સરકાર દ્વારા સમયાંતરે બદલવામાં આવતાં કાયદો, નીતિ નિયમો અંગે વાકેફ રહેવું એ જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ બને છે. આ અપડેટથી માહિતગાર નહીં રહેનારાઓએ ક્યારેક ભારે નૂકશાન સહન કરવાનો, મુશ્કેલીમાં મૂકાવાનો વારો પણ આવે છે. આજથી નવા મહિનાની શરૂઆત સાથે, ઘણા નવા ફેરફારો પણ અમલમાં આવ્યા છે. જેનો સીધો સંબંધ તમારી નાણાકીય જરૂરિયાતો અને રોકાણ પદ્ધતિઓ સાથે છે. જેમાં આવકવેરા, ટીડીએસ કપાત અને શેરબજારમાં રોકાણ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. તમારા માટે આ ફેરફાર જાણી લેવા ખૂબ જ જરૂરી છે જેથી બાદમાં કોઈ મુશ્કેલી ન આવે.
આધાર-પાન લિંક : કરદાતાઓ માટે આ કામ સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે હજી સુધી તમારું આધાર અને PAN લિંક નથી કર્યું. તો આજથી તેને ડબલ દંડ સાથે લિંક કરી શકાશે. તેને આધાર સાથે લિંક કર્યા વિના, તમારુ PAN અમાન્ય ગણવામાં આવશે અને તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો નહીં. 1 જુલાઈથી 31 માર્ચ, 2023 સુધી તમે 1,000 રૂપિયાનો દંડ ભરીને તમારા PAN અને આધારને લિંક કરી શકો છો.
ક્રિપ્ટોકરન્સી પર TDS લાગુ : ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ પર આજથી ટેક્સ સંબંધિત એક મોટો નિયમ અમલમાં આવ્યો છે. હવે ક્રિપ્ટો રોકાણકારોએ કોઈપણ વ્યવહાર પર 1 ટકા TDS ચૂકવવો પડશે. સૌથી મોટી વાત એ છે કે રોકાણકારે દરેક ટ્રાન્ઝેક્શન પર 1 ટકા TDS ચૂકવવો પડશે. પછી ભલે તે નફો હોય કે નુકસાન.
ડોકટરો, યુટ્યુબર્સ પર પણ TDS લાગુ : 1 જુલાઈથી ડોકટરો અને ઈન્ફ્યુએન્શર્સ માટે પણ TDSનો નવો નિયમ લાગુ થઈ ગયો છે. હવે ડોક્ટરોને કંપની તરફથી મળતી ફ્રી ગિફ્ટ પર ટેક્સ ચૂકવવો પડશે. આજ રીતે યુટ્યુબર્સે પણ કંપનીઓ દ્વારા મેળવેલી રકમ પર TDS ચૂકવવો પડશે. જ્યારે સોશિયલ મીડિયા ઈન્ફ્યુએન્શર્સે પણ કંપની પાસેથી મોબાઇલ, કાર વગેરે જેવા પ્રો઼ક્ટ પર 10 ટકા ટેક્સ ચૂકવવો પડશે. જો કે જો કંપનીઓ પાસેથી મળેલી પ્રોડક્ટ પરત કરવામાં આવે તો ટેક્સ લાગશે નહીં.
ડીમેટ એકાઉન્ટ થઈ જશે બંધ : જો તમે પણ શેરબજાર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અને હજુ સુધી તમારા ડીમેટ એકાઉન્ટ માટે KY કરાવ્યું નથી, તો 1 જુલાઈથી તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. KYC વગરના ખાતા 10 દિવસમાં બંધ કરી દેવામાં આવશે. એટલે કે, હવે તમે શેરબજારમાં વેપાર કરી શકશો નહીં.