ભારતીય ટીમ 24 થી 27 જૂન સુધી પ્રેક્ટિસ મેચ પણ રમશે. દરમિયાન, એવા અહેવાલો છે કે દક્ષિણ આફ્રિકાની શ્રેણી માટે જાહેર કરાયેલી ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ શ્રેણી અધવચ્ચે છોડીને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ શકે છે.
હાર્દિક પંડ્યા ભારત અને આયર્લેન્ડ સીરીઝ માટે કેપ્ટન બની શકે છે
ખાસ વાત એ છે કે 26 થી 28 જૂન સુધી ભારતીય ટીમ આયર્લેન્ડ સામે બે T20 મેચ રમવાની છે. આ બે મેચ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે, કારણ કે તમામ સિનિયર ખેલાડીઓ ઈંગ્લેન્ડમાં હશે અને પ્રેક્ટિસ મેચ રમશે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા વધુ સારો વિકલ્પ બની શકે છે. જો કે ભારત સાઉથ આફ્રિકા સીરીઝ માટે પણ હાર્દિક પંડ્યાનું નામ સુકાનીપદ માટે ચાલી રહ્યું હતું, પરંતુ પસંદગીકારોએ કેએલ રાહુલને કેપ્ટન બનાવ્યો છે. ટેસ્ટ સિરીઝ માટે કેએલ રાહુલનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આયર્લેન્ડ સિરીઝ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવી શકે છે અને આઈપીએલમાં સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આગામી થોડા દિવસોમાં આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવશે અને તે સ્પષ્ટ થશે કે કોને સુકાનીપદ આપવામાં આવે છે.